મુંબઈ: આજે સવારે બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા અજિત પવારનું દુઃખ અવસાન નીપજ્યું. વિમાનમાં સવાર બે સરકરી અધિકારીઓ અને બે પાઈલોટ પણ મૃત્યું પામ્યા હતાં.
અહેવાલ મુજબ દુર્ઘટનાગ્રસ્ત વિમાન બોમ્બાર્ડિયર લિયરજેટ 45XR હતું. મુંબઈથી રવાના થયેલા વિમાને એક વાર બારામતી એરસ્ટ્રીપ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર લેન્ડિંગ ટાળ્યું હતું. વિમાન બીજી વાર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે સવારે 8.45 વાગ્યે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં અજીત પવાર અને તેમાં સવાર તમામ લોકોના મોત થયા.
ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. આ પ્લેન ક્રેશ પાછળ જવાબદાર કારણોની તાપસ કરવામાં આવી રહી છે. તપાસકર્તાઓ હાલમાં ફ્લાઇટ ડેટા અને કોકપિટ વૉઇસ રેકોર્ડિંગ્સ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. તપાસ બાદ જ ક્રેશનું ખરું કારણ જાણવા મળશે.
આ ક્રેશ થયેલી ફ્લાઇટના ઓપરેટર VSR એવિએશના પદાધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાન 100 ટકા સુરક્ષિત હતું અને ક્રૂ મેમ્બર પણ ખૂબ અનુભવી હતા. કદાચ ઓછી વિઝીબીલીટીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે.
લીઅરજેટ 45 વિષે માહિતી:
લીઅરજેટ 45 ટ્વીન-એન્જિન લાઇટ બિઝનેસ જેટ છે, જેમાં સામાન્ય રીતે આઠ કે નવ મુસાફરો બેસી શકે છે. લીઅરજેટ 45માં બે ટર્બોફેન એન્જિન લાગેલા હોય છે. લીઅરજેટ 45 ઉત્પાદન કેનેડાની એક એરક્રાફ્ટ મેન્યુફેક્ચરર બોમ્બાર્ડિયર એરોસ્પેસે દ્વારા કરવામાં આવે છે.
બોમ્બાર્ડિયર એરોસ્પેસે 1990 ના દાયકાના અંતમાં લીઅરજેટ 45 મોડલ લોન્ચ કર્યું હતું, જે ખુબજ સફળ રહ્યું. વર્ષ 2013માં તેના રેન્જ વેરિઅન્ટ રજૂ કરવામાં આવ્યા. તેની એવિઓનિક્સ અને પર્ફોર્મન્સ સિસ્ટમ્સ ટૂંકા અને મધ્યમ અંતરની ફ્લાઇટ્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે.
કોર્પોરેટ મુસાફરી, VIP ફ્લાઇટ્સ, એક્ઝિક્યુટિવ ચાર્ટર્સ અને મેડિકલ ફ્લાઇટ્સ માટે લીઅરજેટ 45 નો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. તેના નાના કદ, હાઇ સ્પીડ અને ટૂંકા રનવેથી ટેકઓફ/લેન્ડિંગ કરવાની ક્ષમતા ધરાવેને કારણે ચાર્ટર કંપનીઓ અને કોર્પોરેટ પ્લેન ઓપરેટરો માટે પહેલી પસંદ રહ્યું.
સામાન્ય રીતે લિયરજેટ 45 ને ખુબજ સલામત માનવામાં આવે છે, છતાં તે કેટલાક અકસ્માતોનું ભોગ બન્યું છે.
1. વોલોપ્સ આઇલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ, સપ્ટેમ્બર 1998:
વોલોપ્સ ફ્લાઇટ ફેસિલિટી ખાતે ટેસ્ટીંગ દરમિયાન એક લિયરજેટ 45 વિમાને નિયંત્રણ ગુમાવીને ગ્રાઉન્ડ વિહિકલ સાથે અથડાયું. વિમાન સંપૂર્ણ પાને નાશ પામ્યું હતું, પરંતુ કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી.
1. મિલાન, ઇટાલી, 1 જૂન, 2023:
લિયરજેટ 45 મિલાનના લિનેટ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાના તુરંત બાદ પક્ષીના ટોળા સાથે અથડાયું હતું, જેના કારણે પાઈલોટે નિયંત્રણ ગુમાવ્યું અને એરપોર્ટ પર પરત ફરવાના પ્રયાસ દરમિયાન ક્રેશ થયું, જેમાં બંને પાઇલટના મોત થયા હતાં
2. મેક્સિકો સિટી, મેક્સિકો, 4 નવેમ્બર, 2008:
મેક્સિકો સરકારનું લિયરજેટ 45 મેક્સિકો સિટીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું, જેમાં સવાર તમામ નવ લોકો અને જમીન પર રહેલા સાત લોકોના મોત થયા હતાં. આ દુર્ઘટના બાદ બિઝનેસ જેટ માટે વેક-ટર્બ્યુલન્સ અલગ કરવાના ધોરણોની નવેસરથી ચકાસણી શરૂ થઈ.
3. ટેલુરાઇડ, યુનાઇટેડ સ્ટેટ્સ, જુલાઈ 2009:
ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલા ટેલુરાઇડ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન લિયરજેટ 45XR ક્રેશ થયું હતું, સદભાગ્યે તમામ મુસાફરો બચી ગયા. પણ વિમાનને ખુબજ નુકસાન પહોંચ્યું હતું.
4. વેરાક્રુઝ, મેક્સિકો, 21 ફેબ્રુઆરી 2021:
મેક્સીકોની વાયુસેનાનું એક લિયરજેટ 45 એલ લેન્સેરો એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ તુરંત જ ક્રેશ થયું હતું, આ ઘટનામાં છ લશ્કરી કર્મચારીઓના મોત થયા.
5. મુંબઈ, ભારત, 14 સપ્ટેમ્બર 2023:
ભારે વરસાદ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એક લિયરજેટ 45 રનવે પરથી સરકી ગયું હતું, તમામ મુસાફરો બચી ગયા હતાં. વિમાનને નોંધપાત્ર નુકસાન થયું હતું. અધિકારીઓએ આ ઘટના માટે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને જવાબદાર ગણાવી હતી.