છેલ્લાં કેટલાક સમયથી જો તમને ખ્યાલ હશે તો અવારનવાર બજારમાં નકલી અને બનાવટી દવાઓ બનાવતી કંપની અને દવાનો જથ્થો પકડાયો હોય એવા અહેવાલો સામે આવતાં હોય છે. આવા આ નકલી દવાઓના વધતા જતા કારોબાર અને બોગસ કંપનીઓ સામે લાલ આંખ કરતા કેન્દ્ર સરકારે હવે ગ્રાહકોની સુરક્ષા માટે ક્યુઆર કોડ સિસ્ટમ અમલમાં મૂકી છે. હવે તમે માત્ર એક સ્કેન દ્વારા જાણી શકશો કે તમે ખરીદેલી દવા અસલી છે કે નકલી. ચાલો જાણીએ કઈ રીતે-
ગુજરાતના બજારમાં ઉત્તર ભારતની બોગસ કંપનીઓ દ્વારા ઘૂસાડવામાં આવતી નકલી દવાઓને રોકવા માટે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશને એક નવી પહેલ કરી છે. હવે દવાની સ્ટ્રીપ પર રહેલા ક્યુઆર કોડને સ્કેન કરીને તેની સત્યતા તપાસી શકાશે.
કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ?
* સૌથી પહેલાં તો તમારે ટોલ ફ્રી નંબર 18001803024 પર તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવો પડશે.
* ત્યાર બાદ દવાની સ્ટ્રીપ કે પેકિંગ પર આપેલા ક્યુઆર કોડને તમારા સ્માર્ટફોનથી સ્કેન કરો.
* જો દવા અસલી હશે તો તેની કંપની અને બેચની તમામ સત્તાવાર વિગતો તમારી સ્ક્રીન પર દેખાશે.
* જો સ્કેનિંગ દરમિયાન દવા શંકાસ્પદ જણાય અથવા તેની વિગતો ન મળે, તો તમે તે જ ટોલ ફ્રી નંબર પર તાત્કાલિક ફરિયાદ કરી શકો છો.
અત્યાર સુધીનું સ્ટેટસ
અત્યાર સુધીમાં 262 મુખ્ય દવાઓને આ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવી છે. હજારો કંપનીઓ આ દવાઓ અલગ-અલગ બ્રાન્ડ નેમથી બનાવતી હોવાથી, પરોક્ષ રીતે હજારો પ્રોડક્ટ્સ હવે સ્કેનિંગ હેઠળ આવી ગઈ છે.
શું છે મુખ્ય માગણીઓ?
હાલમાં માત્ર નિકાસ થતી દવાઓ પર જ ક્યુઆર કોડ ફરજિયાત છે. એસોસિએશને માગણી કરી છે કે સ્થાનિક બજારમાં વેચાતી તમામ 100 ટકા દવાઓ પર ક્યુઆર કોડ છાપવો ફરજિયાત બનાવવો જોઈએ. દરેક મેડિકલ સ્ટોર અને હોલસેલ કાઉન્ટર પર ગ્રાહકોની નજર પડે તે રીતે ક્યુઆર કોડ ડિસ્પ્લે કરવા સૂચના અપાઈ છે. આ સિસ્ટમ દ્વારા ગ્રાહકો દવાની આડઅસર એટલે કે એડવર્સ ડ્રગ રિએક્શન (ADR)ની માહિતી પણ આપી શકશે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના અન્ય સભ્યો સાથે પણ ચોક્કસ શેર કરો, જેથી તેઓ પણ અસલી અને બનાવટી દવાની માહિતી મેળવી શકે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...