એક સારો મિત્ર ગુમાવ્યો, એમની ખોટ નહીં પુરાય: ફડણવીસ
મુંબઈ: બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પછી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની ટિપ્પણી મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આકરી પ્રતિક્રિયા આપી હતી. રાજકીય લાભ માટે કોઈના મૃત્યુનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતા ફડણવીસે મમતા બેનરજીના નિવેદનને કમનસીબ અને નિંદનીય ગણાવ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે અત્યારનો સમય રાજકારણનો નથી, પરંતુ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપવાનો અને પરિવાર સાથે ઊભા રહેવાનો છે.
ફડણવીસે કહ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા નેતાના નિધન અંગે આટલું તુચ્છ રાજકારણ રમાઈ રહ્યું છે તે દુખદ બાબત છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે શરદ પવારે પોતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ એક અકસ્માત હતો, જેમાં દુર્ભાગ્યે લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, આ મુદ્દે રાજકારણ રમવું જોઈએ નહીં. આમ છતાં લોકો રાજકારણ રમી રહ્યા છે એ અત્યંત પીડાદાયક બાબત છે, એમ તેમણે જણાવ્યું હતું.
બારામતી પહોંચ્યા પછી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા દુ:ખદ મૃત્યુને માની ન શકાય એવી ઘટના ગણાવી ઉમેર્યું હતું 'મેં એક સારો મિત્ર ગુમાવ્યો છે. આજે સરકારી રજા રહેશે અને પવારના સન્માનમાં ત્રણ દિવસનો રાજ્ય શોક પાળવામાં આવશે. અજિત પવારના અવસાનથી એક એવો ખાલીપો સર્જાયો છે જે ક્યારેય ભરાશે નહીં. ભેગા રહી કામ કર્યા પછી હવે આપણી વચ્ચે તેઓ નથી એ માનવું જ મુશ્કેલ છે.'
સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ફડણવીસે પવારને એક લોક નેતા તરીકે વર્ણવ્યા હતા જે રાજ્યને સારી પેઠે ઓળખવા ઉપરાંત મહારાષ્ટ્રના મુદ્દાઓની ઊંડી સમજ ધરાવતા હતા. આવા નેતૃત્વના નિર્માણ અને સ્થાપનામાં ઘણા વર્ષો લાગે છે.
આ દુર્ઘટના વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જાણ કરી હોવાનું જણાવી મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે તેમણે અજિત પવારના કાકાની દીકરી બહેન સુપ્રિયા સુળે અને તેમના પુત્ર પાર્થ પવાર સાથે પણ વાત કરી છે. હું અને (ડેપ્યુટી સીએમ) એકનાથ શિંદે બારામતી જઈ રહ્યા છીએ. સમગ્ર પરિવાર બારામતીમાં આવી ગયા છી અમે વધુ વિગતો જણાવીશું. આ શોકની ઘડીમાં સમગ્ર રાજ્ય પવારના પરિવાર અને તેમના પક્ષ એનસીપીની પડખે ઊભું છે.'
આશિષ શેલાર, રવિન્દ્ર ચવ્હાણ અને ચંદ્રશેખર બાવનકુળે સહિત રાજ્યના અનેક ભાજપના નેતાઓએ પવારના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. 'આ હૃદયદ્રાવક ઘટનાએ મનને સુન્ન કરી દીધું છે. મહારાષ્ટ્રે એક અનુભવી, કર્તવ્યનિષ્ઠ અને દૃઢ નેતા ગુમાવ્યા છે,' શેલારે કહ્યું છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું કે પવાર વિના મહારાષ્ટ્રનું રાજકારણ કલ્પી ન શકાય. પવાર વહીવટ પર શક્તિશાળી નિયંત્રણ ધરાવતા અને રાજ્યના વ્યાપક વિકાસ પર અડગ ધ્યાન ધરાવતા ગતિશીલ નેતા તરીકે જાણીતા હતા. તેમના નિધનથી મહારાષ્ટ્રે એક મક્કમ, શિસ્તબદ્ધ, સમયપાલનના આગ્રહી નેતા ગુમાવ્યા છે.'
મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ પવારને એક વરિષ્ઠ મિત્ર અને માર્ગદર્શક ગણાવી ઉમેર્યું હતું કે પવારને એક સાચા લોક નેતા તરીકે યાદ કરવામાં આવશે જેમણે મહારાષ્ટ્રના સર્વાંગી વિકાસને સ્પષ્ટ દિશા અને અવિરત ગતિ આપી. મેં ઘણી વખત વ્યક્તિગત રીતે તેમની સલાહ લીધી હતી. અજીતદાદાનું નિધન ફક્ત એક નેતાની વિદાય નથી, મહારાષ્ટ્રને મોટી ખોટ પડી છે. રાષ્ટ્રે એક સ્વપ્નદ્રષ્ટા રાજનેતા ગુમાવ્યા છે.'
(પીટીઆઈ)