Thu Jan 29 2026

Logo

White Logo

જયા એકાદશી 2026: આજે ગુરુવાર અને એકાદશીનો દુર્લભ સંયોગ; આ પાંચ ભૂલો કરવાનું ટાળો...

3 hours ago
Author: Darshana Visaria
Video

હિંદુ ધર્મમાં એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આજે જયા એકાદશી અને ગુરુવારનો અત્યંત શુભ અને દુર્લભ સંયોગ સર્જાયો છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુવાર એ ભગવાન વિષ્ણુનો પ્રિય દિવસ છે અને એકાદશી પણ તેમને જ સમર્પિત છે, તેથી આજના દિવસે કરવામાં આવેલી પૂજા અને વ્રતનું ફળ અનેકગણું વધી જાય છે. જોકે, આ દિવસે શક્ય હોય તો કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ. જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું. 

જયા એકાદશીના આ પવિત્ર દિવસે અજાણતા પણ કેટલીક ભૂલો ન કરવી જોઈએ, નહીંતર પુણ્યને બદલે દોષ લાગી શકે છે. શાસ્ત્રો મુજબ જયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભૂત-પ્રેત જેવી નીચ યોનિઓમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે આ એકાદશી ગુરુવારે આવતી હોવાથી તેનું મહત્વ વધી ગયું છે.

ચોખાનું સેવન વર્જ્ય
એકાદશીના દિવસે ક્યારેય પણ ચોખા ન ખાવા જોઈએ. એક પૌરાણિક કથા મુજબ, એકાદશીના દિવસે ચોખામાં જંતુઓનો વાસ હોય છે અને તેનું સેવન કરવાથી વ્યક્તિમાં નકારાત્મકતા વધે છે. જે લોકો વ્રત નથી રાખતા, તેમણે પણ આ દિવસે ચોખા ખાવાનું ટાળવું જોઈએ.

તુલસીના પાન ન તોડવા
ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે અને એકાદશીના દિવસે તુલસી માતા વ્રત રાખે છે તેવી માન્યતા છે. તેથી, આજના દિવસે ક્યારેય પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. પૂજા માટે અગાઉથી તોડેલા પાન અથવા ખરી પડેલા પાનનો ઉપયોગ કરી શકાય છે. તેમજ આજે તુલસીમાં જળ અર્પણ ન કરવું જોઈએ કારણ કે તેઓ પોતે વ્રતમાં હોય છે (જોકે દીવો પ્રગટાવી શકાય).

તામસિક આહારનું સેવન ટાળો
આજના દિવસે લસણ, કાંદા જેવો તામસિક ખોરાકનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત માંસાહાર કે દારૂ જેવા વ્યસનોથી સદંતર દૂર રહેવું જોઈએ. મનને શુદ્ધ રાખીને સાત્વિક ભોજન અથવા ફળાહાર કરવો જોઈએ.

વાદ-વિવાદ અને ક્રોધથી બચો
એકાદશી એ મન અને ઇન્દ્રિયો પર કાબૂ રાખવાનું પણ આગવું મહત્ત્વ છે. આજના દિવસે કોઈની નિંદા ન કરવી, કોઈની સાથે ઝઘડો ન કરવો કે ક્રોધ ન કરવો. ખાસ કરીને ઘરના વડીલો કે સ્ત્રીઓનું અપમાન ન કરવું, નહીંતર ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે. બને તેટલો સમય 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરવો જોઈએ. 

 આજે ગુરુવાર હોવાથી ભગવાન વિષ્ણુને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. પૂજામાં પીળા ફૂલ, પીળા વસ્ત્રો અને પીળી મીઠાઈનો ઉપયોગ કરવો. ભૂલથી પણ આજે કાળા કે ઘેરા રંગના વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ.