તહેરાન: ઈરાનમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. તેવા સમયે ઈરાન પર અમેરિકાના સંભવિત હુમલાથી ઈરાન ઉપરાંત પાકિસ્તાનની ચિંતા પણ વધી છે. આ ઉપરાંત અમેરિકાની ધમકીથી સાઉદી અરેબિયા, કતાર અને અન્ય દેશોની ચિંતા વધી છે. જેમાં હાલ અમેરિકાનું અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ હવે મધ્ય પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. કેટલાક અહેવાલો દાવો કરે છે કે જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ પણ આ પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો
આ દરમિયાન ગલ્ફ ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોએ ચેતવણી જાહેર કરી છે કે વધતા તણાવથી વૈશ્વિક ક્રૂડ ઓઇલ વેપાર માટે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ શકે છે. આના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. જે વૈશ્વિક બજારોને મોટો ફટકો પહોંચાડી શકે છે. નિષ્ણાતો માને છે કે ગલ્ફ ક્રૂડ ઓઇલ પુરવઠામાં ઘટાડો ચીન જેવા દેશોને વિકલ્પો શોધવા તરફ દોરી શકે છે. ઈરાનની સરહદે આવેલા દેશો પણ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.
પાકિસ્તાનનો અમેરિકાના સંભવિત હુમલાનો વિરોધ
જ્યારે ભૂતપૂર્વ રાજદ્વારી અને રાજકીય નિષ્ણાત મલીહા લોધીએ એજન્સીને જણાવ્યું હતું કે ઈરાન પર કોઈપણ અમેરિકી લશ્કરી હુમલો સમગ્ર ક્ષેત્ર માટે ખતરનાક અને અસ્થિર બની શકે છે. તેની પાકિસ્તાન પર ગંભીર અસર પડી શકે છે. જેના લીધે બલુચિસ્તાનમાં આતંકવાદીઓ મજબૂત થઈ શકે છે.જે પાકિસ્તાનની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે. પાકિસ્તાન અમેરિકાની નજીક આવી રહ્યું છે પરંતુ ઈરાન પર સંભવિત હુમલાનો પણ વિરોધ કરી રહ્યું છે.