ભાવનગર: જિલ્લાના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આત્મહત્યા કેસમાં આખરે આઠ દિવસ બાદ મોટો વળાંક આવ્યો હતો. આ મામલે ઘોઘા પોલીસ મથકના જ પીએસઆઈ બી. કે. ગોસ્વામી વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ ગુનો નોંધવામાં આવતા પોલીસ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
મૃતકના પિતા જેઓ પોતે નિવૃત્ત પોલીસ કર્મચારી છે, તેમણે આ અંગે વિધિવત ફરિયાદ દાખલ કરી હતી. પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે પીએસઆઇ દ્વારા કરવામાં આવતા સતત માનસિક ત્રાસ અને હેરાનગતિના કારણે જ દિગ્વિજયસિંહે જીવન ટૂંકાવવાનું અંતિમ પગલું ભર્યું હતું.
ઘટનાની વિગતો મુજબ ગત ૧૨ જાન્યુઆરીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં જ ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ૧૦ દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ ગત ૨૨ જાન્યુઆરીના તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ બાદ પરિવારજનોએ ન્યાયની માંગ સાથે આક્ષેપ કર્યો હતો કે પીએસઆઇ ગોસ્વામી દ્વારા કરવામાં આવતું શોષણ દિગ્વિજયસિંહના મૃત્યુનું મુખ્ય કારણ હતું.
આ કેસમાં પરિવારના સતત વિરોધ અને ન્યાયની માંગણી બાદ અંતે આઠ દિવસ પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચાલુ ફરજ દરમિયાન એક પોલીસ કર્મચારીએ પોતાના જ ઉપરી અધિકારીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે નોંધાયેલી આ ફરિયાદના કારણે સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ચર્ચાઓ જાગી હતી. હાલ પોલીસે પીએસઆઈ બી.કે. ગોસ્વામી વિરુદ્ધ ગુનો નોંધી આ ચકચારી આત્મહત્યા કેસની ઊંડી તપાસ શરૂ કરી હતી.