Thu Jan 29 2026

Logo

White Logo

અજિત પવારના નિધન અંગે અરુણ ગોવિલે આપ્યું નિવેદન, તપાસની કરી માંગ

21 hours ago
Author: Mumbai Samachar Team
Video

કંગના રનૌત અને રિતિશ દેશમુખે પણ આપી પ્રતિક્રિયા

મુંબઈઃ 'રામાયણના રામ' અને  ભાજપના સાંસદ અભિનેતા અરુણ ગોવિલે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના દુ:ખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. મીડિયા સાથે વાત કરતા ગોવિલે આને "ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ" અને "દુ:ખદ" ગણાવ્યું અને તેની સંપૂર્ણ તપાસની માંગ કરી હતી. અરુણ ગોવિલે કહ્યું કે, "આ ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આવા સારા નેતાને ગુમાવવાનું દુઃખદ છે. આ દુ:ખદ ઘટનાનું કારણ જાણવા માટે તપાસ થવી ખુબ જરૂરી છે."

સાંસદ અને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પણ પવારના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને તેને "ભયાનક" ગણાવ્યું. કંગનાએ નવી દિલ્હીમાં સંસદની બહાર મીડિયાને કહ્યું "હે ભગવાન. આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. મારી લાગણીઓ વ્યક્ત કરવા માટે મને શબ્દો ઓછા પડી રહ્યા છે. હું મારી લાગણીઓને કંટ્રોલ કર્યા પછી નિવેદન આપીશ."

રિતેશ દેશમુખ પણ ભાવુક થઈ ગયો

કંગના પહેલા અભિનેતા રિતેશ દેશમુખે પણ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ લખી હતી. રિતેશ અને અજિત પવારના પરિવાર વચ્ચે ખુબ સારા સંબંધો હતા. તેમણે લખ્યું, "આ દુ:ખદ અકસ્માતમાં અજિત દાદાના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે. મહારાષ્ટ્રના સૌથી ડાયનામિક નેતાઓમાંના એક, તેઓ નોન પરફોર્મન્સ માટે ઝીરો ટોલરન્સ રાખતા અને હંમેશા તેમની આસપાસના લોકોને વધુ સારું કરવા માટે પ્રેરણા આપતા. તેઓ હાજરજવાબી અને સ્પષ્ટવક્તા  હતા. 

તેમની બુદ્ધિ અજોડ હતી, અને તેમને આખા રાજ્યમાંથી પ્રેમ મળતો હતો. તેમના અકાળ અવસાનથી મોટી ખોટ પડી છે અને તેમની ખાલી જગ્યા ભરવી મુશ્કેલ છે. મને તેમને મળવાનો ઘણી વખત લહાવો મળ્યો અને હું તેમનો દયાળુ સ્વભાવ હંમેશા યાદ રાખીશ. પવાર પરિવાર, તેમના પ્રિયજનો અને તેમના લાખો સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના."

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અજિત પવારનું 28 જાન્યુઆરીના ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં અવસાન થયું. બારામતી એરપોર્ટના લેન્ડિંગ રન-વે પાસે વિમાન ક્રેશ થયું હતું. પવાર જિલ્લા પરિષદની ચૂંટણી માટે જાહેર રેલીમાં હાજરી આપવા માટે બારામતી જઈ રહ્યા હતા. તેમની સાથે બે અન્ય લોકો, એક પીએસઓ અને એક એટેન્ડન્ટ તેમ જ બે ક્રૂ મેમ્બર હતા.