Thu Jan 29 2026

Logo

White Logo

ભારત-ઈયુ મુક્ત વેપાર કરાર, ભારત માટે ક્રેડિટ પૉઝિટીવઃ મૂડીઝ

18 hours ago
Author: Ramesh Gohil
Video

ઉત્પાદન પ્રોત્સાહિત થશે અને રોકાણ આકર્ષિત થશે

નવી દિલ્હીઃ ભારતના યુરોપિયન યુનિયન(ઈયુ) સાથેના મુક્ત વેપાર કરાર ભારત માટે ક્રેડિટ પૉઝિટીવ રહેશે. ખાસ કરીને યુરોપમાં  ટૅરિફના નીચા દર સાથે બજારમાં પ્રવેશ મળતાં ભારતના શ્રમલક્ષી ક્ષેત્રોના ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બનતાં ઉત્પાદન ક્ષેત્ર પ્રોત્સાહિત થશે અને રોકાણો પણ આકર્ષાશે, એમ મૂડીઝ રેટિંગ્સે આજે જણાવ્યું હતું. 

ગત બુધવારે ભારત અને ઈયુ વચ્ચેની વાટાઘાટો પૂર્ણ થવાની જાહેરાત કરી હતી અને આ ડીલને `મધર ઑફ ડીલ'ની ઉપમાં આપવામાં આવી છે. જેમાં 27 રાષ્ટ્રોના આ સમૂહમાં 93 ટકા ભારતીય શિપમેન્ટને ડ્યૂટી મુક્ત બજાર પ્રવેશનો લાભ મળશે, જ્યારે ઈયુથી ભારતમાં આયાત થતી લક્ઝરી કાર અને વાઈનની કિંમતમાં ઘટાડો થશે. નોંધનીય બાબત એ છે કે બે દાયકાની વાટાઘાટો બાદ આ ડીલ સંપન્ન થઈ છે. આ ડીલ થકી વિશ્વના બીજા ક્રમાંકના અર્થતંત્ર ઈયુ અને ચોથા ક્રમાંકના અર્થતંત્ર ભારતને બે અબજ લોકોની બજારનું એક્સેસ મળશે. 

મૂડીઝ રેટિંગ્સે યાદીમાં જણાવ્યું હતું કે ભારતનો ઈયુ સાથેની વાટાઘાટોનો નિષ્કર્ષ વેપાર સંબંધમાં પસંદગીયુક્ત ધોરણે વૈવિધ્યકરણ લાવવાના સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે અને આ કરાર અમલમાં આવશે ત્યારે તે ભારત માટે ક્રેડિટ પૉઝિટીવ રહેશે. ખાસ કરીને ટૅરિફના નીચા દર અને વધુ સારી બજાર પહોંચ સાથે ભારતનાં ઉત્પાદન ક્ષેત્રને વિકસાવવા, વિદેશી રોકાણ આકર્ષવા અને ભારતની શ્રમલક્ષી માલની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવાની મહત્ત્વાકાંક્ષાને ટેકો મળશે, એમ મૂડીઝે યાદીમાં ઉમેર્યું હતું. જોકે, આ મુક્ત વેપાર કરાર પર ઔપચારિક હસ્તાક્ષર અને અમલ આ વર્ષે થવાની અપેક્ષા મૂડીઝે વ્યક્ત કરી છે. 

વધુમાં મૂડીઝ રેટિંગ્સે કહ્યું હતું કે ભારતમાં ઈયુથી થતી આયાત સામેના ટૅરિફના દર નીચા હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળશે. જોકે, ભારતમાં થતી આવી ચીજોનો આયાત હિસ્સો ઓછો છે. યુરોપિયન કાર ઉત્પાદકોને વિશ્વની ત્રીજા ક્રમાંકની કાર બજારમાં સરળતાપૂર્વક પ્રવેશ મળતા તેઓ વધુ ઈયુ બ્રાન્ડનાં નવાં મૉડૅલ રજૂ કરશે અલબત્ત તેને કારણે ભારતીય કાર ઉત્પાદકોમાં સ્પર્ધા વધશે. 

મુક્ત વેપાર કરારના વ્યાપક લાભો મુખ્યત્વે વેપાર મૈત્રીમાં સુધારો અને નિયમોને સુવ્યવસ્થિત કરવા જેવાં પૂરક ક્ષેત્રોમાં પ્રગતિ પર આધાર રાખશે, એમ મૂડીઝે જણાવતાં ઉમેર્યું હતું કે એક વખત કરાર અમલમાં આવ્યા પછી ઑટો અને સ્ટીલ સિવાય ભારતમાંથી નિકાસ થતાં તમામ 93 ટકાથી વધુ માલ સામાનને ઈયુમાં શૂન્ય ટકા ડ્યૂટી ધોરણે બજાર પ્રવેશ મળશે અને બાકીના છ ટકા આસપાસના માલો પર ડ્યૂટી ઘટાડો અને ક્વૉટા આધારિત ડ્યૂટી છૂટછાટો મળશે. જોકે, ઈયુ ખાતે ભારતીય માલ સામાન પર ટૅરિફના દર જે હાલ 3.8 ટકા જેટલા છે તે ઘટીને 0.1 ટકા જેટલા થશે.

પરંતુ અમુક ક્ષેત્ર એવા છે જેમાં ડ્યૂટીના દર ઊંચા છે તેમાં ખાસ કરીને દરિયાઈ ઉત્પાદનો (0થી 26 ટકા), રસાયણ (12.8 ટકા સુધી), પ્લાસ્ટિક અને રબર (6.5 ટકા સુધી), લેધર અને ફૂટવૅર (17 ટકા સુધી), ટેક્સ્ટાઈલ, એપરલ અને ક્લોધિંગ (12 ટકા સુધી), જેમ્સ અને જ્વેલરી (ચાર ટકા સુધી), રેલવે કોમ્પોનન્ટ્સ, એરક્રાફ્ટના પાર્ટસ, શિપ અને બોટ્સ (7.7 ટકા સુધી), ફર્નિચર અને લાઈટ ક્નઝ્યુમર ગૂડ્સ (10.5 ટકા સુધી), રમકડાં (4.7 ટકા સુધી) અને રમતગમતના સામાનો (4.7 ટકા)નો સમાવેશ થાય છે. આ તમામ ચીજો પરની ભારત સામેની ડ્યૂટી દૂર થશે. જ્યારે બીજી તરફ ઈયુને તેના 90 ટકા માલને દસ વર્ષના સમયગાળા સુધી ડ્યૂટી મુક્ત ધોરણે પ્રવેશ મળશે. જોકે, ભારત કરારના અમલીકરના પહેલા દિવસથી જ યુરોપીયન સામાનો પૈકી 30 ટકા સામાનો પરની ડ્યૂટી દૂર કરશે.