નવી દિલ્હીઃ કોંગ્રેસમાં આંતરિક વિવાદ વધતો હોય તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. ફરી કોંગ્રેસ હાઈ કમાન્ડે શશિ થરૂર સાથે બંધ બારણે બેઠક કરી છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યાં છે. આ બેઠક કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદને શાંત કરવા માટે થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આંતરિક વિખવાદની ચર્ચાઓ વચ્ચે શશિ થરૂરે રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે સંસદ પરિસરમાં બંદ બારણે અડધા કલાકથી વધુ સમય સુધી મીટિંગ કરી છે.
થરૂર સાથેની પાવર મીટિંગમાં શું ચર્ચા થઈ?
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ ‘પાવર મીટિંગ’ બજેટ સત્ર અને કેરળ ચૂંટણી પહેલાં પાર્ટીને મજબૂત કરવા માટે હોઈ શકે છે. જો કે, આ બેઠક અંગે કોઈ પ્રેસ બ્રિફ આપવામાં આવી નથી. જેથી બેઠકમાં કઈ બાબતે ચર્ચા થઈ તેના વિશે ચોક્કસ કહી શકાય નહીં. પાર્ટી સાથે બેઠક થવી એ અનોખું નથી, પરંતુ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ આ બેઠક થઈ છે એટલે ચર્ચાઓ શરૂ થઈ છે.
આ મામલે જ્યારે શશિ થરૂરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મીડિયાને કહ્યું, "હું સંસદમાં જઈ રહ્યો છું, જ્યારે જે થશે ત્યારે તે જણાવીશ. પોતાના પાર્ટી લીડરને મળ્યો તેમાં અનોખું શું?’. બંધ બારણે થયેલી આ બેઠક અંગે શશિ થરૂરે એક્સ પર પોસ્ટ પણ કરી છે. પરંતુ બેઠક અંગે વધારે વિગતો આપવામાં આવી નથી. બંધ બારણે થયેલી બેઠકની વાતો બંધ બારણે જ રહી છે.
શશિ થરૂર કોંગ્રેસ પાર્ટીને ખટકે છે?
વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો, શશિ થરૂર થોડા સમયથી કોંગ્રેસની આંખે ખટકી રહ્યાં છે. કારણ કે, કોઈ વાર થરૂર પીએમ મોદીના વખાણ કરે છે, તો કોઈ વાર દેશહીતમાં કોંગ્રેસ પાર્ટી સામે પણ મોરચો માંડે છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા ઘણાં સમયથી શશિ થરૂર કોંગ્રેસની કોઈ બેઠક કે સભામાં હાજર રહ્યાં નથી. ખાસ કરીને કોંગ્રેસની પાર્ટી મીટિંગ્સ, કેરળ કોંગ્રેસની રાજનીતિ, કેરળ ચૂંટણી વ્યૂહરચનાની બેઠકો અને સોનિયા ગાંધીના નિવાસ પર થયેલી બેઠકમાં પણ થરૂરે હાજરી આપી ન હતી.
રાહુલ ગાંધીએ થરૂર સાથે બેઠક કેમ કરી?
જોકે આ બેઠકની વાત કરવામાં આવે તો, એવું સમજી શકાય કે, બજેટ સત્રમાં સરકારને સવાલો કરવા અને સરકારને ઘેરવા માટેની રણનીતિ બનાવવા માટે હોઈ શકે છે. પણ શશિ થરૂર સાથે બેઠક શા માટે?
તિરુવનંતપુરમના સાંસદ થરૂરની લોકપ્રિયતા અને આંતરરાષ્ટ્રીય ઇમેજને ધ્યાને રાખતા પાર્ટી થરૂરને નકારી શકે નહીં. જ્યારે સરકારને સવાલ કરવાના હોય ત્યારે શશિ થરૂરનું સાથે હોવાનું વધારે આવશ્યક છે. તેના માટે આ બેઠક થઈ હોય તેવું અનુમાન છે.