(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ રખડતાં શ્વાન ખૂબ જ મોટી સમસ્યા બની ગયા છે અને સુપ્રીમ કોર્ટ પણ આ મામલે લાલઘૂમ થઈ છે, પરંતુ શ્વાનની સમસ્યા ઉકેલાતી નથી અને લોકો તેનો ભોગ બને છે. અમરેલીમાં એક જ દિવસમાં શ્વાન કરડવાના 45 કેસ નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. મોટાભાગના વિસ્તારોમાં આવા કિસ્સા બનતા રહેતા હોવાથી સ્થાનિકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર શાકબજાર, માણેકપરા સહિતના વ્યસ્ત વિસ્તારોમાં આવા કિસ્સા બન્યા હતા. રસ્તે ચાલતા લોકોથી માંડી દુકાનમાં બેસેલા માણસને શ્વાન કરડી ગયા હતા.
અહીંની હૉસ્પિટલમાં પણ એક પછી એક શ્વાન કરડવાના કેસ આવતા સ્ટાફ કામે લાગ્યો હતો. હૉસ્પિટલમાં દરદીઓ અને તેના પરિવારજનોએ ભીડ લગાવી હતી. આ અંગે હેલ્થ ઓફિસરના જણાવ્યા અનુસાર 31 પુરુષ 10 બાળક અને 4 મહિલા એક જ દિવસમાં શ્વાનનો શિકાર બન્યાં હતા. જોકે આ શ્વાન હડકાયા બન્યા હતા કે એક સાથે કરડવાનું શું કારણ હતું તે બહાર આવ્યું નથી.