નવી દિલ્હી/ ન્યૂ યોર્કઃ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે તો ખટપટ ચાલી રહી છે. તેવામાં અમેરિકન રાષ્ટ્રપતિએ ભારતને ગાઝા શાંતિ બોર્ડમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. એટલે ગાઝામાં શાંતિ લાવવા માટે ભારત મહત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે. ગાઝા શાંતિ બોર્ડમાં સામેલ થવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે જાતે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. ગાઝામાં શાંતિ લાવવા માટે ગાઝા શાંતિ બોર્ડ અમેરિકન રાષ્ટ્રપતિની એક મહત્વપૂર્ણ યોજના છે. પરંતુ પ્રશ્ન એ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર કેટલો ભરોસો કરી શકાય? ઈરાન મામલે ડ્રમ્પના નિવેદનના કારણે પ્રદર્શનકારીઓને આઘાત લાગ્યો છે. તેવામાં હવે અમેરિકી ડ્રમ્પ શું કોઈ બીજી ચાલ રમી રહ્યાં છે? આ એક સવાલ છે.
ગાઝા શાંતિ બોર્ડમાં સામેલ થવા અમેરિકાએ આપ્યું આમંત્રણ
ગાઝા શાંતિ બોર્ડની વાત કરવામાં આવે તો, તેનો મુખ્ય ઉદ્દેશ ગાઝામાં શાસન અને ત્યાં થઈ રહેલા પુનર્વિકાસ પર ખાસ નજર રાખવાનું છે. જેના માટે અમેરિકાએ હવે ભારતને આમંત્રણ આપ્યું છે. આ અંગે થોડા સમય પહેલા વ્હાઈટ હાઉસથી જાહેરાત કરવામાં આવી હતી કે, ગાઝા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની અધ્યક્ષતામાં એક બોર્ડ બનાવવામાં આવશે. તેમાં યુદ્ધગ્રસ્ત પ્રદેશનું સંચાલન કરવા માટે પેલેસ્ટિનિયન ટેક્નોક્રેટ્સની સમિતિનો સમાવેશ થશે. આ બોર્ડને ત્યાં શરૂ કરવા માટે અમેરિકા હવે ભારતની મદદ લેવા માંગે છે, તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.
ભારતની વાત ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને માને છે
એક ચોંકાવનારી વાત એ છે કે, ગાઝા શાંતિ બોર્ડમાં સામેલ થવા માટે અમેરિકા પાકિસ્તાનને પણ આમંત્રણ આપ્યું હોવાનો પાકિસ્તાને દાવો કર્યો છે. જો કે, તે વાતમાં કેટલીક હકીકત છે તે સવાલ છે. ભારતના વાત કરવામાં આવે તો, ભારત એક એવો દેશ છે તેનો ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશે સ્વીકાર કરે છે. એટલે કે ભારતની કહેવા વાત આ બંને દેશો મોટાભાગે માનતા હોય છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સાથે ભારતના સંબંધો પણ વર્ષોથી રહ્યાં છે. મૂળ વાત એ છે કે, ઇઝરાયલ છેલ્લા કેટલાય વર્ષોથી ભારતનું ખાસ મિત્ર રહ્યું છે, તો સામે પેલેસ્ટાઇનને ભારતે હંમેશા માનવતાના નાતે મદદ કરી છે.
શું ભારત અમેરિકાના આમંત્રણનો સ્વીકાર કરશે?
અમેરિકાએ ગાઝા શાંતિ બોર્ડમાં સામેલ થવા માટે આમંત્રણ તો આપ્યું છે પરંતુ શું ભારત તેમાં સામેલ થશે? કારણ કે, ભારત સરકાર દ્વારા તેની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જો કે, ગાઝાને સહાય મોકલતા દેશોમાં ભારત હંમેશા પ્રમુખ રહ્યું છે. તો હવે જોવાનું એ રહે છે કે, ટ્રમ્પના આમંત્રણનો ભારત શું જવાબ આપે છે. પરંતુ હા એક વાત નક્કી છે કે, ગાઝા મામલે ઇઝરાયલ પાકિસ્તાનનો ક્યારેય સ્વીકાર નહીં કરે તેવી ઇઝરાયલી રાજદૂત રુવેન અઝારે પહેલા જ જાહેરાત કરેલી છે.