સ્થાનિક ચાંદીમાં રૂ. 13,703ની અને સોનામાં રૂ. 5734ની તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ફેડરલ રિઝર્વની સ્વાયત્તતાની ચિંતા વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની આક્રમક લેવાલી રહેતાં એક તબક્કે ભાવ આૈંસદીઠ 5311.31 ડૉલરની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ સાધારણ પીછેહઠ જોવા મળી હતી. તેમ જ ચાંદીમાં પણ વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો. તેમ છતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 13,703ની અને સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 5711થી 5734ની તેજી આગળ ધપી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગને ટેકે હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 13,703 વધીને રૂ. 3,58,267ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 5711 વધીને રૂ. 1,63,976 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 5734 વધીને રૂ. 1,64,635ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં રોકાણકારો, સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 5311.31 ડૉલર સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે 1.3 ટકા વધીને 5255.95 ડૉલર અને ફેબ્રુઆરી ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 3.3 ટકા વધીને 5250 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 111.74 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે સોનામાં વૈશ્વિક સોનામાં માત્ર બજારની ચિંતાને કારણે નહીં, પરંતુ વૈશ્વિક રાજકોષીય વ્યવસ્થામાં વિશ્વાસ ડગમગ્યો હોવાથી તમામ બજારોમાં સાવચેતીનું વલણ રહેતાં સોનામાં સલામતી માટેની માગ પ્રબળ રહેતી હોવાનું એક્સએસ ડૉટ કૉમનાં વિશ્લેષક લિન્હ ટ્રાને જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે હાલમાં ડૉલર ઈન્ડેક્સ ચાર વર્ષની નીચી સપાટી આસપાસ સ્થિર થવા મથી રહ્યો છે અને ડૉલર નબળો પડતાં સોનાની તેજીને ટેકો મળી રહ્યો છે. તાજેતરમાં ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ફેડરલના નવા અધ્યક્ષની પસંદગી કરશે અને તે હોદ્દો ગ્રહણ કરતાં વ્યાજદરમાં ઘટાડો થશે. આથી નવા અધ્યક્ષ જૅરૉમ પૉવૅલની તુલનામાં વધુ હળવી નાણાનીતિ અખત્યાર કરે તેવા હોવાની શક્યતા પ્રબળ બની હોવાથી પણ સોનામાં તેજી આગળ ધપી હોવાનું વિસ્ડમ ટ્રી કૉમૉડિટીઝનાં સ્ટ્રેટેજિસસ્ટ નિતેશ શાહે જણાવ્યું હતું.
આજે રોકાણકારોની નજર મોડી સાંજે સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. જોકે, વ્યાજદર યથાવત્ રાખવામાં આવે એવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. તેમ છતાં બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ ભવિષ્યની નાણાનીતિ અંગે કોઈ અણસાર આપે છે કે નહીં તેના પર મંડાયેલી છે.
આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 20 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે અને આ વર્ષ દરમિયાન રોકાણલક્ષી માગને ટેકે સોનાના ભાવ વધીને આૈંસદીઠ 6000 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા ડૉઈશ બૅન્કે એક નોટ્સમાં વ્યક્ત કરી છે.