દહેગામ: અમદાવાદના નિકોલ વિસ્તારના એક યુવકે ફેસબુક લાઈવ કરી કેનાલમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. દહેગામ પાસે આવેલી ઝાક-જલુન્દ્રા કેનાલ પર બનેલી આ ઘટનામાં યુવકે બે શખ્સોના ત્રાસથી કંટાળી આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. નિકોલમાં રહેતા ભાવેશ પટેલ નામના યુવકે મંગળવારે દહેગામની ઝાક-જલુન્દ્રા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ફેસબુક લાઈવમાં કર્યા ગંભીર આક્ષેપો
નિકોલના ભાવેશ પટેલે ઝાક-જલુન્દ્રા કેનાલ પાસે પહોંચીને ફેસબુક લાઇવ કર્યુ હતું. ફેસબુક લાઇવમાં ભાવેશે પોતાની વેદના વ્યક્ત કરી હતી. ભાવેશે પોતાની કારમાં બેસીને કરેલા ફેસબુક લાઈવમાં સંજય બાલધા અને ગીરીશ બાલધા નામના બે ભાઈઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
સંજય બાલધા અને ગીરીશ બાલધા નામના બે ભાઈઓ ભાવેશને પાણીનું બિલ ભરવા જેવી સામાન્ય બાબતે બંને ભાઈઓ તેને સતત ધમકાવતા હતા. બંને ભાઈઓની ધમકીઓથી ભાવેશ પટેલ માનસિક રીતે તૂટી ગયો હતો. ફેસબુક લાઇવમાં ભાવેશે તેના ગયા પછી આ બંને વ્યક્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરી હતી.
ઘટનાની જાણ થતા જ દહેગામ પોલીસ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બહીયલના સ્થાનિક તરવૈયાઓ અને ફાયરની ટીમે ઝાક-જલુન્દ્રાથી રાયપુર કેનાલ સુધીના 2 કિલોમીટરના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસના જણાવ્યા મુજબ, હજુ સુધી લાશ ન મળવાના કારણે આ મામલે સત્તાવાર નોંધ કરવામાં આવી નથી.
સ્થાનિક વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાવેશ પટેલ ગુજરાત સરકારના એક મંત્રીના સંબંધી છે, જેના કારણે આ મામલો વધુ ગરમાયો છે. જોકે, પોલીસ હાલમાં વીડિયોના આધારે તપાસ કરી રહી છે અને યુવકને શોધવા માટેના પ્રયાસો તેજ કર્યા છે.