સુરતઃ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના માલિકીના લક્ષ્મી ડાયમંડ ગ્રૂપ અને મહાકાલ ગ્રૂપ સહિતના ભાગીદારો પર 28 જાન્યુઆરી બુધવારના રોજ વહેલી સવારથી આવકવેરા વિભાગે સુરતમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડાયમંડ, એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આ ગ્રુપના ગુજરાતભરમાં આવેલા ઠેકાણાઓ પર 150થી વધુ અધિકારીઓની અલગ-અલગ ટીમોએ એકસાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વસંત ગજેરા અને તેમની સંલગ્ન કંપનીઓની આશરે 30 જેટલા સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સૂત્રોએ જણાવ્યું કે, આવી જ કાર્યવાહી મુંબઈમાં પર પણ કરવામાં આવી હતી.
વસંત ગજેરાનો મેહુલ ચોકસી સાથે શું છે સંબંધ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબ નેશનલ બેંકમાં ₹12,600 કરોડથી વધુના કૌભાંડમાં સંડોવાયેલા અને ભાગેડુ ગુનેગાર મેહુલ ચોકસી સાથે ગજેરાના વ્યવસાયિક સંબંધો મળી આવ્યા બાદ આ દરોડા પાડવામાં આવ્યા છે. વર્ષ 2020માં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પંજાબ નેશનલ બેંક સાથે ₹7080 કરોડની છેતરપિંડીના કેસમાં ગીતાંજલિ ગ્રુપના મેહુલ ચોક્સીને મુખ્ય આરોપી અને વસંત ગજેરા તેમજ તેમની કંપની 'લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર લિમિટેડ' ને સહ-આરોપી તરીકે દર્શાવી ચાર્જશીટ દાખલ કરી હતી. વર્ષ 2018માં CBI દ્વારા નોંધવામાં આવેલા કેસના આધારે મુંબઈની કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
ગજેરા પરિવાર જેવી મોટી હસ્તીઓ પર આઈટીના દરોડા પડતા જ સુરતના હીરા બજાર અને બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, આ તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો અને કરચોરી પકડાઈ શકે તેવી શક્યતા છે.
ગજેરા પરિવાર પર આઈટીના દરોડાને રાજકીય એન્ગલથી પણ જોવામાં આવી રહ્યો છે. કારણ કે ગજેરા પરિવારના ધીરુ ગજેરા રાજકીય સંબંધો માટે જાણીતા છે. અગાઉ ભાજપમાં રહ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને ફરી પાછા ભાજપમાં પરત ફર્યા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ અને કામગીરી વિરુદ્ધ આડકતરી રીતે નિશાન સાધતા હોવાથી સતત ચર્ચામાં રહ્યા છે. આ સંજોગોમાં આઈટી વિભાગની કાર્યવાહીએ બિઝનેશ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
ધીરૂ ગજેરા 1995થી 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા હતા. ગજેરા મૂળ જનસંઘમાં સક્રિય હતા ત્યાર બાદ તેઓ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1995થી 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યાં હતા. ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ધીરૂ ગજેરા કોંગ્રેસમાંથી સતત ચાર વખત પરાજિત થયા હતા. 2021માં ફરી તેઓ ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં જોડાતાં સમયે જાહેરમંચ પરથી પ્રતિજ્ઞા લેતાં ધીરૂ ગજેરાએ જાહેર કર્યું કે, હવે અંતિમ શ્વાસ સુધી ભાજપ સાથે રહીશ અને મારો 14 વર્ષનો વનવાસ પૂરો થાય છે. સીઆર પાટીલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.