પુણે: પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને સ્પષ્ટપણે નારાજ કરતાં એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે બુધવારે કહ્યું હતું કે તેમના ભત્રીજા અજિત પવાર અને અન્ય ચાર લોકોનો વિમાન તૂટી પડવામાં નિધન થયું તે હોનારત એક અકસ્માત જ હતો જેનું રાજકારણ ન કરવું જોઈએ.
પત્રકારોને સંબોધતા, તેમણે કહ્યું હતું કે અજિત પવારનું મૃત્યુ મહારાષ્ટ્ર માટે એક મોટો આઘાત હતો, જેણે એક મહેનતુ અને કાર્યક્ષમ નેતા ગુમાવ્યો છે અને આ નુકસાન ભરપાઈ ન થઈ શકે તેવું છે. ‘બધી બાબતો આપણા હાથમાં નથી હોતી,’ એમ તેમણે ઉમેર્યું હતું.
‘કોલકાતાથી એવી થિયરી સામે આવી હતી કે આ ઘટનામાં થોડું રાજકારણ સામેલ છે, પરંતુ આવું કંઈ નથી. તેમાં કોઈ રાજકારણ નથી. તે એક અકસ્માત હતો. હું આ પ્રકરણમાં રાજકારણ ન લાવવાની વિનંતી કરું છું,’ એમ તેમણે જણાવ્યું હતું.
મમતા બેનર્જીએ અજિત પવારના મૃત્યુની સુપ્રીમ કોર્ટ દ્વારા દેખરેખ હેઠળ તપાસની માગણી કરતાં એવો આરોપ લગાવ્યો હતો કે ‘અન્ય બધી એજન્સીઓ’ ‘સંપૂર્ણપણે સધાઈ ગયેલી’ છે.