ઝુબૈદા વલિયાણી
સમયે કરવટ બદલી છે.
આજની યુવતીઓ શિક્ષિત બનીને હવે સ્વનિર્ભર બની ગઈ છે તો મોટા ભાગની યુવતીઓ એવું કરતી હોય છે કે પોતાના મેરેજનો ખર્ચ તે ખુદ જ કાઢતી હોય છે. આ બહુજ સારી બાબત છે.
- માતા-પિતાએ શિક્ષણ, તાલીમ આપીને એ યોગ્ય બનાવ્યા છે તો જોબ કરીને પોતાના મેરેજની તૈયારી કરી લેવી તેમાં કંઈ ખોટું નથી.
- આવું કરવાથી પેરેન્ટ્સનો બોજ હળવો થાય છે.
- જો કે, લગ્નનો ખર્ચ તમે તમારા પોકેટમાંથી આપીને કોઈ ઉપકાર, અહેસાન કરો છો અથવા તો હું જાતે જ બધું મેનેજ કરી શકું છું એવો ભાવ પેરેન્ટસ સામે ક્યારેય વ્યક્ત ન કરો.
- પેરેન્ટ્સમાં પણ લાડલીના લગ્નને લઈને અનેક અરમાન હોય છે. તે પણ તેમની દીકરી માટે તેમના બજેટ પ્રમાણે કરવા માગતા હોય છે.
- તો પેરેન્ટ્સની લાગણીને ઠેસ ન પહોંચે તે રીતે તેમના તરફથી મળતી ભેટનો પણ સપ્રેમ સ્વીકાર કરવો જોઈએ અને ક્યારેય એ ભાવ પ્રગટ કરવો જોઈએ નહીં કે મેં તો લગ્નનો ખર્ચ પણ પેરેન્ટ્સ પાસેથી લીધો નથી.
- આવું કરવાથી પેરેન્ટ્સની લાગણી દુભાય છે.
- જેમણે તમને શિક્ષિત કરીને સ્વનિર્ભર કર્યા છે તો તમારું ધન પણ તેના થકી જ છે તે ભૂલવું જોઈએ નહીં.
- એજ પ્રમાણે મેરેજના ફંકશનમાં વચ્ચે ક્યાંય ખોટી ગલતફહમી, ગેરસમજ ન થાય તે માટે પહેલેથી જ બધી લેવડ-દેવડની સ્પષ્ટતા કરી લો જેથી ફંકશનમાં ક્યાંય સમસ્યા ન સર્જાય.
લાડકી પૂર્તિની વ્હાલી વાચક બહેનો! બંને પરિવારનાં રીત-રિવાજ અલગઅલગ હોઈ શકે છે.
- જો પહેલેથી જ રીત-રિવાજ વિશે જાણી લીધું હોય તો તે પ્રમાણે શોપિંગ કરી શકાય છે.
- તદુપરાંત શોપિંગ સિવાયનું પ્રિપ્લાનિંગ કરવામાં પણ સરળતા રહે છે.
- ઘણી વાર એવું બને છે કે રીત-રિવાજની ચર્ચા કર્યા વગર આપણે આપણે કુટુંબ, પરિવારમાં ચાલતાં રીત-રિવાજ પ્રમાણે તૈયારી કરીએ છીએ, પણ જ્યારે મેરેજની સેરેમની શરૂ થઈ જાય પછી તેમનાં અલગ રીત-રિવાજ તો ચાલુ ફંકશને બધું જ મેનેજ કરવું અઘરું થઈ પડે છે. તેથી રીત-રિવાજ સહિતની બધી જ પરંપરા પણ સામેના પક્ષની જાણી લેવી અનિવાર્ય છે.
- બીજું તમારા લગ્નની તૈયારી આવતી હોય તો તમે પણ તમારા ગમા અને અણગમાને રજૂ કરો.
- બની શકે કે તમને કોઈ ખોટાં રીત-રિવાજને ફોલો કરવા ન ગમતાં હોય તો!
- આંધળું અનુકરણ કરીને આવા બોજ વધારતાં રીત-રિવાજને ફોલો કરવા કરતાં તેને તિલાંજલિ આપવાનું સૂચન નમ્રપણે કરી શકો છો.
- એવી માન્યતા છે કે વિધવાએ લગ્નની વિધિમાં ભાગ લેવો ન જોઈએ.
- આવી ખોટી માન્યતા સામે તમે નમ્રપણે સૂચન કરીને તિલાંજલિ આપી શકો છો અને સ્ત્રીના વ્યક્તિત્વની ગરિમાને જાળવી શકો છો.
વેડિંગ બજેટ માટે વિશેષ ટિપ્સ પ્રસ્તુત લેખના આવતા અંકના ત્રીજા અને છેલ્લાં ભાગમાં વાંચીશું.