Thu Jan 29 2026

Logo

White Logo

અજિત પવાર વિમાન દુર્ઘટનામાં ચોંકાવનારો ખુલાસો: "ઓહ શિટ..." હતા કો-પાયલટના છેલ્લા શબ્દો

4 hours ago
Author: Tejas Rajpara
Video

બારામતી: મહારાષ્ટ્રના લોકપ્રિય નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધને સમગ્ર ભારતને સ્તબ્ધ કરી દીધું છે. મુંબઈથી પોતાના રાજકીય ગઢ બારામતી જઈ રહેલા અજિત પવારનું વિમાન ઉતરાણ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ કરુણ ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. બારામતી આજે શોકમાં ડૂબેલું છે, જ્યાં તેમના પાર્થિવ દેહને પંચતત્વમાં વિલીન કરવામાં આવ્યા છે. દરમિયાન, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય અને તપાસ એજન્સીઓએ દુર્ઘટનાના કારણો શોધવા માટે કવાયત તેજ કરી છે.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ જણાવ્યું કે અકસ્માત સમયે બારામતી એરપોર્ટ પર વિઝિબિલિટી ઘણી ઓછી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પાયલટે લેન્ડિંગનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ જતાં વિમાનને 'ગો-એરાઉન્ડ' કર્યું હતું. બીજી વખતના પ્રયાસમાં પાયલટે રનવે દેખાતો હોવાનું કહીને લેન્ડિંગની પરવાનગી લીધી હતી, પરંતુ વિમાન રનવેના 'શોર્ટ ઓફ ધ થ્રેશોલ્ડ' પર જ ક્રેશ થઈ ગયું હતું. આશ્ચર્યની વાત એ છે કે પાયલટે કોઈ પણ પ્રકારનો ઈમરજન્સી સિગ્નલ કે 'મેડે' કોલ આપ્યો નહોતો, જે ટેકનિકલ નિષ્ફળતા તરફ ઈશારો કરે છે.

કોકપીટ વોઈસ રેકોર્ડરના ચોંકાવનારા ખુલાસા

દુર્ઘટનાગ્રસ્ત લિયરજેટ વિમાનનું બ્લેક બોક્સ અને કોકપીટ વોઈસ રેકોર્ડર (CVR) મળી આવ્યા છે. જેમાંથી મળેલી માહિતી મુજબ, છેલ્લી ક્ષણોમાં મહિલા કો-પાયલટ સાંભવી પાઠકના મોઢેથી નીકળેલા શબ્દો "ઓહ શિટ... ઓહ શિટ" સંભળાયા હતા. આ શબ્દો સ્પષ્ટપણે સૂચવે છે કે છેલ્લી ઘડીએ પાયલટે વિમાન પરથી સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી દીધું હતું અને તેમની પાસે સ્થિતિ સુધારવાનો કોઈ સમય બચ્યો નહોતો. વિમાન ક્રેશ થતાની સાથે જ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં ક્રૂ મેમ્બર્સ અને સુરક્ષા અધિકારી સહિત તમામ બળીને ખાખ થઈ ગયા હતા.

બ્લેક બોક્સ મળ્યું…

DGCA અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની ટીમો હાલમાં બ્લેક બોક્સના ડેટાનું વિશ્લેષણ કરી રહી છે. બ્લેક બોક્સ એક એવું નારંગી રંગનું મજબૂત સાધન છે જે ગમે તેવી આગ કે ટક્કર પછી પણ સુરક્ષિત રહે છે અને તેમાં વિમાનની દરેક ક્ષણની ગતિવિધિ નોંધાયેલી હોય છે. તપાસની પ્રગતિ સાથે એ સ્પષ્ટ થશે કે શું એન્જિનમાં કોઈ ખામી હતી કે પછી ખરાબ વિઝિબિલિટીને કારણે પાયલટની ગણતરીમાં ભૂલ થઈ હતી.

ગુરુવારે સવારે 11 વાગ્યે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ ખાતે અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. શ્રદ્ધાંજલિ આપવા ઉમટેલા હજારો સમર્થકોની આંખો ભીની હતી. અજિત પવારની સાથે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પાયલટ સુમિત કપૂર, સાંભવી પાઠક, સુરક્ષા અધિકારી વિદિપ જાદવ અને ફ્લાઈટ એટેન્ડન્ટ પિંકી માલીના પરિવારોમાં પણ શોક વ્યાપી ગયો છે.