Thu Jan 29 2026

Logo

White Logo

લાફ્ટર આફ્ટરઃ લો, બાજી ઊંધી વળી ગઈ

7 hours ago
Author: Mumbaisamachar Team
Video

પ્રજ્ઞા વશી

દૂરથી રમાડવા સહેલાં પણ જ્યારે નજીક આવે ત્યારે તો તોબા તોબા! તમે તોફાની ટપુડાઓને રમાડી જોયા છે? ન રમાડ્યા હોય તો એવા તોફાની બારકસોને રમાડી જોજો. તમને ધોળે દિવસે માત્રા તારા જ નહી. આખુ પ્લેનેટેરિયમ-તારાગૃહ  બતાવી દેશે! 

સન્મુખભાઈને બાળકો ગમે. આજુબાજુવાળા પડોશીઓનાં બાળકોને રમાડવા માટે ઘરે લઈ આવે. ’ઉદાર અને પરોપકારી સ્વભાવ પણ એક હદ સુધી જ સારો.’ એવું વારંવાર સમજાવી ચૂકેલાં એમના પત્ની રમાબહેને હવે સન્મુખભાઈને સમજાવવાનું છોડી દીધું.

પડોશી નેહાબહેનને એકવાર અર્જન્ટ એક હૉસ્પિટલ જવાનું થયું. પણ એના બે ટપુડાને નવડાવી, ધોવડાવી, જમાડી કરીને જાય તો દૂર આવેલ હૉસ્પિટલે સમયસર ન પહોંચી શકાય એટલે નેહાને એક માત્ર પરોપકારી સન્મુખભાઈ નજર સન્મુખ આવ્યા. હજી ગઈકાલે જ સન્મુખભાઈએ નેહાબહેનને પ્રેમથી કહ્યું હતું,

‘નેહાબહેન, તમારા બંને ટપુડા કેટલા સ્વીટ છે! એમને લઈને ઘરે આવોને. રમાને પણ સારું લાગશે. (મને પણ લાગશે જ હોં) અને હા નેહાબહેન, તમે તો હજી આ સોસાયટીમાં નવા રહેવા આવ્યાં છો. એટલે તમને ક્યાંથી ખબર હોય? પણ અહીં બધાને ખબર છે કે બાળકોને જાતજાતની રમતો રમાડવામાં અને નવું નવું શીખવાડવામાં હું નંબર વન છું. 

આ સોસાયટીના બધા બાળકોને રોજ સાંજે ગાર્ડનમાં હું જ રમાડું છું. હું તમારાથી ત્રીજે ઘરે જ રહું છું. રમા પણ તમારાં ખૂબ વખાણ કરતી હતી. મારી બાલ્કનીમાંથી હું તમને દરરોજ નિહાળું છું. તમે કેવી સરસ રીતે બાળકોને નવી નવી ઍક્ટિવિટી કરાવો છો, બાગમાં રમાડો છો. અને હા, તમારો કંઠ પણ ખૂબ સરસ છે. જાણે લતા મંગેશકરનો જ સ્વર જોઈ લો! અડધી રાતે પણ કોઈ કામ હોય તો મને જરૂર કહેજો.’

ચાર મહિનામાં નેહાનો આખો ઇતિહાસ જાણનાર સન્મુખભાઈનો લાભ લેવાનું નેહાને મન થયું. એટલે બંને તોફાની ટપુડાને લઈને સન્મુખભાઈના ઘરે પહોંચી. મોટા ટપુડાએ ચાર - પાંચ વાર ડોરબેલ વગાડી વગાડીને ઢીલો કરી દીધો. સન્મુખભાઈ ઠેઠ વાડામાંથી હાંફતા આવ્યા અને ‘કોણ છે ભાઈ... જરા થોભો તો ખરા. એક મિનિટમાં કેટલી વાર ડોરબેલ વગાડ્યો. જરાક તો સબૂરી રાખો.’

બારણું ખોલતાં જ નેહાબહેનનું સુંદર મુખ જોઈને સન્મુખભાઈ બોખલાઈ ગયા અને પ્રેમથી બોલવા લાગ્યા: ‘અરે વાહ! આજે તો બબ્બે રાજકુંવર સાથે નેહાબહેન તમે પધાર્યાં! વાહ વાહ! તમે મારું આમંત્રણ આટલું જલદી સ્વીકારીને... પધારો... પધારો. રમા, જરા જો. કોણ આવ્યું છે.’

જ્યારે જ્યારે સન્મુખભાઈ કોઈ બહેન માટે વિશેષણો અને અલંકારોના ફૂલો બાંધવા લાગે ત્યારે રમાબહેન મૌન ધારણ કરીને વિચારવા લાગે કે પચાસ વર્ષનાં લગ્નજીવનમાં કદીય આ માણસે એનાં વિશેષણો-અલંકારોના ખજાનામાંથી નામ માત્રનું એક સુધ્ધાં વિશેષણ કે અલંકાર મારે માટે વાપર્યું નથી. પણ આ નેહાને બારણે ઊભેલી જોઈને સ્નેહનાં તોરણો બંધાવા લાગ્યાં.

‘રમા, તને ખબર છે? આ નેહાબહેનનો કંઠ તો લતા મંગેશકરના સ્વર કરતાં પણ સુરીલો છે. બાળકોને જે શિક્ષણ આપ્યું છે અને એવાં તો એમણે કેળવ્યા છે કે શું વાત કરું!’

(ક્યારે આ માણસે નેહાને આટલી નજીકથી જોઈ ભલા? પચાસ વરસે કદાચ આટલી મને જોઈ નથી.) અને ત્યાં જ ફ્લાવર વાઝ તૂટવાનો જોરથી અવાજ આવ્યો. પેરિસથી લીધેલો દસ હજારનો ફ્લાવર વાઝ કમ લેમ્પ કમ ઍન્ટીક પીસ કે જે જોઈને બધા મોંમાં આંગળા નાખી જતાં હતાં. એ લેમ્પ નજર સામે ટપુડાના એક જ ધક્કે તૂટી ગયો અને દીવાનખંડ કાચની કરચોથી ભરાઈ ગયો.

નેહાબહેન ટપુડાના કાન પકડી ગુસ્સો કરે એ પહેલાં સન્મુખભાઈએ નેહાબહેનનો હાથ પકડી લઈ પૂરી આદ્રતાથી કહ્યું, ‘નેહાબહેન, એમાં એ બાળકનો શો વાંક? જે આવ્યું એણે એક દિવસ જવાનું નિશ્ચિત જ છે.’

હજી ગઈકાલે રમાબહેનથી એક કાચનો ચાનો કપ તૂટી ગયો એમાં સન્મુખભાઈએ બે કલાકનું મોંઘવારી, બેકારી અને એક કપ કેટલાનો થાય એના ઉપર ભાષણ ઠપકારેલું એ યાદ આવ્યું.

‘રમા, જરા આ કાચ સમેટી લે. અને તમે નેહાબહેન, જરા પગમાં કાચ ખૂંપી ન જાય એ જોજો.’

હજી નેહાબહેન બંને ટપુડાને શિસ્ત અંગે બે વાત કરે તે પહેલાં જ નાના ટપુડાએ હમણાં જ કચરા-પોતાં કરેલ ફર્શ ઉપર સૂ...સૂ કરીને ઘર પાવન કર્યું. ઉતાવળમાં ડાયપર પહેરાવવાનું ભૂલી ગયેલાં નેહાબહેન થોડાં શરમાઈ ગયાં અને પોતાની હૉસ્પિટલ ઇમરજન્સી કહેવા લાગ્યાં. ડાયપરની બેગમાંથી ડાયપર કાઢીને સોફા ઉપર બેસી શિખામણ આપવા લાગ્યાં.

‘નેહાબહેન, બાળકોને ખીજાશો નહીં. બાળકો તોફાન નહીં કરશે તો કોણ કરશે? અમારા બાળકો પણ નાનાં હતાં ત્યારે આમ જ તોફાન, તોડફોડ, સૂ સૂ... પૂ પૂ... ગંદકી થતી રહેતી. બાળકો તો ભગવાનનું રૂપ કહેવાય. તમે તમારે શાંતિથી બેસો. એ કહો તમે શું લેશો? ચા, કોફી, આઇસક્રીમ... અને નાસ્તામાં શું લેશો? રમા, આ સાફ કરીને કંઈક ગરમ નાસ્તો બનાવી દે. નેહાબહેનને હૉસ્પિટલે જવાનું છે. નેહાબહેન, હું એમ કહું કે બે બાળકોને લઈને તમે હૉસ્પિટલ કેવી રીતે જશો? આપણે એક કામ કરીએ. હું તમને મારા સ્કૂટર ઉપર લઈ જાઉં અને આ બંને બાળકોને તો રમા રાખશે. એને પણ ઘરમાં વસતિ લાગશે.’

(મને શું ગમશે? મારે શું કરવાનું છે? નેહાને કેવી રીતે પહોંચાડવી? બાળકોનું શું કરવું? એ બધો જ ભાર માથે લઈને ચાલતા આ માણસને ભગવાને કઈ માટીનો બનાવેલો છે એ જ સમજાતું નથી. માન ન માન, મૈં તેરા મહેમાન.)

’આ માણસ મારી મુશ્કેલી કેટલી સરળ કરી આપે છે અને મનની વાત પણ કેવી જાણી લે છે! બાળકોની સગવડ પણ કરી દીધી અને મને લિફ્ટ પણ આપે છે. ફેસિલિટી મળે છે તો લઈ લેવા જેવી છે. પછી એમને ખરતા મૂકી દેવાના. પણ સ્કૂટર ઉપર... ના બાબા ના...’

નેહાબહેનનું મનોમંથન શરૂ થઈ ગયું અને પેલી બાજુ રમાબહેન વિચારવા લાગ્યાં, ‘બે બાળકો, તોફાની બારકસો મારા માથે મૂકીને ભાઈ નેહાડીને લઈને ડબલ સીટ ફરવા જવાના. બહેન માટે મારે ગરમ નાસ્તો બનાવવાનો. તૂટેલા કાચ સાફ કરો. સૂ...સૂ... પૂ... પૂવાળી ફર્શ સાફ કરો. ના બાબા ના... હવે આનાથી વધારે નહીં. સન્મુખને નેહાડીથી દૂર કર્યે જ છૂટકો.’

ત્યાં તો ફરી મોટા ટપુડાએ શો કેસ ખોલીને અંદર મૂકેલાં રમકડાં વારાફરતી કાઢવાનાં શરૂ કર્યાં અને પેલા નાનકાએ મોટેથી રડવાનું શરૂ કર્યું. રમકડાંમાંથી જે રમકડું મોટો રમે, તે જ રમકડું નાનકો જીદ કરીને માગે અને મોટેથી ભેંકવાનું શરૂ કરે. આખરે મોટાએ રમકડું ખેંચતાં નાનકો સોફા પરથી પડ્યો. 

નાનકાના ભીના કપડાં મૂકીને અંદર હાથ ધોવા ગયેલાં નેહાબહેન દોડતાં આવ્યાં અને બંને બાળકોને રડતાં ચિલ્લાતાં શાંત પાડવાના પ્રયત્નમાં લાગ્યાં. ત્યાં પરોપકારી સન્મુખભાઈ નાનકાને ઊંચકીને શાંત પાડવા જતાં તેણે સન્મુખને એક બચકું ભર્યું. એ જોઈ નેહાબહેન ગુસ્સો કરે તે પહેલાં સન્મુખભાઈ બોલ્યા. ‘ઇટસ ઓલ રાઇટ. બાળકો કોને કીધાં?’

અને એ સાથે રમાબહેન બોલ્યાં, ‘નેહાબહેન, મારા એકલાથી તો આ બે બાળકો ન રાખી શકાય. તમે એક કામ કરો. ઉબર કાર કરાવીને હૉસ્પિટલ જઈ આવો.’ (અને પછી હું જરા આ માણસની ધુલાઈ કરી જ લઉં.) મારા કરતાં આ તમારા ભાઈ-સન્મુખભાઈને બાળકો રાખવાનો વધારે પડતો મહાવરો છે. 

એ ખૂબ પ્રેમથી સાચવશે તમારાં બાળકોને. ખરું ને સન્મુખ? મારે પણ જરા આજે ઍપોઇન્ટમેન્ટ લીધી છે એટલે જવું પડશે. તો સન્મુખ, તમે બાળકો સાથે મજેથી રમો ખાઓ- પીઓ અને મજા કરો. બાળકોમાં ભગવાનનો વાસ હોય છે. નાજુક ફૂલ જેવાં બાળકો... ઍન્જોય સન્મુખ, હું પણ નેહાબહેનની સાથે જ નીકળું છું. રસ્તામાં જ મારા ડૉક્ટરનું દવાખાનું છે અને પછી સાથે સાથે બ્યુટી પાર્લર પતાવીને જ આવીશ. બાય સન્મુખ.’                                                           
બાળકો ન જુએ એમ નેહા પણ સરકી ગઈ. એ પછી પરોપકારી માણસનું શું થયું હશે?
એ તમે જ વિચારો!