Thu Jan 29 2026

Logo

White Logo

એમને બહુ આનંદ થાય!

2 hours ago
Author: Mumbaisamachar Team
Video

નીલા સંઘવી 

‘જન સેવા એ જ પ્રભુ સેવા’ આવી એક ઉક્તિ પ્રચલિત છે અને મને આ વાત ગમે છે- સાચી લાગે છે. પથ્થરના દેવની પૂજા કરીએ તેના કરતાં જીવતાજાગતા માનવીની સેવા ન કરીએ? કોઈ જરૂરિયાતમંદને મદદ કરીએ તો ઈશ્વર ખુશ જ થાય. મદદ ફકત આર્થિક જ કરવાની હોય એવું નથી. ઉંમર લાયક વૃદ્ધ કે પછી અંધ કે અપંગને જરૂરી મદદ કરો તો તે પણ સમાજસેવા જ છે. 

પૈસા તો કોઈ પણ આપીને છૂટી જાય, પણ માનવીની રોજ-બરોજની જિંદગીમાં જે મદદની જરૂર હોય તે આપણે કરીએ તો તેમની જિંદગીમાં આનંદની લહેર આવે. કેટલાંય લોકો માનવસેવાને જ પ્રભુસેવા માને છે એ જ કારણે કેટલીયે સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. જેમાં નિ:સ્વાર્થ ભાવે લોકોની સેવા કરવામાં આવે છે. એમાંનું એક નામ છે ‘મધર ટેરેસા.     

આજે વાચકો સાથે એવી જ એક મહિલાનો પરિચય કરાવવો છે. આરતીબહેન એમનું નામ. આરતીબહેનની ઉંમર 62 વર્ષ. આમ તો સિનિયર સિટિઝન છે, પણ ફીટ એન્ડ ફાઈન છે. આરતીબહેનનો સ્વભાવ સેવાભાવી. આડોશપાડોશમાં રહેતા વયસ્ક કે વિકલાંગ લોકોને જે મદદની જરૂર હોય તે કરવા આરતીબહેન હંમેશાં તત્પર રહે. આરતીબહેનની પડોશમાં 80 વર્ષના વૃદ્ધ માજી રસીલાબહેન રહે. 

એકલાં રહેતાં હોવાને લીધે એ રસલીબાના ઘેર થોડીવાર બેસે વાતો કરે. આમ આત્મિયતા બંધાઈ ગઈ. પછી તો રસીલાબા પોતાનાં દિલની વાતો કરતાં થઈ ગયાં. એમની વાત સાંભળીને આરતીબહેન કહેતા, "બા, તમારે મૂંઝાવાનું નહીં. તમને જે કાંઈ જોઈતું કરતું હોય તે મને કહી દેવાનું. હું બજાર જઈશ ત્યારે લઈ આવીશ...’ પછી તો રસીલાબાને જે જોઈતું હોય તે આરતીબહેનને કહે. 

આરતીબહેન લઈ આવે... ક્યારેક ડૉક્ટર પાસે જવાનું હોય તો હાથ પકડીને ટેક્સીમાં બેસાડીને ડૉક્ટર પાસે પણ આરતીબહેન લઈ જાય. હા, પૈસા રસીલાબા ક્યારેય આરતીબહેનને ખર્ચવા ન દે અને પોતે જે કંઈ ફ્રુટસ, મીઠાઈ, ડ્રાયફ્રુટ મંગાવે તે કદી એકલા ન ખાય. આરતીબહેન પ્રત્યે એમને દીકરી જેવી લાગણી થઈ ગઈ હતી.

એકલાં રહેતાં રસીલાબાને બોલવા પણ બહુ જોઈએ. પણ એકલાં એકલાં કોની સાથે વાત કરે? હા, ટેલિફોન કરીને વાતો કરતા રહે. પણ સામસામે વાત કરવાની જેટલી મજા આવે તેટલી મજા ફોનમાં વાત કરવાની થોડી આવે? વ્યક્તિ સામે હોય તો વાત કરતી વખતે તેના ચહેરાના હાવભાવ, શરીરનું હલનચલન બધું જોઈ શકાય. આરતીબહેન લગભગ રોજ રસીલાબાના ઘરે 15-20 મિનિટ બેસે અને તેમની સાથે વાતો કરે. તેમની વાતો સાંભળે. 

આરતીબહેન સાંજે બગીચામાં ચાલવા જાય. બગીચામાં તેમને 75 વર્ષના કિરણભાઈ અને તેમના પત્ની કોકીલાબહેન મળતા. જયશ્રીકૃષ્ણ અને હાય, હલ્લો કરતા આ દંપતી સાથે આરતીબહેનને માયા બંધાઈ ગઈ. આ નિ:સંતાન દંપતી વ્યવસાય-નોકરીમાંથી રિટાયર્ડ થઈ ગયું હતું. ઉંમરને કારણે તબિયતની નાની મોટી તકલીફ રહ્યા કરતી હતી. ડૉક્ટરને ત્યાં જવા માટે કે રિપોટર્સ કઢાવવા જવા માટે તેમને કોઈની મદદની જરૂર રહેતી. 

આરતીબહેન તરત તેમની સાથે જવા માટે તૈયાર રહેતા. એ લોકો પણ આરતી બહેનને નાની બહેન માનવા લાગ્યા... સમય જતા કિરણભાઈનું અવસાન થયું. કોકીલાબહેન એકલાં રહી ગયાં. હવે આરતીબહેન જ તેમનો સહારો બની ગયાં. રસીલાબા-કોકિલાબહેન અને એમના જેવાં જ બીજા વૃદ્ધો અને એક વિકલાંગ દંપતીને પણ આરતીબહેન મદદ કરતા રહે છે. આરતીબહેનના પરિવારમાં પતિ-પુત્ર-પુત્રવધૂ છે તેથી તેમને ઘરની કોઈ જવાબદારી નથી. તેથી પોતાનો સમય આરતીબહેન જેમને જરૂર છે તેમને આપે છે અને આ બધાંને મદદ કરીને આરતીબહેનને બહુ જ આનંદ થાય છે. 

આરતીબહેનની વાત અહીં એટલા માટે રજૂ કરીકે કારણ કે એમની  માફક જ કોઈ  સિનિયર સિટિઝન જે ફીટ એન્ડ ફાઈન હોય અને પરિવારમાં તેમની સેવાની બહુ જરૂર ન રહી હોય તો બીજાને આ રીતે મદદ કરીને કાંઈક કર્યાનો આત્મ સંતોષ અને જેમણે મદદ લીધી હોય તેમના આશીર્વાદ મેળવી શકે છે.