'રાજ્યએ એક કુશળ પ્રશાસક ગુમાવ્યો' - મહારાષ્ટ્રના રાજકીય નેતાઓમાં શોકની લહેર
નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને અન્ય કેટલાક નેતાઓએ આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અકાળ અવસાન પર શોક વ્યક્ત કરી તેમના અવસાનથી માત્ર રાજ્યને જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રને મોટી ખોટ પડી હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના નેતા સાથે ખૂબ જ ગાઢ અંગત સંબંધ હોવાનું જણાવી ગડકરીએ ઉમેર્યું હતું કે પવારના અકાળ અવસાનના સમાચાર અત્યંત આઘાતજનક, દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક છે.
'તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. ઘણા વર્ષો રાજ્ય વિધાનસભામાં સાથે કામ કર્યું એ દરમિયાન અજિત દાદા સાથે મારા અત્યંત ગાઢ સંબંધ રહ્યા. તેમની વહીવટી કુશળતા, વિકાસલક્ષી દ્રષ્ટિકોણ અને લોકો સાથે જોડાઈ જવાની ક્ષમતાએ મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત દાદાનું અચળ સ્થાન બનાવ્યું હતું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ સમગ્ર પવાર પરિવાર સાથે છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે,' એમ ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટે કહ્યું હતું કે દરેકને અજિત પવાર પ્રત્યે ખૂબ આદર રહ્યો છે. મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની તેમનામાં સારી ક્ષમતા હતી. પવારનું મૃત્યુ તેમના અને સમગ્ર રાજ્ય માટે આઘાતજનક છે.
રાજ્યના ઓબીસી કલ્યાણ પ્રધાન અતુલ સાવેએ જણાવ્યું હતું કે પવારના અવસાનથી રાજ્યમાં શૂન્યાવકાશ સર્જાયો છે. રાજ્યએ વિકાસ માટે પ્રયત્નશીલ નેતા ગુમાવ્યા છે.
એનસીપી નેતા અને ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન ધનંજય મુંડેએ કહ્યું હતું કે અજિત પવાર તેમના આધારસ્તંભ હતા અને તેમણે ક્યારેય તેમના પિતાની ગેરહાજરીનો અહેસાસ થવા દીધો નહીં.
એનસીપીના છત્રપતિ સંભાજી નગર જિલ્લા પ્રમુખ અને વિધાન પરિષદના સભ્ય સતીશ ચવ્હાણે કહ્યું કે તેમણે તેમના "ભગવાન" ગુમાવ્યા છે. 'આવું થશે એની કલ્પના પણ નહોતી. તેઓ (પવાર) મને રાજકારણમાં લાવ્યા. મેં મારો ભગવાન ગુમાવી દીધો છે,' એમ તેમણે સંવાદદાતાઓને જણાવ્યું હતું.
રાજ્ય વિધાનસભા પરિષદના ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા અને શિવસેના (યુબીટી) નેતા અંબાદાસ દાનવેએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે 'પવાર એક એવા નેતા હતા જે ચાર દાયકાની અવિરત મહેનત પછી પણ ટકી રહ્યા અને એક જ ક્ષણમાં ખસી ગયા.'
શિવસેના (યુબીટી)ના અન્ય નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય ચંદ્રકાંત ખૈરેએ જણાવ્યું હતું કે પવાર અત્યંત શિસ્તબદ્ધ વ્યક્તિ હતા અને પોતાના કામ માટે તેમની પાસે આવતા દરેક વ્યક્તિને મહત્વ આપતા હતા. તેઓ લાંબા સમય સુધી સત્તામાં રહ્યા પરંતુ જ્યારે પણ જરૂર પડી ત્યારે તેમણે હંમેશા વિપક્ષના લોકોને સહકાર આપ્યો.'
એઆઈએમઆઈએમના માજી સંસદસભ્ય ઇમ્તિયાઝ જલીલે કહ્યું હતું કે પવારના નિધનથી રાજ્યએ એક કાર્યક્ષમ પ્રશાસક ગુમાવ્યો છે જે નિર્ણય લેવાની કુશળતા માટે જાણીતા હતા. (પીટીઆઈ)