ઇસ્લામાબાદ: વિદેશી સીધા રોકાણ અને નિકાસમાં ભારે ઘટાડા વચ્ચે ગયા વર્ષે ૭,૬૨,૦૦૦થી વધુ પાકિસ્તાનીએ દેશ છોડી દીધો હતો અને રોકડની તંગીનો સામનો કરી રહેલા દેશને આર્થિક રીતે ટકી રહેવામાં મદદ કરી હતી, એમ એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.
વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ દ્વારા મોકલવામાં આવતા નાણાં હવે દેવા વગરના વિદેશી પ્રવાહનો સૌથી મોટો સ્ત્રોત છે જે દેશને તારી રહ્યો છે. આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં, પાકિસ્તાની કામદારોએ ૧૧ ટકાના વધારા સાથે ૧૯.૭ અબજ ડોલર વિદેશથી મોકલ્યા હતા.
બ્યુરો ઓફ ઇમિગ્રેશન એન્ડ ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટે ૨૦૨૫માં પાકિસ્તાન છોડનારા ૭,૬૨,૪૯૯ કામદારની નોંધણી કરી હતી, જે પાંચ ટકાથી વધુ અથવા લગભગ ૩૭,૦૦૦ વધુ લોકો દર્શાવે છે જેમણે સારી નોકરીની તકોની શોધમાં માતૃભૂમિ છોડી દીધી હતી, તેવો ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે અહેવાલ આપ્યો છે.
કુલ વિદેશ ગયેલામાંથી, ૫,૩૦,૦૦૦ લોકો સારા ભવિષ્યની શોધમાં સાઉદી અરેબિયા ગયા હતા. સરકાર આ કામદારોને કોઈ પણ પ્રકારની સહાય પૂરી પાડ્યા વિના પાસેથી વાર્ષિક આશરે ૪૦ અબજ ડોલર મેળવી રહી છે.
આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પાકિસ્તાનને મળેલા ૮૦૮ મિલ્યન ડોલરના વિદેશી સીધા રોકાણ કરતાં વિદેશી રેમિટન્સ ૨૩ ગણું વધારે હતું. આ સમયગાળા દરમિયાન ૧૫.૫ અબજ ડોલરના નિકાસ કરતાં તે ૪.૨ અબજ ડોલર વધારે હતું.