Thu Jan 29 2026

Logo

White Logo

ઔર યે મૌસમ હંસીં...હિમાલયની સંત યાત્રા: મહાવતાર બાબાથી નીમ કરૌલી મહારાજ...

1 day ago
Author: Mumbai Samachar Team
Video

દેવલ શાસ્ત્રી

હિમાલયના સાધુઓની વાત આવે એટલે ભગવાન શિવથી વાતનો પ્રારંભ થાય અને મહાવતાર બાબા પર વાતની શરૂઆત થાય. હિમાલયમાં અસંખ્ય ભાવિકો પર બાબા બે હજાર વર્ષથી કૃપા વરસાવે છે. મહાવતાર બાબાજી એ ભારતીય આધ્યાત્મિક પરંપરાના એક અત્યંત રહસ્યમય અને અમર પુરુષ છે, જેમનું અસ્તિત્વ સેંકડો વર્ષોથી હિમાલયના દુર્ગમ પર્વતોમાં અનુભવાય છે. એમને ‘મહાવતાર’ કહેવામાં આવે છે, જેનો અર્થ છે ‘મહાન અવતાર’, કારણ કે એ દિવ્ય શક્તિના પ્રતીક છે જે માનવરૂપમાં અવતરિત થઈને માનવજાતને માર્ગદર્શન આપે છે.

આમ તો મહાવતાર બાબાજીના જન્મ અને જીવન વિશેની માહિતી ચમત્કારથી ભરપૂર છે. એક માન્યતા અનુસાર, એમનો જન્મ 203 ઈ.સ.માં તમિલનાડુના પરંગીપેટ્ટાઈ નામના ગામમાં થયો હતો. મૂળ નામ ‘નાગરાજ’ હતું. આ નામમાં જ કુંડલિની શક્તિ છે, જે યોગમાં આધ્યાત્મિક જાગૃતિનો મુખ્ય માર્ગ છે. મહાવતાર બાબાજીના પ્રારંભિક શિક્ષણમાં બે મહાન ગુરુઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. 

સનાતન ઋષિ પરંપરાના અમર અવતાર અગસ્ત્ય મુનિ અને તમિલ સિદ્ધ પરંપરાના મહાન યોગી અને ક્રિયા યોગનું મૂળ એવા સંત બોગનાથર. બોગનાથર પાસેથી સમાધિનું જ્ઞાન મેળવ્યું અને તપ તેમ જ યોગબળે મૃત્યુથી પર થયા. બાબાજીએ વારાણસી, બદ્રીનાથ અને કાઠમંડુમાં તપસ્યા કરી, જ્યાં એમણે અમરત્વને પ્રાપ્ત કર્યું. 

આદિ શંકરાચાર્ય, કબીર સહિત અનેક સંતોએ બાબા પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આમ તો એમને કૃષ્ણના શિષ્ય અર્જુનના અંશ તરીકે પણ માનવામાં આવે છે. રવીન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોર એમના શિષ્ય હતા, જેમણે હિમાલયમાં સમય વિતાવ્યો અને તેમના પુત્રને ત્રણ વર્ષ માટે બાબાજી પાસે મોકલ્યા.

મહાવતાર બાબાજીના ચમત્કાર કહો કે અનુભૂતિ અસંખ્ય લોકોને થઇ છે. એક શિષ્યના ખભા પર સળગતી લાકડી મારીને તેના કર્મને બાળી નાખ્યા અને પછી હાથ ફેરવીને તેને સાજા કર્યા. એક અમેરિકન ભક્તે દીક્ષા માટે આત્મહત્યાની ધમકી આપી તો બાબાજીએ તેને કૂદવા કહ્યું અને તે કૂદી ગયો. તે મૃત્યુ પામ્યા પછી તેને હાથ ફેરવીને જીવિત કરીને શિષ્ય કર્યો હતો. 

એક કથા મુજબ માતાજીએ વારાણસીમાં બાબાજીને શરીર ત્યજવાની ના પાડી અને બાબાજીએ વચન મુજબ શરીરનો ત્યાગ કર્યો નહીં. એક જાણીતા સાધ્વીજી બાબાજીની ગુફા પર ગયાં. તેમને બાબાજીએ કહ્યું હતું કે મારું સ્વરૂપ પ્રેમમય છે, કારણ કે પ્રેમ જ વિશ્વને બદલી શકે છે. દરેક વ્યક્તિએ અહીં સુધી આવવાની જરૂર નથી, તેમના હૃદયમાં રહેલી શ્રદ્ધા અને ભક્તિ પૂરતી છે. 

હિમાલયના સંત નીમ કરોલી બાબા મહાવતાર બાબાજીના શિષ્ય હતા. બાબાજીએ તેમને રામ નામનો જપ શીખવ્યો. હિમાલયમાં બંને મહાન બાબાઓના ભૌતિક નિવાસ વચ્ચે કલાકોનું અંતર છે, સાધકોની સાધનાનો માર્ગ હિમાલયના મહાન સંત થઈને જાય છે. આ યાત્રામાં સાધકને બે માર્ગ છે, બાબાજીનો યોગનો માર્ગ જેમાં ક્રિયા યોગ, કુંડલિની જાગૃતિ થાય છે અને મહારાજજી કૃપા ભક્તિના માર્ગ તરફ લઇ જાય છે. આ બંને માર્ગનું પરિણામ સ્વની અનુભૂતિ સિવાય કશું નથી. 

મારી રખડવાની આદત અનુસાર મોરબીથી પાંત્રીસ કિલોમીટર દૂર દરિયા કિનારા નજીક આવેલા વવાણીયા ગામ ગયો હતો. વવાણિયા ગામમાં સાત-આઠ વર્ષ માટે નીમ કરૌલી બાબા ઇશ્વરના સાક્ષાત્કાર, યોગ અને સમાધિ માટે રહ્યા હતાં. વવાણીયા બીજો પરિચય એટલે ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્રનું જન્મ અને કર્મ સ્થળ. આહિર સમાજના આર્ષદ્રષ્ટા એવા વંદનીય રામબાઇની ભૂમિ પણ અહીં જ છે. એનો અર્થ એ છે કે આ ધરતીમાં કંઇક તો હશે.

નીમ કરૌલી બાબાને એમના ભક્તો મહારાજજી કહીને સંબોધન કરતાં હતાં. કંબલ ધારણ કરીને ચહેરા પર સદાય સ્મિત સાથે નીમ કરૌલી બાબાની તસ્વીર અસંખ્ય ભારતીયોના ઘરમાં છે. એવું માનવામાં આવે છે કે 11 સપ્ટેમ્બર, 1900ના પાવન દિવસે ઉત્તર પ્રદેશના અકબરપુરમાં તેમનો જન્મ થયો હતો. 

નીમ કરૌલી બાબા નામ માટે એક રસપ્રદ કથા છે. રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરતાં હતાં એ સમયે ટીસીએ નીમ કરૌલી વિસ્તારમાં ટ્રેન રોકીને નીચે ઉતારી દીધાં. બાબા એક ઝાડ પાસે જઇને બેસી ગયા. બાબાને અપમાનિત કરીને ઉતાર્યા પછી ટ્રેન આગળ વધી શકી નહીં. રેલવેના અધિકારીઓને બાબા બાબતે ખ્યાલ આવતાં એમને ટ્રેનમાં બેસવાનો આગ્રહ કર્યો, પણ બાબા એ શરતે તૈયાર થયાં કે જયાં જે ઝાડ પાસે બેઠા હતા ત્યાં સ્ટેશન બને. આ ઘટના પછી બાબાના નામમાં એક ઓર નામ જોડાયું અને કાળાંતરે નીમ કરૌલી બાબા તરીકે પ્રખ્યાત થયા.

નીમ કરૌલી બાબાના નજરે ચડતા શિષ્યો તો વિશ્વની સેલેબ્સ છે. નીમ કરૌલી બાબાના જાણીતા શિષ્યોમાં આધ્યાત્મિક શિક્ષક રામદાસ, ગાયક અને આધ્યાત્મિક શિક્ષક ભગવાનદાસ, લેખક અને ધ્યાન શિક્ષક લામા સૂર્યદાસ અને સંગીતકારો જય ઉત્તલ અને કૃષ્ણદાસનો સમાવેશ થાય છે. માનવતાવાદી લેરી બ્રિલિયન્ટ અને તેમની પત્ની ગિરિજા, દાદા મુખર્જી, વિદ્વાન યવેટ રોસર, અમેરિકન આધ્યાત્મિક શિક્ષક જયા સતી ભગવતી, ફિલ્મ નિર્માતા જોન બુશ અને ગોનીલના દિગ્દર્શકનો સમાવેશ થાય છે.  

સ્ટીવ જોબ્સ, તેમના મિત્ર ડેન કોટકે સાથે હિંદુ ધર્મ અને ભારતીય આધ્યાત્મિકતાનો અભ્યાસ કરવા એપ્રિલ 1974માં ભારત આવ્યા હતા ત્યારે નીમ કરૌલી બાબાને મળવાનું એમણ આયોજન કર્યું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં ગુરુનું અવસાન થયું હોવાનું જાણવા છતાં આધ્યાત્મિક અનુભૂતિ માટે આવ્યા હતા. 

હોલિવૂડ અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ પણ નીમ કરૌલી બાબાથી પ્રભાવિત હતી. સ્ટીવ જોબ્સથી પ્રભાવિત, માર્ક ઝકરબર્ગે કૈંચીમાં નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લીધી. લેરી બ્રિલિયન્ટ ગૂગલના લેરી પેજ અને ઇબેના સહ-સ્થાપક જેફરી સ્કોલ પણ બાબાના દર્શન માટે આવી ચૂક્યા છે. 

હિમાલયના અનેક જાણીતા તથા સૂક્ષ્મ સ્વરૂપે વિચરણ કરતાં સંત એમના આશ્રમમાં આવતા હતાં. બાબાની ઇશ્વર અનુભૂતિ પદ્ધતિ પરંપરાગત કરતાં અલગ હતી. આ પદ્ધતિ હિમાલયના સંતોના ઇશ્વર અનુભૂતિના પાગલપન તરીકે ઓળખવામાં આવતી હતી. સ્થાનિક ભાષામાં તિબેટી શબ્દ ‘યેશી ચોલવા’ મતલબ આધ્યાત્મિક પાગલપન કહી શકાય. આધ્યાત્મિક પાગલપનનો અર્થ એ છે કે પરંપરાગત પદ્ધતિને બદલે કશી નવી જ રીતે શિવતત્ત્વ પ્રાપ્ત કરવાની કળા. 

ધ એન્ડ:
મહાવતાર બાબાજી એ એક એવા મહાપુરુષ છે, જેમના વિશે કોઈ ઐતિહાસિક દસ્તાવેજ નથી. જેમના અસ્તિત્વ અને કૃપાને એમને આધ્યાત્મિક વિશ્વના યોગી-ખ્રિસ્ત તરીકે ઓળખાય છે અને એમનું કાર્ય માનવજાતને મોહમાયાથી મુક્ત કરીને યોગ્ય માર્ગે વાળવાનો છે.