3.30 લાખથી વધુ લોકો ઈજાગ્રસ્ત, મૃતકોમાં 30 વર્ષથી ઓછી વયના યુવાનોની સંખ્યા સૌથી વધુ
તહેરાન: ઈરાનમાં મોટા પાયે સરકાર સામે જનઆંદોલન ચાલી રહ્યું છે. ઈરાનની આર્મી સાથેની અથડામણોમાં અત્યાર સુધીમાં 2500થી વધુ પ્રદર્શનકારીઓના મોત થઈ ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મૃત્યુનો આ આંકડો સમાચારોમાં ચાલી રહ્યો હતો, પરંતુ તાજેતરમાં હવે ઈરાનમાં થયેલા મૃત્યુઓનો નવો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. આ આંકડો સામે આવ્યા બાદ કેટલાક લોકોએ ઈરાનમાં થયેલી ઘટનાને 'નરસંહાર' ગણાવી છે.
'નરસંહાર'માં યુવાનોના મોત
તાજેતરમાં ડૉક્ટરોની મદદથી એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ સરકારની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 16,500થી વધુ પ્રદર્શનકારીના મોત થયા છે, જ્યારે 3 લાખ 30 હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મોટા ભાગના પીડિત 30 વર્ષથી ઓછી ઉમરના છે. ડૉક્ટરોએ જણાવ્યું છે કે, ઇજાગ્રસ્તોના માથામાં, ગળામાં અને છાતી પર ગોળી વાગી છે. જે સૈન્ડ-ગ્રેડ હથિયારોનો ઉપયોગ દર્શાવે છે.
અમેરિકાની એક ન્યૂઝ એજન્સીએ ઈરાનમાં 3090 મૃત્યુની પૃષ્ટિ કરી છે. જેમાં મોટાભાગના પ્રદર્શનકારીઓનો સમાવેશ થાય છે. જ્યારે 22 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની પણ એ વાતનો સ્વીકાર કરી ચૂક્યા છે કે, દેશમાં સર્જાયેલા અશાંત માહોલમાં હજારો લોકોના મોત થયા છે. પ્રદર્શનકારીઓના મોત માટે ખામેનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ગણાવ્યા છે. આ સિવાય, ઈરાનના પ્રદર્શનકારીઓને અમેરિકાના ફૂર સોલ્જર કહ્યા છે.
અનેક લોકોએ આંખો ગુમાવી
તહેરાનની મુખ્ય હોસ્પિટલોમાં આંખમાં ઇજાના હજારો કેસ નોંધાયા છે, જેમાં 700થી 1000 લોકો પોતાની દૃષ્ટિ ગુમાવી ચૂક્યા છે. ઘણા લોકોનું લોહીની કમીના કારણે મૃત્યુ થયા છે. જર્મન-ઈરાની આંખના નિષ્ણાત પ્રૉફેસર અમીર પરસ્તાએ ઈરાનમાં થયેલી હત્યાઓને 'ધ કાર્નેજ ઓફ ડિજિટલ ડાર્કનેસ કવર' ગણાવ્યો છે.
પ્રૉફેસર અમીર પરસ્તાના જણાવ્યાનુસાર અધિકારીઓ રોકાયા વગર મારતા જ રહેશે તો આવું જ થશે. આ ક્રેકડાઉન બાળકો અને ગર્ભવતી મહિલા સુધી પહોંચી ગયું છે. કેટલાક નિષ્ણાતો આને નરસંહાર કહી રહ્યા છે. ઈરાનમાં ઘણા અઠવાડિયાથી ઇન્ટરનેટ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. જેણે માહિતીના પ્રવાહને સંપૂર્ણપણે અટકાવી દીધો છે. જેણે ઈરાનવાસીઓનું દુનિયાના દેશો સાથેનું જોડાણ તોડી નાખ્યું છે.