Thu Jan 29 2026

Logo

White Logo

બાંગ્લાદેશ ટી 20 વર્લ્ડકપમાં ના રમે તેનાથી શો ફરક પડે ?

3 days ago
Author: Mumbai Samachar Team
Video

એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ

ભારતમાં આવતા મહિનાથી શરૂ થતા ટી-20 વર્લ્ડ કપમાં રમવા મુદ્દે ત્રાગાં કરી રહેલા બાંગ્લાદેશને અંતે આઉટ કરી દેવાયું અને તેના સ્થાને સ્કોટલેન્ડને રમાડવાનો નિર્ણય ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ લઈ લીધો. ભારતમાં પોતાના ક્રિકેટરોના જીવને જોખમ છે એવો ફાલતુ દાવો કરીને બાંગ્લાદેશની મેચો શ્રીલંકામાં રમાડવા માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ લાંબા સમયથી ત્રાગાં કરતું હતું પણ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તેની વાત કાને નહોતી ધરી. અકળાયેલા બાંગ્લાદેશે પોતાની ક્રિકેટ ટીમને ભારત મોકલવાની ઘસીને ના પાડી દીધી હતી અને ભારતનું નાક દબાવવા કોશિશ કરી હતી પણ ભારતે મચક ના આપી તેથી મામલો ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ગયેલો. 

બાંગ્લાદેશે દલીલ કરી હતી કે ભારતમાં તેના ખેલાડીઓની સલામતી સામે જોખમ છે પણ આઈસીસીએ ભારતમાં સિક્યુરિટી અંગે જે રિપોર્ટ આપ્યો તેમાં આ વાતને બકવાસ ગણાવી છે. બાંગ્લાદેશના ખેલાડીઓ પર હુમલાના સંભવિત ખતરાને નકારી કાઢીને આઈસીસીએ સાફ શબ્દોમાં કહી દીધેલું કે, ટી 20 વર્લ્ડકપમાં ભાગ લેવો હોય તો બાંગ્લાદેશે ભારતમાં જ મેચ રમવી પડશે અને બાંગ્લાદેશ ભારતમાં રમવા તૈયાર ના હોય તો તેને વર્લ્ડ કપમાંથી હટાવી દેવામાં આવશે.બાંગ્લાદેશ મમતે ચડેલું અને ટી 20 વર્લ્ડકપમાંથી હટવા પણ તૈયાર નહોતું ને ભારતમાં રમવા પણ તૈયાર નહોતું તેથી છેવટે આઈસીસીમાં મતદાન કરવાનું પડ્યું.

આ મતદાનમાં માત્ર પાકિસ્તાન બાંગ્લાદેશની પડખે રહ્યું જ્યારે બાકીના 14 દેશ ભારતની સાથે રહેતાં બાંગ્લાદેશ હારી ગયું. હવે આઈસીસીએ બાંગ્લાદેશને સ્થાને સ્કોટલેન્ડને રમાડવાનું પણ નક્કી કરી નાખતાં બાંગ્લાદેશ સાવ લટકી ગયું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આઈસીસીને પોતાના નિર્ણય અંગે પુનર્વિચાર કરવાની અપીલ કરવાનું છે પણ એવો કોઈ પુનર્વિચાર થાય એવી કોઈ જ શક્યતા નથી. આઈસીસીએ સ્કોટલેન્ડનો ગ્રુપ સીમાં સમાવેશ કરી દીધો છે. ગ્રુપ સીમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઇટાલી એ બાકીની ચાર ટીમો છે. આ ટીમો સામે સ્કોટલેન્ડની મેચો ક્યારે રમાશે તેનો કાર્યક્રમ પણ નક્કી કરી દેવાયો છે તેથી બાંગ્લાદેશ હવે વાતને વાળવા ગમે તે કરે પણ મેળ પડવાનો નથી. આઈસીસીએ મેચ શિફ્ટ કરવાની અરજી સ્પષ્ટ રીતે નકારી કાઢી ત્યારે જ બાંગ્લાદેશે સમજી જવાની જરૂર હતી પણ વટે ચડેલા બાંગ્લાદેશના કારભારીઓ ના સમજ્યા તેમાં હવે સાવ રમ્યા વિનાના રહેશે. 

આઈસીસીએ લીધેલું વલણ એકદમ યોગ્ય છે કેમ કે ભારતમાં ખરેખર કોઈને ખતરો નથી. ટી20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમો ભાગ લેવાની છે અને દુનિયાની બાકીની ટીમોને ભારતમાં ખતરો લાગતો નથી ત્યારે બાંગ્લાદેશને ખતરો લાગે એ નાટક જ કહેવાય. વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોમાંથી માત્ર પાકિસ્તાનની ટીમ ભારતમાં રમવાની નથી પણ પાકિસ્તાનની વાત અલગ છે. પાકિસ્તાનની ટીમને ભારતમાં ખતરો છે એટલે ભારતમાં નથી રમાડતા એવું નથી પણ પાકિસ્તાન સામે ભારતમાં આક્રોશ છે તેથી પાકિસ્તાનીઓને ભારત સરકાર જ ભારતની ધરતી પર પગ મૂકવા નથી દેવા માગતી. 

ભારતનો પાકિસ્તાન સામે વાંધો સૈદ્ધાંતિક છે. પાકિસ્તાન ભારતને આતંકવાદને પોષીને બરબાદ કરવા માગે છે તેથી ભારતને પાકિસ્તાન દીઠું ના ગમે તેમાં કશું ખોટું નથી. આ કારણે જ ભારત પાકિસ્તાનની ધરતી પર નથી રમતું ને પાકિસ્તાનને ભારતની ધરતી પર રમવાની મંજૂરી નથી આપતું. ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ભારતની લીગ મેચ કોલંબોમાં રમાવાની છે. સુપર એઈટમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થાય તો એ મેચ પણ શ્રીલંકામાં જ રમાશે અને સેમિ ફાઈનલ કે ફાઈલમાં ભારતની પાકિસ્તાન સામે ટક્કર થાય તો એ મેચ પણ ભારતની બહાર જ રમાવાની છે. 

બાંગ્લાદેશને એમ હતું કે, પોતાને પણ પાકિસ્તાન જેવો ખાસ દરજજો મળે ને પોતાની મેચો પણ ભારતની બહાર ખસેડાય. બાંગ્લાદેશમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી છે ને આ ચૂંટણીમાં ભારત વિરોધી પ્રચાર ચરમસીમા પર છે. બાંગ્લાદેશના કટ્ટરવાદીઓ પોતાને ભારતના જાની દુશ્મન સાબિત કરીને સત્તા મેળવવા માગે છે તેથી ભારતમાં રમવા નથી માગતા. સીધેસીધી આ વાત કહેવાય નહીં તેથી તેમણે ખેલાડીઓને ખતરો હોવાનું નાટક કર્યું. મજાની વાત એ છે કે, બાંગ્લાદેશના ક્રિકેટરોને પોતે ભારતમાં સલામત નથી એવું નહોતું લાગતું તેથી કેટલાક ક્રિકેટરોએ બગાવત પણ કરી નાખેલી. 

સત્તા સામે શાણપણ નકામું હોય છે તેથી તેમની બગાવતનું કોઈ ફળ ના મળ્યું એ અલગ વાત છે પણ સામે ભારતે પણ મચક ના આપી. ભારતનું વલણ યોગ્ય જ છે. બાંગ્લાદેશ નાટકો કરીને ભારતની આબરૂનો ફજેતો કરવા મથે, ભારત સુરક્ષિત નથી એવું આખી દુનિયાને બતાવવા માગે એ ભારત સરકાર ના જ ચલાવે તેથી ભારતે બાંગ્લાદેશની વાતોને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી. બાંગ્લાદેશની સરકારે મોટા ઉપાડે ભારતમાં ન રમવાની જાહેરાત કરી નાખેલી તેથી થૂંકેલું ચાટી શકાય તેમ નહોતું એટલે છેવટે બહાર થઈ ગયા. 

બાંગ્લાદેશે એવો દાવો કર્યો છે કે, પોતાની ટીમ આઈસીસીમાં નહીં રમે તેથી વર્લ્ડકપનો ચાર્મ ઘટી જશે. આઈસીસી બાંગ્લાદેશના 20 કરોડ ક્રિકેટ પ્રેમીઓને વર્લ્ડ કપથી દૂર કરીને ક્રિકેટની લોકપ્રિયતા ઘટાડવામાં ફાળો આપી રહી છે. બાંગ્લાદેશની વાત હાસ્યાસ્પદ છે. કૂતરું ગાડા નીચે ચાલતું હોય ને તેને લાગે કે પોતે ગાડાનો બોજ વહન કરીને ચાલી રહ્યું છે એવી આ માનસિકતા છે. બાંગ્લાદેશ ક્રિકેટ વિશ્વમાં ટૂણિયાટ દેશ છે અને એ રમે કે ના રમે, કોઈને કશો ફરક પડતો નથી. અત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાલત જોતાં તો પાકિસ્તાન ના રમે તો પણ કોઈ ફરક ના પડે તો બાંગ્લાદેશથી તો શો ફરક પડવાનો ? ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ ના રમે તો વર્લ્ડ કપની રોમાંચકતા ઓછી થાય, બાકી બીજા દેશો હોય કે ના હોય ક્રિકેટ ચાહકોને કંઈ પડી નથી. આ દેશોનાં બજાર એવાં મોટાં નથી કે જેમાં મોટી કંપનીઓને રસ હોય તેથી આવકની રીતે પણ કશો ફરક ના પડે. 

ભારતમાં રમવાનો ઈન્કાર બાંગ્લાદેશ માટે આત્મઘાતી પગલું સાબિત થવાનું છે. પાકિસ્તાન આ રીતે જ ભારતનો વિરોધ કરવામાં ને કરવામાં પતી ગયું. બાકી એક સમયે પાકિસ્તાનનો વિશ્વ ક્રિકટમાં દબદબો હતો ને ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોય ત્યારે વોર ચાલતી હોય એવો સ્ફોટક માહોલ થઈ જતો. પાકિસ્તાને ભારતમાં આતંકવાદ પોષીને ક્રિકેટ સંબંધો બગાડ્યા તેના કારણે બીજા દેશો પણ પાકિસ્તાનથી દૂર ભાગવા માંડ્યા ને પાકિસ્તાનના ક્રિકેટરો પણ પાકિસ્તાન છોડીને ઈંગ્લેન્ડ સહિતના દેશોમાં વસી ગયા તેમાં પાકિસ્તાનના ક્રિકેટનું ધનોતપનોત નીકળી ગયું. બાંગ્લાદેશ પણ એ જ રસ્તે જઈ રહ્યું છે એ જોતાં બે વર્ષ પછી બાંગલાદેશનુું નામ પણ વિશ્વ ક્રિકેટના નકશામાંથી ભૂંસાઈ જાય તો નવાઈ નહીં લાગે.