(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બહાર આવેલા મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં રાજકીય પાર્ટીઓને તેમના નગરસેવકો માટે ઓફિસ આપવામાં આવે છે, જેમાં ગઈ વખતે સંયુક્ત શિવસેનાને મળેળી ઓફિસ પર ફરી એક વખત શિંદેસેના દાવો કરવાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો ઉદ્ધવ ઠાકરેની શિવસેના અગાઉ જ પાલિકાના મુખ્યાલયમાં આવેલી પાર્ટી ઓફિસ પર પોતાનો દાવો કરી દીધો છે. તેથી પાલિકા પ્રશાસન આગામી દિવસોમાં આ ઓફિસ કોને આપે છે, તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.
રાજકીય પાર્ટીઓને તેમના નગરસેવકોને પાલિકામાં બેસવા માટે પાલિકા પ્રશાસન તરફથી ઓફિસ આપવામાં આવતી હોય છે. તે માટે દરેક પક્ષ તરફથી પ્રશાસનને વિનંતી કરી દેવામાં આવી છે, જેમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ પ્રશાસનને તેમને ગઈ વખતે આપવામાં આવેલી ઓફિસનું તાળુ ખોલીને તેમના નગરસેવકોને બેસવા માટે આપવી એવી રજૂઆત કરી છે.
પાલિકાના મુખ્યાલયમાં આવેલી આ ઓફિસ પર જોકે શિંદે સેનાની પણ નજર હોવાનું કહેવાય છે. સંયુક્ત શિવસેનાના ભાગલા થયા બાદ પક્ષનું સિમ્બોલ અને નામ તેમને મળ્યું હોવાથી પાલિકા મુખ્યાલયમાં આવેલી ઓફિસ તેમની હોવાનો દાવો કરીને શિંદે સેનાના કાર્યકર્તાઓ શિવસેના ભંગાણ બાદ આ ઓફિસ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, તેની સામે યુબીટીના કાર્યકર્તાઓ પણ ફોર્ટની પાલિકાની ઓફિસમાં પહોંચી ગયા હતા. બંને શિવસેના વચ્ચે થયેલી ધમાલ બાદ પ્રશાસને આ ઓફિસને સીલ કરી દીધી હતી.
હવે જોકે પાલિકાની ચૂંટણીમાં ભાજપના ૮૯ નગરસેવકો અને ઉદ્ધવની સેનાએ ૬૫ નગરસેવકો સાથે બાદ બીજા નંબરે સૌથી વધુ નગરસેવકો સાથે ઊભરી છે, તેથી પ્રશાસને તાળુ મારીને બંધ કરેલી આ ઓફિસ ફરી તેમના નગરસેવકો માટે ખોલી આપે એવી બે દિવસ અગાઉ રજૂઆત યુબીટીના નવા ચૂંટાયેલા નગરસેવકોએ કમિશનરને કરી હોવાનું કહેવાય છે. તો શિંદેસેનાના પણ ૨૯ નગરસેવકો ચૂંટાયા છે, તેથી તેમને પણ નિયમ મુજબ બેસવા માટે ઓફિસ આપવી જ પડવાની છે.
ગઈ વખતમાં સંયુક્ત શિવસેનાના નગરસેવકોનું બળ ૯૦થી વધુ હોવાથી સભ્ય સંખ્યાને આધારે તેમને મોટી ઓફિસ આપવામાં આવી હતી પણ હવે તેમના નગરસેવકો ૬૫ થઈ ગયા છે, તેથી તેમને આપવામાં આવેલી પક્ષની ઓફિસનું ક્ષેત્રફળ વધુ છે. તેથી આ ક્ષેત્રફળ ઘટાડીને શિવસેનાને ત્યાં ઓફિસ બનાવી શકાય કે નહીં તે બાબતે પ્રશાસન વિચાર કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે શિંદેસેનાએ તેમની સેના જ સાચ્ચી શિવસેના છે, તેથી પાલિકા મુખ્યાલયની શિવસેનાની ઓફિસ તેમના પક્ષને જ મળવી જોઈએ એવો દાવો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.