કૌશિક મહેતા
ડિયર હની,
હમણા મેં લેખિકા જેસિકા ગ્રોસનો એક લેખ વાંચ્યો અને એમાં માતા બન્યા બાદ સ્ત્રીઓ એકદમ ફીટ દેખાવા માટે જે કઈ કરે છે એના વિશે ટિપ્પણી છે. સોશિયલ મીડિયામાં આ અંગે એક ટ્રેન્ડ ચાલે છે અને ઘણી બધી માતા એ ટ્રેન્ડને ફોલો કરી શરીર પર અખતરા કરે છે પણ એ શરીર જ નહિ પણ માનસિક અને આર્થિક રીતે સમસ્યાજનક છે એ આ માતાઓ સમજતી નથી. ખાસ કરીને ધનિક પરિવારોમાં આ ટ્રેન્ડ વધુ જોવા મળે છે.
માતા બન્યા બાદ સ્ત્રી જો ધ્યાન ના રાખે તો એનું શરીર વધી જતું હોય છે. મોટાભાગના ઘરોમાં માતાની આ સ્થિતિ થતી હોય છે. અને એ જ કારણે તે ટીકાનો ભોગ પણ બનતી હોય છે. એમાં ય કોઈ સેલિબ્રિટી માતા બન્યા બાદ શરીરને એકદમ ફીટ રાખતી જણાય અને એ કોઈ કાર્યક્રમ કે ટીવી, કે ફિલ્મોમાં જોવા મળે ત્યારે ચર્ચા થાય છે.
આપણા બંને વચ્ચે પણ આ ચર્ચા બહુ થઇ છે. તું કહેતી રહે છે એમને ક્યાં ઘરનાં કામ કરવાના હોય છે. અમારે તો ઘરનું કામ પણ કરવું પડે, હજાર પળોજણ હોય છે એમાં શરીરનું ધ્યાન રાખવાનો સમય જ રહેતો નથી.
આમે ય પરણ્યા પછી સ્ત્રી અને પુરુષ પોતાના શરીર પ્રત્યે ઓછું ધ્યાન આપે છે અને બંનેનાં શરીર વધે છે. દેશમાં શ્વેત ક્રાંતિ લાવનારા ડૉ. વર્ગીસ કુરિયને ગુજરાતની ગૃહિણીઓની કમર વિષે ટિપ્પણી કરેલી ત્યારે એ મુદે વિવાદ થયો હતો. એ પણ વાત તો સાચી છે અને એમાં ગૃહિણી જ નહિ પણ ઘરના પુરુષ પણ આવી જાય છે. એમાંય સ્ત્રીને કોઈ શરીર ટકોર કરે તો એને લાગી આવે છે અને એ શરીરને ફીટ રાખવા માટે આડાઅવળા ઉપાય આદરી દે છે.
જેસિકા લખે છે કે, પહેલાં માતાઓની છબી સાદી અને સંઘર્ષમય ગણાતી, પરંતુ હવે સ્કૂલ ફંક્શન કે જાહેર જગ્યાઓ પર માતાઓ કોઈ ફેશન શોની સ્પર્ધક હોય તે રીતે તૈયાર થઈને જાય છે. તે એક સામાજિક અપેક્ષા બની ગઈ છે. એમાં સોશિયલ મીડિયાનાં કારણે યંગ અને ફીટ દેખાવાની હોડ જામી છે. 50ની ઉંમરે પણ મતા પર એવું દબાણ છે કે એ વૃદ્ધ ન દેખાય.
આ કારણે માતા પર માનસિક બોજ વધે છે. હવે માતા પાસે માત્ર બાળકોને ઉછેરવાની જ નહીં, પણ સાથે સાથે સુપર મોડેલ જેવા દેખાવાની પણ અપેક્ષા રાખવામાં આવે છે. આ ‘ટુ-ડુ લિસ્ટ’ માં સતત વધારો થઈ રહ્યો છે, જે માનસિક થાકનું કારણ બને છે. અને પછી શરૂ થાય છે કોસ્મેટિક ટ્રીટમેન્ટ. બોટોક્સ, ફિલર્સ અને એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ વધ્યો છે. ઘણી માતા જીમમાં જવાની સાથે હવે મોંઘી સ્કિન ટ્રીટમેન્ટ પાછળ પણ સમય અને પૈસા ખર્ચી રહી છે.
જોકે જેસિકા આવી માતાઓને સલાહ આપતા કહે છે, અસલી સુંદરતા આત્મવિશ્વાસમાં છે. માતાએ પરફેક્ટ દેખાવાને બદલે વાસ્તવિક બનવું જોઈએ. સપોર્ટ સિસ્ટમ બનાવવી અને આરામને મહત્ત્વ આપવું જરૂરી છે.
પહેલાના સમયમાં ‘પરફેક્ટ મધર’ તેને ગણવામાં આવતી જે સંતાનોના સંસ્કાર અને ઘરના સંચાલનમાં નિપુણ હોય. આજે સોશ્યલ મીડિયાએ આ વ્યાખ્યા બદલીને એના બાહ્ય દેખાવ પર કેન્દ્રિત કરી દીધી છે. ‘ઈન્સ્ટાગ્રામ મોમ’ બનવાની લ્હાયમાં સ્ત્રીઓ પોતે શું છે તે ભૂલીને, દુનિયા શું જોવા માગે છે તે બનવાનો પ્રયત્ન કરે છે. વળી, બોટોક્સ કે મોંઘી કોસ્મેટિક ટ્રીટમેન્ટ્સ માત્ર મોંઘી જ નથી, પણ તેની પાછળ સતત યુવાન દેખાવાની જે દોડ છે તે માનસિક રીતે ખૂબ જ થકવી નાખનારી છે. આને ’મેન્ટેનન્સ ટ્રેપ’ કહી શકાય, જેમાંથી બહાર નીકળવું અઘરું થઈ જાય છે.
બીજી તરફ જ્યારે કોઈ સ્ત્રી દબાણ વગર પોતાની ઓળખ સાથે જીવે છે, ત્યારે જ તે સાચા અર્થમા ગ્લો કરે છે. સાચું કહું તો તારે અને દરેક માતાએ આ વાક્ય ગાંઠે બાંધવા જેવું છે. આ જ સમસ્યાનો સાચો ઉકેલ છે. આત્મવિશ્વાસ એ સૌથી મોટું મેકઅપ છે. જે માતા હસતી, સ્વસ્થ અને માનસિક રીતે શાંત છે, તે પોતાના બાળકોને વધુ સારું જીવન આપી શકશે.
હું તો તને ઘણીવાર કહું છું. બીજા શું કરે છે એમાં પડવા જેવું નથી. સ્ત્રીઓ કોઈક કાર્યક્રમ કે પ્રસંગમાં એકત્ર થાય ત્યારે શરીર અને ડ્રેસિંગ વિષે વધુ વાતો કરતી હોય છે. અને એમાં મેક અપ એટલો કર્યો કર્યો હોય તે સારા દેખાવાના બદલે બહુ ખરાબ લાગતા હોય છે. અહી ગોસીપ પણ ચાલે છે. કોના ઘરમાં શું ચાલે છે એની વાતો થાય છે. એના કરતાં પોઝિટિવ વાતો કેમ ના થાય? ખરી સુંદરતા મનની હોવી જોઈએ એ આપણે સમજવું પડશે. ખાસ કરીને માતાઓએ સમજવું રહ્યું.
તારો બન્ની.