સની દેઓલ, વરુણ ધવન અને દિલજીત દોસાંઝ સ્ટારર ફિલ્મ બોર્ડર ટુ હાલમાં બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. વીકેન્ડ બાદ વર્કિંગ ડેઝમાં પણ આ ફિલ્મની પકડ મજબૂત જોવા મળી રહી છે. એમાં પણ ખાસ કરીને આજે એટલે કે બુધવારે છઠ્ઠા દિવસે પણ એડવાન્સ બુકિંગમાં બે લાખથી વધુ ટિકિટોનું વેચાણ એ ફિલ્મની સફળતાની સાબિતી આપે છે. ચાલો જોઈએ ફિલ્મે છઠ્ઠા દિવસે કેટલી કમાણી કરી છે અને 300 કરોડના ક્લબથી આ ફિલ્મ કેટલી દૂર છે.
અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 1997માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલ છે. દેશભરમાં ટિયર-૨ અને ટિયર-૩ સેન્ટર્સમાં આ ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના એક પછી એક રેકોર્ડ બ્રેક કરી રહી છે. ફિલ્મે છઠ્ઠા દિવસે પણ સારું એવું કલેક્શન કર્યું છે.
બોર્ડર ટુએ છ દિવસમાં કરી આટલી કમાણી
ફિલ્મે પ્રથમ દિવસથી જ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રાખી છે અને છઠ્ઠા દિવસે પણ આ ફિલ્મ ધીમી ગતિએ રેકોર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.
પહેલો દિવસ: રૂ. 30 કરોડ
બીજો દિવસ: રૂ. 36.5કરોડ (21.67 ટકાનો ઉછાળો)
ત્રીજો દિવસ: રૂ. 54.5કરોડ (49.32 ટકાનો ઉછાળો)
ચોથો દિવસ: રૂ. 59 કરોડ (સિંગલ ડેનો સૌથી મોટો રેકોર્ડ)
પાંચમો દિવસ: રૂ.20 કરોડ (સોમવારના કારણે ઘટાડો)
છઠ્ઠો દિવસ (બુધવાર): સાંજ સુધીમાં અંદાજે રૂ. 6.85 કરોડ (કુલ અંદાજ રૂ. 15થી 17કરોડ)
કુલ કલેક્શન (6 દિવસ): રૂપિયા 206.85 કરોડ (ઇન્ડિયા નેટ)
બુધવારે છઠ્ઠા દિવસ માટે ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા જ રૂપિયા 4.65 કરોડની કમાણી કરી લીધી હતી અને 2.15 લાખ ટિકિટોની પ્રી-સેલ થઈ હતી. ઓક્યુપન્સીની વાત કરીએ તો 28મી જાન્યુઆરી એટલે કે આજે બુધવારના મોર્નિંગ શોમાં હિન્દી ઓક્યુપન્સી 7.52 ટકા નોંધાઈ હતી. જોકે, સાંજ અને રાતના શોમાં આ આંકડો વધવાની પૂરી શક્યતા છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ટ્રેડ એનાલિસ્ટ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર આ ફિલ્મનું વર્ડ-ઓફ-માઉથ ખૂબ જ દમદાર છે. એમાં પણ ખાસ કરીને નાના શહેરોમાં દર્શકોની સંખ્યા ખૂબ મોટી છે. વર્તમાન ટ્રેન્ડને જોતા આ ફિલ્મ ટૂંક સમયમાં જ ૩૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ શકે એવા પૂરેપૂરા એંધાણ છે.
વાત કરીએ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે તો આ ફિલ્મમાં સની દેઓલની દમદાર વાપસી સાથે વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટીએ મહત્વના રોલ ભજવ્યા છે. દિલજીત દોસાંઝના પાત્ર 'નિર્મલજીત સિંહ સેંખો' અને સની દેઓલની દેશભક્તિથી ભરેલી સ્ટાઈલ દર્શકોને સિનેમા હોલ સુધી ખેંચી લાવવામાં સફળ રહી છે.