નાણા પ્રધાન નિર્મલા સિતારમણે સંસદમાં રજૂ કર્યો ઈકોનોમિક સર્વે, દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનવાના સંકેતો
નવી દિલ્હીઃ નાણાકીય અંદાજપત્ર રજૂ કર્યા પૂર્વે આજે નાણા પ્રધાન નિર્મલા સિતારમણે લોકસભામાં દેશનો આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યો હતો. સંસદમાં રજૂ કરેલા ઈકોનોમિક સર્વેમાં નાણાકીય વર્ષ 2027માં જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) વૃદ્ધિ દરમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરી છે. આર્થિક વૃદ્ધિદર વધીને 6.8 ટકાથી 7.2 ટકાની વચ્ચે રહી શકે છે, જે દેશને આર્થિક તબક્કે મજબૂત પાયો અને સ્થિર વિકાસના સંકેતો આપે છે.
અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો
આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે આ વર્ષોમાં જ નીતિગત સુધારાનો સામેલ કરવામાં આવ્યો છે, જેના અનુસાર આ સુધારાને કારણે દેશની અર્થવ્યવસ્થામાં મધ્યમગાળાથી લઈને સાત ટકાની આસપાસ રહી શકે છે. ઉપરાંત, સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક પરિબળોની મહત્વપૂર્ણ ભૂમિકા અને મેક્રો-ઇકોનોમિક સ્થિરતાને મજબૂત બનાવવાને કારણે આર્થિક વિકાસ સાથે સંબંધિત જોખમો હાલમાં સંતુલિત છે.
છેલ્લા વર્ષની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ
પહેલી ફેબ્રુઆરીના રજૂ થનારા બજેટ પૂર્વે આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું. સંસદમાં રજૂ કરવામાં આવેલા ઈકોનોમિક સર્વેમાં છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકારે કરેલા કામકાજ, આર્થિક સ્થિતિ, વિકાસ દર અને આર્થિક મોરચે રહેલા પડકારોનું વિસ્તૃત વિશ્વેલષણ કરવામાં આવ્યું છે.
સર્વેક્ષણનું મહત્ત્વ શું છે
આર્થિક સર્વેક્ષણ એ વખતે રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે કેન્દ્ર સરકાર પહેલી ફેબ્રુઆરીના બજેટ રજૂ કરશે. આગામી નાણાકીય વર્ષમાં સરકારની પોલિસી સંબંધિત કામગીરી તેમ જ વિવિધ કામગીરીની પ્રાથમિકતાની ઝલક જોવા મળ છે. જોકે, વૈશ્ચિક અસ્થિરતા વચ્ચે આ સર્વે ફક્ત વર્તમાન આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરે છે, પરંતુ ભવિષ્યની નીતિ અને માઈક્રો ઈકોનોમિક મેનેજમેન્ટની દિશા પણ નક્કી કરવામાં મદદ કરે છે. સર્વેક્ષણમાં જણાવ્યું છે કે સપ્લાયની સ્થિતિ સુધારો અને જીએસટી દરોને તર્કસંગત બનાવવાની અસરને કારણે નજીકના ભવિષ્યમાં મોંઘવારી નિયંત્રણમાં રહેવાની પણ સંભાવના છે. સરકારનું માનવું છે કે આનાથી ભાવ દબાણ મર્યાદિત થશે અને ગ્રાહકોને પણ રાહત થશે.
ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની નિકાસમાં થશે તેજી
આર્થિક સર્વેક્ષણમાં ભારતના ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં વૃદ્ધિની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2022માં ભારતની સાતમી સૌથી મોટી નિકાસ કેટેગરીમાં હતું, પરંતુ 2025 સુધીમાં આ ત્રીજી સૌથી મોટી અને ઝડપી નિકાસ શ્રેણીમાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2026ના પહેલા છ મહિનામાં ઈલેક્ટ્રોનિક્સ નિકાસ વધીને 22.2 અબજ ડોલરે પહોંચી છે, જે ઝડપથી બીજા ક્રમે રહેવાની પણ અપેક્ષા છે.
મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ધરખમ વધારો
રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વૃદ્ધિને કારણે સ્થાનિક ક્ષેત્રે ઉત્પાદન અને નિકાસમાં ઝડપથી વધારો થશે, જેમાં મોબાઈલ ફોનના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા રહેશે. નાણાકીય વર્ષ ૨૦૧૫માં મોબાઇલ ફોનનું ઉત્પાદન મૂલ્ય આશરે ₹ 18,૦૦૦ કરોડ હતું, અને નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં તે વધીને ₹ 5.45 લાખ કરોડ થવાનો અંદાજ છે. આ લગભગ ૩૦ ગણો વધારો ભારતની ઉત્પાદન ક્ષમતાઓ અને મેક ઇન ઇન્ડિયા અભિયાનની સફળતાને પ્રતિબિંબિત કરે છે.