(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોની સ્મૃતિમાં આજે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સમગ્ર રાજ્યમાં 'શહીદ દિન'ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગની યાદી મુજબ, સવારે ૧૧:૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
જે અંતર્ગત જે સ્થળોએ સાયરન કે તોપની વ્યવસ્થા છે ત્યાં સવારે ૧૦:૫૯ થી ૧૧:૦૦ વાગ્યા સુધી સંકેત આપવામાં આવશે, ત્યારબાદ બે મિનિટ સુધી નાગરિકો પોતપોતાની જગ્યાએ શાંત ઊભા રહી મૌન પાળશે. આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં વાહનવ્યવહાર અને કામકાજની ગતિને શક્ય હોય ત્યાં સુધી અટકાવી રાખવા અને ૧૧:૦૨ કલાકે ફરી સાયરન વાગ્યા બાદ જ રાબેતા મુજબનું કાર્ય શરૂ કરવા જનતાને વિનંતી કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, શહીદ દિનનું મહત્વ જળવાય તે માટે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ અને કોર્પોરેશનોમાં સ્વતંત્રતા સંગ્રામ વિશે વક્તવ્ય અને સંવાદ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રસારણ માધ્યમો અને સાંસ્કૃતિક એકમો દ્વારા રાષ્ટ્રીય એકતા તથા શહીદોની શૌર્યગાથા પર આધારિત ફિલ્મો અને વૃત્તચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે.