Thu Jan 29 2026

Logo

White Logo

શેરબજારની સામાન્ય શરૂઆત; ભારત-EU વચ્ચેના ઐતિહાસિક કરાર પર માર્કેટની નજર!

2 days ago
Author: Savan Zalariya
Video

મુંબઈ: આજે મંગળવારે ભારતીય શેરબજારે સામાન્ય શરૂઆત નોંધાવી. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 100 પોઈન્ટના ઘટાડા સાથે 81,436 પર ખુલ્યો. જયારે, નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ 14 પોઈન્ટના ઘટાડા સાથે 25,063 પર ખુલ્યો.  

શરૂઆતના કારોબારમાં એક્સિસ બેંક, અલ્ટ્રાટેક સીમેન્ટ, અદાણી ઇન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને જેએસડબલ્યુ સ્ટીલના શેરોમાં સૌથી વધુ વધારો નોંધાયો, જ્યારે એમ એન્ડ એમ, કોટક મહિન્દ્રા બેંક, વિપ્રો, એટર્નલ, ટટા મોટર્સ પસેન્જર વેહીકલ્સના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો.
 
એશિયન બજાર પર નજર:
તાજેતરમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયા પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેને કારણે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જાપાનનો નિક્કી 225 0.24%ના ઘટાડા, જ્યારે ટોપિક્સ 0.31%ના ઘટાડા સાથે ખુલ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.36%ના ઘટાડા અને કોસ્ડેક 1.41%ના વધારા સાથે ખુલ્યો. 

યુએસ માર્કેટમાં તેજી:
યુએસ શેરબજાર સોમવારે વધારા સાથે બંધ થયું હતું. S&P 500 અને નાસ્ડાક સતત ચોથા સત્રમાં વધારા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 313.69 પોઈન્ટ(0.64%)ના વધારા સાથે 49,412.40 પર બંધ થયો, જ્યારે S&P 500 34.62 પોઈન્ટ(0.50%)ના વધારા સાથે 6,950.23 પર બંધ થયો હતો. નાસ્ડાક કમ્પોઝીટ 100.11 પોઈન્ટ(0.43%)ના વધારા સાથે 23,601.36 પર બંધ થયો હતો.

ભારત-EU વેપાર કરાર પર નજર:
આજે મંગળવારે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA)ની જાહેરાત કરવામાં આવી શકે છે. બંને પક્ષોએ વાટાઘાટો પૂર્ણ કરી છે અને કરારને અંતિમ રૂપ આપ્યું છે. આ કરારની જાહેરાતની અસર શેર બજાર પર થઇ શકે છે.