આપણે રોજિંદા જીવનમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ક્યારેય તેની ઝીણી વિગતો પર ધ્યાન આપતા નથી. આવું જ કંઈક આપણા ખિસ્સામાં રહેલી ચલણી નોટો સાથે પણ છે. શું તમે ક્યારેય 100, 200 કે 500ની નોટની કિનારી પર બનેલી ત્રાંસી લાઈનો પર નજર નાખી છે? જો નહીં, તો આજે જ તમારી નોટ કાઢીને ચેક કરો. આ લાઈનો માત્ર ડિઝાઈન નથી, પણ તેની પાછળ એક ખાસ અને ઉમદા હેતુ છુપાયેલો છે. આ હેતુ વિશે જ આજે આપણે અહીં વાત કરીશું...
તમારી જાણકારી માટે કે આપણે જે ચલણી નોટો રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ એ ચલણી નોટો પર જોવા મળતી આ ત્રાંસી લાઈનોને ટેકનિકલ ભાષામાં 'બ્લીડ માર્ક્સ' (Bleed Marks) તરીકે ઓળખવામાં આવે છે. આ માર્ક્સ ખાસ કરીને એવી વ્યક્તિઓ માટે બનાવવામાં આવ્યા છે જેઓ જોઈ શકતા નથી. વિવિધ નોટ પર આ બ્લીડ માર્ક્સની સંખ્યા ઓછી-વધુ કે તેનો આકાર નાનો મોટો હોઈ શકે છે.
કઈ નોટ પર કેટલી લાઈનો હોય છે?
અગાઉ જણાવ્યું એમ દરેક ચલણી નોટોમાં જોશો તો જણાશે કે દરેક નોટ પર લાઈનોની સંખ્યા અને આકાર અલગ-અલગ હોય છે, જેથી માત્ર સ્પર્શ કરીને નોટની કિંમત જાણી શકાય. ચાલો જોઈએ કઈ નોટ પર હોય છે કેટલી લાઈન્સ-
1. 100 રૂપિયાની નોટ: આ નોટની બંને કિનારીઓ પર 4-4 ત્રાંસી લાઈનો બનેલી હોય છે.
2. 200 રૂપિયાની નોટ: 200ની નોટ પર બંને બાજુ 4-4 લાઈનો હોય છે, પરંતુ તેની વચ્ચે બે નાના ગોળ ટપકાં પણ જોવા મળે છે.
3. 500 રૂપિયાની નોટ: 500ની નોટ પર બંને કિનારીઓ પર કુલ 5-5 ત્રાંસી લાઈનો બનેલી હોય છે.
શા માટે બનાવવામાં આવી છે આ લાઈનો?
ચલણી નોટ પર આ માર્ક્સ બનાવવાનો મુખ્ય હેતુ દ્રષ્ટિબાધિત લોકોની મદદ કરવાનો છે. જે લોકો જોઈ શકતા નથી, તેઓ આ ઉપસેલી લાઈનોને સ્પર્શ કરીને તરત જ સમજી જાય છે કે તેમના હાથમાં રહેલી નોટ 100ની છે, 200ની છે કે 500ની. આ સુવિધાને કારણે તેમની સાથે થનારી કે થતી છેતરપિંડીને અટકાવી શકાય અને તેઓ કોઈની પણ મદદ વગર સ્વતંત્ર રીતે નાણાંકીય વ્યવહાર કરી શકે છે.
કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ?
આ લાઈનો સામાન્ય છાપકામ કરતા થોડી વધુ ઉપસેલી (Intaglio Printing) હોય છે. જ્યારે કોઈ દ્રષ્ટિહીન વ્યક્તિ નોટ પકડે છે, ત્યારે તે લાઈનોની સંખ્યા અને ટપકાંના આધારે નોટનું મૂલ્ય નક્કી કરે છે. ઉદાહરણ તરીકે, જો તેને 5 લાઈનોનો સ્પર્શ થાય, તો તે સમજી જશે કે આ 500ની નોટ છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરો અને તેમના જનનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની અને અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.