આપણામાંથી મોટાભાગના લોકોએ બાળપણમાં દૂધ-ચા સાથે બિસ્કિટ તો ખાધા જ હશે અને આપણું કોઈને કોઈ મનગમતું બિસ્કિટ પણ હશે જ. હવે જો તમે બિસ્કિટની બનાવટને ધ્યાનથી જોઈ હશે તો કોઈ પણ બિસ્કિટ ઉપાડીને જોઈ લો એ કોઈ પણ આકારનું હશે પણ એમાં એક વસ્તુ કોમન હશે અને એ એટલે આ બિસ્કિટમાં છિદ્રો જોવા મળે છે. હવે ક્યારેય એવું વિચાર્યું ખરું કે બિસ્કિટમાં રહેલાં આ છિદ્રોનું કામ શું છે? શું તે માત્ર ડિઝાઈન માટે જ હોય છે? જો તમને પણ આ સવાલોના જવાબ ખ્યાલ ના હોય આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસ વાંચી જજો જેથી તમારા આ તમામ સવાલોના જવાબ તમને મળી જશે...
શું કહેવાય છે બિસ્કિટ પર દેખાતા છિદ્રોને?
નાનપણથી જ આપણે ચા કે દૂધ સાથે બિસ્કિટ ખાતા આવ્યા છીએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બિસ્કિટની સપાટી પર આ છિદ્રો શા માટે બનાવવામાં આવે છે? આપણામાંથી અનેક લોકોને એવું લાગે છે કે આ છિદ્રો માત્ર એક ડિઝાઈનના ભાગ સ્વરૂપે જ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બેકિંગની દુનિયામાં તેનું એક વિશેષ નામ અને કામ છે. બિસ્કિટ પર જોવા મળતાં છિદ્રોને ટેકનિકલ ભાષામાં ડોકર્સ (Dockers) કહેવામાં આવે છે.
વરાળને બહાર નીકળવા માટે સ્પેસ
જ્યારે બિસ્કિટની કણકને ઓવનમાં ઊંચા તાપમાને શેકવામાં આવે છે, ત્યારે તેમાં રહેલો ભેજ વરાળમાં રૂપાંતરિત થાય છે. આવી સ્થિતિમાં જો બિસ્કિટમાં છિદ્રો ન હોય, તો આ વરાળ અંદર જ ભરાઈ રહે છે અને બિસ્કિટ ફુગ્ગાની જેમ ફૂલી જાય છે કે પછી તે વચ્ચેથી ફાટી જવાની શક્યતા રહેલી છે. બિસ્કિટમાં રહેલાં આ છિદ્રો વરાળને બહાર નીકળવા માટેની સ્પેસ પૂરી પાડે છે, જેથી બિસ્કિટનો સપાટ, ચપટો આકાર જળવાઈ રહે છે.
પરફેક્ટ 'ક્રંચ' અને સમાન બેકિંગ
વરાળને નીકળવાની સ્પેસ આપવાની સાથે સાથે જ આ બિસ્કિટનો અસલી આનંદ તેની ક્રન્ચી અને ક્રિસ્પી બનાવટમાં આવે છે. બિસ્કિટમાં છિદ્રો હોવાને કારણે ગરમી બિસ્કિટના અંદરના ભાગ સુધી એક સમાન રીતે પહોંચે છે. જો આ છિદ્રો ન હોય તો બિસ્કિટ બહારથી લાલ અને કૂક થઈ જશે, પરંતુ અંદરથી કાચા અથવા પોચા રહી જશે. આ છિદ્રોને કારણે એક સરખી હીટ મળવાને કારણે બિસ્કિટ એકદમ ક્રિસ્પી બને છે.
પેકેજિંગ અને એક સમાન આકાર
બેકિંગ દરમિયાન કણક ફેલાય છે અને તેમાં હવાના પરપોટા બને છે. 'ડોકર્સ' આ પરપોટા બનતા અટકાવે છે, જેથી દરેક બિસ્કિટનો આકાર એકસરખો રહે છે. બધા બિસ્કિટ સપાટ અને સમાન કદના હોય તો જ તેનું પેકેજિંગ સુરક્ષિત રીતે થઈ શકે છે અને પરિવહન દરમિયાન તે તૂટતા નથી.
છે ને એકદમ કામની અને અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની અને અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો...