Thu Jan 29 2026

Logo

White Logo

મેલ મેટર્સઃ બ્રો કોડ: પુરુષ ને તેના મિત્રો...

8 hours ago
Author: Mumbaisamachar Team
Video

અંકિત દેસાઈ

પુરુષના જીવનમાં મિત્રતા એ માત્ર એક સામાજિક સંબંધ નથી, પણ એક અઘોષિત ‘સેફ હેવન’ છે, જ્યાં તેને દુનિયાના તમામ માપદંડોમાંથી મુક્તિ મળે છે. સામાન્ય રીતે સમાજ પુરુષ પાસેથી હંમેશાં મજબૂત, જવાબદાર અને ગંભીર રહેવાની અપેક્ષા રાખે છે. ઘરના ઉંબરાની અંદર તે એક પિતા, પતિ કે પુત્રની જવાબદારીઓના બોજ હેઠળ દબાયેલો હોય છે, પરંતુ જ્યારે તે તેના ‘બ્રો’ એટલે કે મિત્રોના સર્કલમાં પહોંચે છે ત્યારે તે વર્ષો જૂના એ જ બાળક જેવો બની જાય છે,  જેની પાસે કોઈ માસ્ક નથી. 

‘બ્રો કોડ’ એ કોઈ પુસ્તકમાં લખાયેલા નિયમો નથી, પણ એક એવી મૌન સમજૂતી છે, જેમાં જજમેન્ટને કોઈ સ્થાન નથીષ જ્યારે પુરુષ તેના મિત્રો સાથે હોય છે, ત્યારે તે શા માટે અત્યંત રાજીરાજી હોય છે તેનું સૌથી મોટું કારણ એ છે કે ત્યાં તેને પોતાની નબળાઈઓ છુપાવવાની જરૂર પડતી નથી. મિત્રોની વચ્ચે તે પોતાની નિષ્ફળતાઓ પર હસી શકે છે અને પોતાની મૂર્ખામીઓને ગર્વથી વ્યક્ત કરી શકે છે. આ એક એવી જગ્યા છે જ્યાં મૌન પણ અર્થસભર હોય છે. બે મિત્ર કલાકો સુધી સાથે બેસીને કંઈ પણ બોલ્યા વગર માત્ર એક કપ ચા પીતા હોય તો પણ તે એકબીજાની લાગણીઓ સમજી લેતા હોય છે.

પુરુષની મિત્રતાની શૈલી સ્ત્રી કરતાં ઘણી અલગ હોય છે. સ્ત્રી મોટે ભાગે વાતચીત દ્વારા ભાવનાત્મક જોડાણ સાધે છે, જ્યારે પુરુષ ‘સાઇડ-બાય-સાઇડ’ એટલે કે સાથે મળીને કોઈ પ્રવૃત્તિ કરીને જોડાય છે. પછી તે રમતગમત જોવી હોય, વીડિયો ગેમ રમવી હોય, બાઈક રાઈડ પર જવું હોય કે પછી ગાડીના એન્જિનમાં માથું મારીને રિપેરિંગ કરવું હોય... આવી બધી  સંયુક્ત પ્રવૃત્તિઓ દરમિયાન જે બોન્ડિંગ રચાય છે તે અજોડ હોય છે. 

મિત્રો સાથે હોવા પર પુરુષના મગજમાં જે ડોપામાઈન અને ઓક્સિટોસિનનું સ્તર વધે છે, તે તેને દુનિયાભરના સ્ટ્રેસ સામે લડવાની શક્તિ આપે છે. ઑફિસનું ટેન્શન, આર્થિક ભીંસ કે અંગત જીવનની ગડમથલો મિત્રોના ગ્રૂપમાં આવતા જ ક્ષણભર માટે વિલાઈ જાય છે. મિત્રો વચ્ચે થતી ‘રોસ્ટિંગ’ એટલે કે એકબીજાની મજાક ઉડાવવાની પરંપરા વાસ્તવમાં એક પ્રકારની થેરાપી છે. એકબીજાની ખામીઓ પર હસવું એ એ વાતની સાબિતી છે કે "હું તને જેવો છે તેવો સ્વીકારું છું.” આ મજાક પાછળ જે ગાઢ સ્નેહ છુપાયેલો હોય છે, તે જ પુરુષને આંતરિક સંતોષ આપે છે.

‘બ્રો કોડ’માં વફાદારીનું સ્થાન સર્વોપરી છે. મુશ્કેલીના સમયે જ્યારે આખી દુનિયા તર્ક રજૂ કરતી હોય ત્યારે મિત્ર જ એવો હોય છે જે કોઈપણ સવાલ પૂછ્યા વગર પડખે આવીને ઊભો રહી જાય છે. "હું છું ને, ચિંતા ન કર” આ પાંચ શબ્દો પુરુષ માટે કોઈપણ મોંઘી કાઉન્સેલિંગ સેશન કરતા વધુ અસરકારક હોય છે. 

પુરુષ ઘણીવાર પોતાની તકલીફો શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી, પરંતુ તેના મિત્રો તેના અવાજના ટોન કે તેની ચાલ પરથી સમજી જાય છે કે કંઈક ગરબડ છે. મિત્રો સાથેના સત્સંગમાં જે હાસ્યના ફુવારા છૂટે છે, તે કોઈ લક્ઝરી વેકેશન કરતા પણ વધુ રિફ્રેશિંગ હોય છે. આ જ કારણ છે કે ગમે તેટલો સફળ કે વ્યસ્ત પુરુષ પણ પોતાના મિત્રો માટે સમય કાઢવા આતુર હોય છે. મિત્રો એ તેના ભૂતકાળના સાક્ષી છે, જે તેને એ યાદ અપાવે છે કે સફળતાના શિખરે પહોંચ્યા પહેલાં  તે કોણ હતો.

આજના ડિજિટલ યુગમાં જ્યાં સામાજિક એકલતા વધી રહી છે, ત્યાં આ ‘બ્રો કોડ’ માનસિક સ્વાસ્થ્ય માટે એક સુરક્ષા કવચ સમાન છે, જ્યારે એક પુરુષ તેના મિત્રો સાથે ક્રિકેટની ચર્ચા કરે છે કે જૂની યાદો તાજી કરે છે  ત્યારે તે વાસ્તવમાં પોતાની માનસિક બેટરી રિચાર્જ કરી રહ્યો હોય છે. તેની આ રાજીપાની પાછળનું વિજ્ઞાન એ છે કે ત્યાં કોઈ પ્રતિસ્પર્ધા નથી, માત્ર સહજતા છે. દુનિયા માટે તે ભલે એક સીઈઓ, ડૉક્ટર કે એન્જિનિયર હોય, પણ તેના મિત્રો માટે તો તે આજે પણ એ જ જૂના નામે બોલાવાતો ‘લંગોટિયો યાર’ છે. આ નિર્વ્યાજ પ્રેમ અને સ્વીકૃતિ જ પુરુષને તેના મિત્રોના સાંનિધ્યમાં દુનિયાનો સૌથી સુખી માણસ બનાવે છે. અંતે, પુરુષની મિત્રતા એ એક એવું રોકાણ છે, જેનું વળતર માત્ર અને માત્ર નિર્ભેળ આનંદમાં જ મળે છે.