બગદાદઃ ઇરાકના ભૂતપૂર્વ વડા પ્રધાન નૂરી અલ-મલિકીએ આજે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી સામે વિરોધ નોંધાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ધમકી આપી હતી કે જો મલિકી સત્તામાં પાછા ફરશે તો અમેરિકા ઇરાકથી સમર્થન પાછુ ખેંચી લેશે.
દેશના સૌથી મોટા રાજકીય જૂથ દ્વારા વડા પ્રધાનપદ માટે નિમણૂક કરાયેલા અલ-મલિકીએ એક નિવેદનમાં જણાવ્યું કે અમે ઇરાકના આંતરિક બાબતોમાં અમેરિકાની ખુલ્લેઆમ દખલગીરીને નકારીએ છીએ. અમે આ હસ્તક્ષેપને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન માનીએ છીએ.
ટ્રમ્પે મંગળવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે છેલ્લી વખત જ્યારે મલિકી સત્તામાં હતા ત્યારે દેશ ગરીબી અને સંપૂર્ણ અરાજકતામાં ડૂબી ગયો હતો તેમ જ તેમણે કહ્યું કે તેમની પાગલપન ભરી નીતિઓ અને વિચારધારાઓને કારણે જો તેઓ ચૂંટાય છે તો હવે અમેરિકા ઇરાકને મદદ નહીં કરે. જો અમે મદદ કરવા માટે ત્યાં નહીં હોઇએ તો ઇરાક પાસે સફળતા, સમૃદ્ધિ અથવા સ્વતંત્રતાના ઝીરો ચાન્સ છે.
અમેરિકા ઇરાક પર ઇરાનથી દૂર રહેવા દબાણ કરી રહ્યું છે. અલ-મલિકી તેહરાનની ખૂબ નજીક હોવાનું અમેરિકાનું માનવું છે. ઇરાકના રાજકારણમાં ટ્રમ્પનો હસ્તક્ષેપ એવા સમયે આવ્યો છે જ્યારે તે ઇરાકના પાડોશી ઇરાન પર નવા હુમલાઓ પર વિચાર કરી રહ્યા છે. તેમજ અમેરિકાએ ઇસ્લામિક સ્ટેટ જૂથના આતંકવાદીઓને સીરિયાના અટકાયત કેન્દ્રોમાંથી ઇરાકમાં સ્થાનાંતરિત કરવાનું શરૂ કરી દીધું છે.