Thu Jan 29 2026

Logo

White Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ सितारो से आगे जहां और भी है...

9 hours ago
Author: Mumbaisamachar Team
Video

શ્વેતા જોષી-અંતાણી 

ડાન્સ એ કાયાનો શોખ નહીં, પેશન હતું. કોઈ નવા ગીત પર સ્ટેપ્સ બેસાડવા એ કલાકો મહેનત કરતી. સતત પ્રેક્ટિસ કરવી, પોતાને  મનપસંદ ગીતો પર ડાન્સ કરવો અને અવનવી સ્ટાઈલ શીખતી રહેવું એ એનું સૌથી પ્રિય કાર્ય. ડાન્સ પર્ફોર્મન્સ માટે સ્ટેજ પર ઊભી  રહેતા એ જાતને અનેકવાર જોતી. એક દિવસ પોતે સ્ટેજ પર્ફોર્મન્સ આપશે એવું સપનું સેવી કલ્પનાઓમાં રાચતી કાયા ત્યારે સીધી  જમીન પર પછડાય છે. જ્યારે સ્કૂલના પ્રતિષ્ઠિત ગણાતા એક કાર્યક્રમ માટે એને ઓડિશનમાં બોલાવવામાં આવે છે. અને એ આવડત  હોવા છતાં પર્ફોમ કરી શકતી નથી.

શા માટે? કારણ છે ડર. લોકો વચ્ચે જાતને અભિવ્યક્ત થવા દેવાનો ભય. ઓડિશનની આગલી રાત્રે કાયા સૂઈ શકી નહોતી.

પોતે કંઈક ગરબડ કરી બેસશે તો? શું એ સાચે આ તકને લાયક છે ખરી? જો એવું નહીં હોય તો બધા સામે પોતાનો કેવો રકાસ થશે.

આવા વ્યર્થ વિચારો એના મગજમાં ઘૂમરાવા લાગેલા, જે એને જંપવા દેતા નહોતા. એનું ચિત ક્યાંય ચોટતું નહોતું. રાત આખી આવા કાલ્પનિક વિચારોના વમળમાં એ ઘૂમેડાતી રહી અને સવારે સ્ટેજ પર એ કંઈજ ઉકાળી શકી નહીં.

ઓડિશન ખરાબ જવાના કારણે કાયા તદ્દન ભાંગી પડી. એણે હવે ડાન્સ ના કરવાનું નક્કી કરી લીધું હોય એમ એ પ્રેક્ટિસ કરવાનું ટાળતી. પોતે ફરી ફેઈલ થઈ જશે તો? એનું હાલતાં-ચાલતાં ગીતો ગણગણવાનું બંધ થયું. ડાન્સ ક્લાસ જવામાં એ કતરાતી. સ્ટેજ પર્ફોમર બનવાના સપનાને એણે પડીકું વાળી ફેંકી દીધું જાણે. કાયામાં આવેલો આ બદલાવ જોકે એના મિત્રો- પરિવારથી છાનો ના રહ્યો. ‘શું થયું છે કાયા?’ એવું એ લોકો વારંવાર પૂછતા. પણ, કાયા પોતાની મૂંઝવણને વર્ણવવા સક્ષમ નહોતી. સાવ તદ્દન કાલ્પનિક ગણાતા ભયને જાકારો આપી શકાતો હોય છે,એ હકીકતથી એનું ટીનએજ મન હજુ અજાણ હતું.

એક દિવસ આ વાત એના ડાન્સ ટીચરના ધ્યાને ચડી કે કાયા હમણાંથી કોઈ વાત કરતી નથી. પોતાના કોઈ પ્રશ્નો પૂછવા આવતી નથી. વધુ પ્રેક્ટિસ કરવાની પરવાનગી પણ માગતી નથી. એમણે કાયાને બોલાવી, પાસે બેસાડી પ્રેમથી પૂછ્યું.: ‘શું વાંધો પડ્યો છે?’
પહેલા કાયાએ જવાબ દેવાના ટાળ્યા. અંતે સાચું કારણ કહ્યું :

‘હું એટલી સારી પર્ફોમર બની શકું એમ નથી. તમે પણ મને એટલે સિલેક્ટ નહીં કરી હોય. માટે ડાન્સ પાછળ ખોટો સમય બરબાદ કરવો હમણાંથી ગમતો નથી.’

‘કાયા, મને ખ્યાલ છે કે તને તકલીફ થઈ રહી છે.’ એમણે પ્રેમાળ સ્વરે કહ્યું : ‘તને જે ડર લાગી રહ્યો છે એ સાચો હશે. હું ના નથી પાડતો. પણ એ કોઈ દુનિયાનો અંત નથી. ઊલટું કંઈક નવી વાતનો આરંભ પણ હોઈ શકે છે. જો હું તને મારી વાત કરું. તારા જેવડી ઉંમરે મારી સાથે પણ આવું કંઈક થયેલું....’ આટલું કહી એ ભલા હૃદયના શિક્ષકે પોતાના સંઘર્ષની વાતો કરી. 

નિષ્ફળતાઓ જણાવી અને સાથોસાથ એ પણ જણાવ્યું કે, ત્યારબાદ મળેલી સફળતાના ફળ કેવાં મીઠાં લાગ્યાં હતાં. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાનો આનંદ કેટલો અનેરો હતો. દરેકને જીવનના કોઈના કોઈ તબક્કે અમુક ભયનો સામનો કરવાનો આવતો હોય છે અને એમાંથી ઘણું શીખવા મળે છે. તરુણાવસ્થાએ જો વ્યર્થ વિચારોને ત્યાગવામાં સફળતા મેળવી લો તો પછી તમને આગળ વધતાં કોઈ રોકી શકે નહીં....’

આટલું કહી સરે પીઠ થપથપાવતા એને કહ્યું, ‘જા, તને એક તક આપી. હજુ ફાઈનલ પ્રોગ્રામને એક મહિનાની વાર છે. પૂરા ખંતથી તારું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ લઈ આવવા પ્રયત્ન કર.’
કાયાને દિવસોથી પોતાના ખભ્ભા પર લદાયેલો ભાર હળવો થતો લાગ્યો. એ આંખમાં આંસુ સાથે એમને વંદન કરી ત્યાંથી બહાર નીકળી ગઈ.

બસ, બીજા દિવસથી એ મચી પડી. પોતે અને ડાન્સ ક્લાસ. બાકી બીજું કંઈ નહીં જેવા અભિગમમાં એ ફરી પ્રવેશતી ચાલી.
સપનાની હવેલીને લાગેલાં તાળાં ફરી ખૂલી ગયાં. નકારાત્મક વિચારોમાંથી બહાર આવતાંવેંત એનો આત્મવિશ્વાસ વધી ગયો. ‘હું ફેઈલ થઈશ એના બદલે હું કંઈક નવું શીખીશ ’ એવા વિચારો કાયાના સાથીદાર બન્યા.

અંતે કાર્યક્રમનો દિવસ આવી ઊભો રહ્યો. કાયા નર્વસ હતી, પણ સાથોસાથ એકદમ મક્કમ. પોતાનો વારો આવતાં ઊંડો શ્વાસ લઈ, સ્ટેજ પર પહોંચેલી કાયાએ પોતાના  પર્ફોર્મન્સમાં પ્રાણ લગાવી દીધા. એના પગના છેલ્લા થડકાર સાથે ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટ થકી ગૂંજી ઊઠ્યું. ઓડિયન્સની ચિચિયારીઓ વચ્ચે પોતાના પેરેન્ટ્સના ખીલેલા ચહેરા જોઈ કાયાએ સંતોષનો શ્વાસ લીધો. આજે એ સાચે જીતી ગયેલી.

કાયાને જે અદ્ભુ સફળતા મળી. ત્યારથી એણે પાછું વળી જોયું નથી. નાની ઉંમરે એની કારકિર્દીની ભવ્ય શરૂઆત થઈ ચૂકેલી. નાની એવી સફળતા એની અંદર એક અજબ આત્મવિશ્વાસ અને હિંમત ઉમેરી ગયેલી. એને સમજાય ચૂકેલું કે, सितारो से आगे जहां और भी है...