Thu Jan 29 2026

Logo

White Logo

કથા કોલાજઃ પાછી વળીને જોઉં છું તો દેખાય છે મારો સંઘર્ષ

9 hours ago
Author: Mumbaisamachar Team
Video

કાજલ ઓઝા-વૈદ્ય

નામ: શેખ હસીના વાઝેદ
સમય: 2025
સ્થળ: અજ્ઞાત સ્થળ, દિલ્હી, ભારત
ઉંમર: 78 વર્ષ
ભારત સાથેના સંબંધો ગમે તેટલા સારા હોય, પરંતુ આપણે આપણી મરજીથી કોઈ અન્ય દેશમાં રહીએ એ એક પસંદગી છે અને આપણે આપણા વતનમાં પાછા ન ફરી શકીએ એવી મજબૂરી હોય ત્યારે આપણી નિ:સહાયતાનું દુ:ખ અલગ જ હોય છે. જે વ્યક્તિ ત્રણ-ત્રણ ટર્મ સુધી દેશની પ્રધાનમંત્રી રહી ચૂકી હોય, 2009થી 2024 સુધી જેણે દેશનું નેતૃત્વ કર્યું હોય અને 2024માં પણ ચોથી ટર્મમાં ચૂંટાયા પછી જો દેશ છોડવો પડે તો એની પીડા અને અપમાન શું હોઈ શકે એની કલ્પના કદાચ સામાન્ય વ્યક્તિને ન આવે. 

એક વખત સત્તા અને પાવર એન્જોય કર્યા પછી એના વગર જીવવું કેટલું અઘરું છે એ સત્ય તો એને જ સમજાય જેણે જીવનમાં આવા અપમાનનો ઘૂંટડો પીધો હોય. મને સહુ કહે છે કે, મારે બાંગ્લાદેશ પાછા ન ફરવું જોઈએ, પરંતુ મારું મન સતત કહ્યા કરે છે કે, આવી રીતે ડરીને, ભાગીને હું ક્યાં સુધી ભટકતી રહી શકીશ. મારા દેશના લોકો,આવામી લીગના મારા કાર્યકર્તાઓ, મારી તરફ જોઈ રહેલા બીજા કેટલાંય લોકો અત્યારે મારે વિશે શું વિચારતા હશે? મને એક ડરપોક, ભાગેડું, બીકણ વ્યક્તિ તરીકે જોતા હશે? જે લોકોએ 1981માં હું બાંગ્લાદેશ પાછી ફરી એ પહેલાં જ મને આવામી લીગની અધ્યક્ષ ઘોષિત કરી એમના વિશ્વાસને મેં ઠેસ પહોંચાડી છે? આવા સવાલો મને મૂંઝવી રહ્યા છે... 

પાછી વળીને જોઉં છું તો દેખાય છે મારો સંઘર્ષ. જીતવાનો નહીં, જીવવાનો. મારા દેશની પ્રજાને એક સ્થિર શાસન આપવાનો પ્રયાસ... 1981માં પાછા ફર્યા પછીમેં આવામી લીગનેપુન: સંગઠિત કરી. સૈનિક શાસન વિરુદ્ધ એક લડાઈની શરૂઆત કરી. મને ખબર જ હતી કે, આ સરળ નથી. બાંગ્લાદેશમાં સૈનિક શાસનના મૂળ જે રીતે ઊંડા ઊતરી ગયા હતા એને ઊખેડી કાઢવા માટે વર્ષો લાગી જાય એમ હતું. બીએનપીએ જે રીતે કાયદામાં ફેરબદલ કરી હતી એને કારણે સૈનિક શાસનનું જોર એટલું બધું હતું કે, દેશમાં માત્ર સૈન્યનો જ ભય હતો. માર્શલ લો બાંગ્લાદેશનું પીડાદાયક અને કટુ સત્ય હતું. 

ઝિયા ઉર રહેમાનની હત્યા પછી 1982માં જનરલ એચ.એમ. ઈર્શાદે સૈનિક બળવો કર્યો. મેં અને આવામી લીગે માર્શલ લોનો ખુલ્લો વિરોધ કર્યો. લોકતંત્ર, સંવિધાન અને સિવિલ લોની માગ ઉઠાવી. બાંગ્લાદેશના અસ્થિર શાસનની વચ્ચે, અર્થતંત્ર હાલમડોલમ થઈ રહ્યું હતું અમારો આ સંઘર્ષ વધુ અઘરો હતો... લોકોને બે ટાઈમનું ભોજન નહોતું મળતું ત્યારે રાજકીય આંદોલનમાં અમારો સાથ કોણ આપે? 1983માં મને ગિરફ્તાર કરી લેવામાં આવી, પણ મેં જેલમાંથી આંદોલન ચાલુ રાખ્યું. કાર્યકર્તાઓએ મારો ભરપૂર સાથ આપ્યો, પણ એચ.એમ. ઈર્શાદ એમ ઝૂકે એવા નહોતા.

મેં મારા પિતાને યાદ કરીને મધ્યમવર્ગ, વિદ્યાર્થીઓ અને શ્રમિકોને એકઠા કર્યા... હું જાણતી હતી કે, સાચા વોટર એ લોકો જ છે. એમને જ આ દેશમાં ચાલી રહેલી તમામ પરિસ્થિતિનો ફાયદો કે નુકસાન થાય છે. મારા કાર્યકર્તાઓએ ઘેર ઘેર જઈને લોકોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો. 1983માં મધ્યમવર્ગ, વિદ્યાર્થીઓ અને શ્રમિકોના આંદોલન, હડતાળ અને સંઘર્ષનું પરિણામ એ આવ્યું કે, મને છોડવી પડી. જેલમાંથી બહાર નીકળીને મેં આંદોલનને વધુ જોર આપ્યું. ઈર્શાદની સરકાર અને એના સૈન્યના સમર્થકો ડરી ગયા. એ જોઈ શકતા હતા કે, મધ્યમવર્ગ મારી વાત સમજી શકતો હતો. ભવિષ્યની પેઢી મારી સાથે જોડાઈ રહી હતી. 

1984માં મને ફરી ગિરફ્તાર કરવામાં આવી. આ વખતનો જેલવાસ સરળ નહોતો. મને ડરાવવા, ધમકાવવામાં આવી. મારા પતિ એમ.એ. વાઝેદ મિયાં જે એક ન્યુક્લિયર સાયન્ટીસ્ટ હતા. એમણે રાજનીતિથી દૂર રહેવાનું નક્કી કર્યું હોવા છતાં એમને અને મારા પરિવારને સતાવવામાં આવ્યો. એનર્જી કમિશન સાથે જોડાયેલા સન્માનપૂર્વકનો વ્યવસાય કરતા અને યુનિવર્સિટી ઓફ ઢાકાના પ્રોફેસર હોવા છતાં એમને અવારનવાર રાત્રે જગાડવામાં આવતા. મારાં બાળકો સાઝીદ અને સાયમા નાના હોવા છતાં એમને પણ સ્કૂલમાં અને બીજી રીતે પજવવામાં આવતા. 

જોકે, મારા પતિનો સહકાર ભરપૂર હતો. એમણે મને કોઈ દિવસ રાજનીતિથી દૂર રહેવાનું કહ્યું નથી... મારા સંઘર્ષમાં મારી જોડાજોડ ઊભેલા એક મજબૂત છતાં મૌન સાથી તરીકે એમણે મને સહકાર આપ્યો છે. 1984ના અંતમાં મને છોડી ત્યારે મારાં બાળકો ત્રસ્ત હતાં. મારા પતિએ કશું કહ્યું નહીં, પરંતુ હું જાણું છું કે એમને પણ જે આ ચાલી રહ્યું છે એનાથી ચિંતા અને તકલીફ થતા હતા. અમે બાંગ્લાદેશ છોડવાનો નિર્ણય કરી જ રહ્યા હતા કે, આવામી લીગના મારા કાર્યકર સભ્યોએ મને વિનંતી કરી... એમનું કહેવું હતું કે, હું બાંગ્લાદેશની લોકશાહી અને લોકતંત્રની અંતિમ ઉમ્મિદ છું. જો હું પણ દેશ છોડીને અમેરિકા ચાલી જઈશ તો આ દેશને હવે કોઈ બચાવી નહીં શકે.

1984-85ના અમારા સંઘર્ષ અને આંદોલનોથી થાકીને માર્શલ લો હોવા છતાં પ્રિલિમનરી ઈલેક્શનની જાહેરાત થઈ. આવામી લીગને સમાવ્યા સિવાય છુટકો નહોતો. સંસદમાં બેસીને જ કશુંક બદલી શકાશે એવું મને પણ સમજાયું હતું, એટલે અમે ચૂંટણીમાં ભાગ લેવાનું નક્કી કર્યું. આવામી લીગને ફરી એક વાર બેઠી કરવા પૂરતી પણ આ ચૂંટણી લડવી જરૂરી હતી. મારા કાર્યકરોનું મોરલ તૂટી ગયું હતું. સંઘર્ષ દરમિયાન ઈર્શાદના સૈનિકોએ કરેલા અત્યાચારથી બધા થાક્યા હતા. 

અંતે, ચૂંટણી થઈ. અમે જીતી ન શક્યા, પરંતુ સંસદની અંદર દાખલ ચોક્કસ થઈ શક્યા. મેં પોતે જ વિરોધ પક્ષના નેતા બનવાનું પસંદ કર્યું. હવે અમે માત્ર સંઘર્ષ કરતો એક નબળો પક્ષ નહોતા, બલ્કે એક મજબૂત વિરોધ પક્ષ તરીકે સંસદમાં બેસી શકતા હતાએ વાતે મારા સમર્થકો, કાર્યકરો અને બાંગ્લાદેશના નાગરિકોને એક નવું બળ મળ્યું. અમેરિકા જવાનો વિચાર પડતો મૂકીને મેં ફરી એક વાર બાંગ્લાદેશને માર્શલ લોમાંથી મુક્ત કરવાનું આંદોલન શરૂ કર્યું. 

કહેવાય છે ને કે, જ્યારે તકલીફ હોય ત્યારે દુશ્મનો પણ ભેગા થઈ જાય છે... 1990માં ખાલિદા ઝિયા અને બીએનપીએ મને સંપર્ક કર્યો. એ લોકો પણ માનતા હતા કે ઈર્શાદના શાસનને કારણે બાંગ્લાદેશ ખૂબ સમસ્યાઓ અને સંકટોનો સામનો કરી રહ્યો છે. ખાલિદા ઝિયાએ હાથ મેળવવાની વિનંતી કરી... મને પણ સમજાયું હતું કે, સંસદમાં ફક્ત વિરોધ પક્ષમાં બેસવાથી સૈનિક શાસનનો અંત નહીં લાવી શકાય. 

મેં ખાલિદા ઝિયા અને બીએનપી સાથે હાથ મેળવીને જબરજસ્ત જોઈન્ટ માસ મુવમેન્ટની શરૂઆત કરી. બીએનપી જૂની અને મજબૂત પાર્ટી હતી. એમની પાસે વધુ કાર્યકરો હતા. વધુ આર્થિક બળ હતું. વધુ ફંડિંગ અને સમર્થકો હતા. એમના જોડાવાથી આવામી લીગને પણ એક નવું બળ મળ્યું. પરિણામ એ આવ્યું કે 1990ના ડિસેમ્બરમાં જનરલ ઈર્શાદને રાષ્ટ્રપતિ તરીકે રાજીનામું આપવું પડ્યું અને માર્શલ લો હટી ગયો. 

1991માં ફરી ઈલેક્શન થયા. સ્વાભાવિક છે કે, બીએનપી પાસે વધુ સંખ્યા બળ અને વધુ ફંડિંગ હતું. બીએનપીની સરકાર બની. હું ફરી વખત વિરોધ પક્ષની લીડર બની કારણ કે, હાથ મિલાવતી વખતે ખાલિદા ઝિયાએ આપેલાં બધાં વચનો ધીમે ધીમે ખોટાં પડતાં ગયાં. એ વખતે એમણે મને વચન આપ્યું હતું કે, એ પ્રધાનમંત્રી બનીને સૌથી પહેલાં મારા પિતાના હત્યારાઓને સજા અપાવવાનો પ્રયાસ કરશે અને કેસ ખોલાવશે, પરંતુ એ વાત તો જાણે ભૂલાઈ જ ગઈ! 

થોડા સમય માટે મને લાગ્યું હતું કે, બીએનપી અને આવામી લીગ ભેગા થઈને બાંગ્લાદેશનું કશુંક ભલું કરશે, પરંતુ મને સમજાઈ ગયું કે, ખાલિદા ઝિયાને પ્રધાનમંત્રી બનવા માટે એ વખતે એક વિરોધીને હટાવવાની જરૂરિયાત હતી... મારા મજબૂત સમર્થકોને સાથે લઈને એમણે મારો ઉપયોગ માત્ર કર્યો! દુ:ખ થયું, પણ અહીંથી મારા પ્રધાનમંત્રી બનવાનો નિર્ણય પણ દ્રઢ થયો. હું સમજી ગઈ કે, હવે કોઈની મદદ કે સહકારથી કંઈ નહીં થાય, મારે જ મારો રસ્તો જાતે કંડારવાનો છે. બસ! 

1991 પછી 1996ની ચૂંટણી આવી... આવામી લીગે પોતાના બળથી પોતાના સમર્થકો અને ફંડર્સની સહાયથી 1996ની ચૂંટણી બહુમતીથી જીતીને બતાવી. હું પહેલી વખત પ્રધાનમંત્રીના પદ પર આવી. હવે હું જાણતી હતી મારે શું કરવાનું છે. બીએનપીના ભ્રષ્ટાચારી નેતાઓ અને મારા પિતાના હત્યારાઓને સજા અપાવવા માટે મેં એક પછી એક કેસ ખોલાવવાની શરૂઆત કરી. બાંગ્લાદેશમાં આર્થિક સમૃદ્ધિ  અને રાજકીય સ્થિરતાના પ્રયાસો શરૂ કર્યા...