નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન સ્થાનિકમાં યુરિયાના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવા છતાં આયાત વધુ રહેતાં વેચાણ ગત સાલના સમાનગાળાના 3.002 કરોડ ટન સામે 3.8 ટકા વધીને 3.116 કરોડ ટનની સપાટીએ રહ્યું હોવાનું ફર્ટિલાઈઝર એસોસિયેશન ઑફ ઈન્ડિયાએ તાજેતરમાં સંકલિત કરેલી પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
એસોસિયેશનના જણાવ્યાનુસાર સમીક્ષા હેઠળના સમયગાળામાં સ્થાનિકમાં યુરિયાનું ઉત્પાદન 2.244 કરોડ ટનનું થયું હતું, જ્યારે આયાત 85.3 ટકા વધીને 80 લાખ ટનની સપાટીએ રહી હોવાથી સ્થાનિકમાં પાક પરિપકવ થવાના સમયે માગ સંતોષાઈ હતી. વધુમાં એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર આ સમય દરમિયાન ડીએપી સિવાયના એનપી અને એનપીકે ફર્ટિલાઈઝરનું ઉત્પાદન 13.1 ટકા વધીને 92.7 લાખ ટનના સ્તરે અને આયાત 121.8 ટકા વધીને 32.9 લાખ ટનના સ્તરે રહી હતી. જોકે, આ સમયગાળામાં કોમ્પ્લેક્સ ફર્ટિલાઈઝરનું વેચાણ 1.174 કરોડ ટનના સ્તરે સ્થિર રહ્યું હતું.
વધુમાં આ સમયગાળામાં ડાય એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)નું ઉત્પાદન ગત સાલના સમાનગાળાની તુલનામાં 3.9 ટકા ઘટીને 30.3 લાખ ટન અને આયાત 45.7 ટકા વધીને 59.5 લાખ ટનની સપાટીએ રહી હતી, જ્યારે ડીએપીનું વેચાણ ગત સાલના સમાનગાળાના 83.3 લાખ ટન સામે 80 લાખ ટનના સ્તરે રહ્યું હતું, જ્યારે એમઓપીની આયાત 22.4 ટકા ઘટીને 21.4 લાખ ટનના સ્તરે રહી હોવા છતાં વેચાણ 5.3 ટકા વધીને 17.7 લાખ ટનની સપાટીએ રહી હતી. આ સિવાય સિંગલ સુપર ફોસ્ફેટ (એસએસપી)નું ઉત્પાદન 10.3 ટકા વધીને 44.3 લાખ ટન અને વેચાણ 13.1 ટકા વધીને 47.1 લાખ ટનની સપાટીએ રહ્યું હતું.
એકંદરે ફર્ટિલાઈઝર ક્ષેત્ર સ્થાનિકમાં ઉત્પાદન અને આયાત વચ્ચે સમતુલન જાળવીને કૃષિ ક્ષેત્રમાં પોષકત્ત્વોની ઉપલબ્ધિ પૂરી પાડી રહ્યું છે તે એપ્રિલથી ડિસેમ્બર સુધીની આંકડાકીય માહિતી પરથી જણાઈ રહ્યું છે, એમ એસોસિયેશનનાં ચેરમેન શંકરસુબ્રમણ્યિને જણાવ્યું હતું.