મુંબઈ: ભારતીય કોમેડી જગતનો જાણીતો ચહેરો અને પોતાની શાયરી-જોક્સથી કરોડો દિલો પર રાજ કરનાર ઝાકિર ખાનના એક નિર્ણયે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી ઝાકિરની તબિયત લથડી રહી હોવાના અહેવાલો હતા, જે બાદ હવે તેણે કોમેડી અને શોઝમાંથી થોડો સમય બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેના વાયરલ વીડિયોએ ચાહકોને નિરાશ કર્યા છે, પરંતુ આ નિર્ણય પાછળ ઝાકિરે પોતાના સ્વાસ્થ્યને સર્વોપરી ગણાવ્યું છે.
તાજેતરના રિપોર્ટ પ્રમાણે ઝાકિર ખાને તેના બ્રેક પાછળના ગંભીર કારણો વિશે ખુલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે તેના પરિવારમાં કેટલીક જીનેટિક બીમારીઓ છે, જે એક ચોક્કસ ઉંમર બાદ દેખાવા લાગે છે. આ ઉપરાંત, છેલ્લા દસ વર્ષથી સતત કામના ભારણને લીધે તેના શરીર પર માઠી અસર થઈ છે. દિવસમાં માત્ર બે કલાકની ઊંઘ, સતત ટ્રાવેલિંગ અને હજારો લોકોને મળવાની દોડધામને કારણે તેની શારીરિક ક્ષમતા ઘટી રહી હતી, જેથી હવે તેણે શરીરને આરામ આપવાનું નક્કી કર્યું છે.
ઝાકિરે ભાવુક થતા કહ્યું કે, તે તેના પરિવારમાં આટલી મોટી સફળતા મેળવનાર પ્રથમ પેઢી છે, તેથી તેના પર આવનારી પેઢીઓ માટે મજબૂત પાયો નાખવાની મોટી જવાબદારી હતી. આ જવાબદારી નિભાવવામાં તેણે એક દાયકા સુધી સતત કામના 'એક્સિલરેટર' પર પગ રાખી મૂક્યો હતો. તેણે સ્વીકાર્યું કે ગયા વર્ષે અમેરિકાના પ્રવાસ દરમિયાન તેને અનુભવ થયો હતો કે કામ અને સ્વાસ્થ્ય બંનેને સાથે મેનેજ કરવું હવે અશક્ય છે. સતત શોઝ અને અનિયમિત ખાનપાનને કારણે તે અંદરથી બીમાર અનુભવી રહ્યો હતો.
સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે ઝાકિર ખાન વર્ષ 2030 સુધી સ્ટેજ પર નહીં દેખાય. જોકે, ઝાકિરે આ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ બ્રેક એટલો લાંબો નહીં હોય. તેણે હૈદરાબાદના શોમાં જે વાત કરી હતી તે માત્ર એ સંદર્ભમાં હતી કે ફરીથી તે શહેરમાં શો કરવા માટે સમય લાગશે. તેણે ઉમેર્યું કે, "મને સ્ટેન્ડ-અપ કોમેડી પ્રત્યે અત્યંત પ્રેમ છે અને હું 80 વર્ષની ઉંમર સુધી આ કામ કરવા માંગુ છું. તે માટે અત્યારે આરામ કરવો અને હેલ્ધી રહેવું ખૂબ જ અનિવાર્ય છે."