Thu Jan 29 2026

Logo

White Logo

આવતીકાલે ગુજરાતનો દરિયો બનશે તોફાની અને ઠંડી પણ ધ્રુજાવશે, જાણો મોસમનો મિજાજ

1 hour ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ હવામાન વિભાગે દરિયાકાંઠે માછીમારોને ભારે દબાણના કારણે તોફાની પવનો અને દરિયામાં તોફાની સ્થિતિની ચેતવણી આપવામાં આવી છે. આજથી બીજી ફેબ્રુઆરી, 2026 સુધીના પાંચ દિવસના સમયગાળા માટે જારી કરાયેલી એડવાઈઝરીમાં ચેતવણી આપવામાં આવી છે કે 29 જાન્યુઆરીએ ભારે પવન ફૂંકાશે અને દરિયો તોફાની બનવાની સંભાવના છે, તો માછીમારોએ માછીમારી માટે દરિયો ખેડવો નહીં. 

આગાહી મુજબ, જખૌ, માંડવી, મુન્દ્રા, કંડલા, ઓખા, જામનગર, પોરબંદર અને નજીકના બંદરો સહિત, ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 45-55થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી શક્યતા છે. દરિયો ખૂબ જ તોફાની રહેવાની ધારણા છે, અને માછીમારોને આ વિસ્તારોથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે પણ આવી જ ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં વેરાવળ, દીવ, પીપાવાવ, ભાવનગર, દહેજ, મગદલ્લા અને દમણ જેવા દરિયાકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉત્તરથી ઉત્તરપૂર્વ દિશાના પવનો સમાન તીવ્રતા સુધી પહોંચી શકે છે, જેના કારણે દરિયાઈ સ્થિતિ અસુરક્ષિત બની શકે છે. જોકે, આ સમયગાળા દરમિયાન ખુલ્લા સમુદ્ર માટે કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

સલાહમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આજે અને કાલે કોમોરિન વિસ્તારના ઘણા ભાગોમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી શક્યતા છે. માછીમારોને પણ તે પ્રદેશમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આ સાથે આવતા 28 કલાકમા સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં તાપમાનનો પારો 3થી 5 ડિગ્રી ગગડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. મહિનાના અંતમાં ઠંડીનું પ્રમાણ વધશે જ્યારે ત્રણેક દિવસ બાદ ઠંડીથી થોડી રાહત મળશે, તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.