ન્યૂ યૉર્કઃ સાતમી ફેબ્રુઆરીએ ટી-20 વર્લ્ડ કપના પહેલા જ દિવસે ભારતની સૌપ્રથમ મૅચ અમેરિકા સામે રમાવાની છે, પરંતુ હજી સુધી ટીમ જાહેર ન કરનાર અમેરિકાની ટીમ સાથે સંકળાયેલો એક ખેલાડી વિવાદાગ્રસ્ત છે જેના પર ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ક્રિકેટ રમવા પર તાત્કાલિક સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કર્યો છે જેનું કારણ એ છે કે તે ક્રિકેટને લગતા ફિક્સિંગ સહિતના ભ્રષ્ટાચારમાં સંડોવાયો હતો. 2024ના ટી-20 વર્લ્ડ કપમાં આ જ ખેલાડી પાકિસ્તાનને ભારે પડ્યો હતો.
અમેરિકાએ આ પ્રતિબંધ આરૉન જોન્સ (Aaron Jones) નામના 31 વર્ષીય બૅટ્સમૅન પર લાગુ કર્યો છે. જોન્સનો સમાવેશ વર્લ્ડ કપ માટેના ટ્રેઇનિંગ કૅમ્પના 18 ખેલાડીમાં સમાવેશ હતો.
2024નો ટી-20 વર્લ્ડ કપ સંયુક્ત રીતે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયો હતો. છઠ્ઠી જૂને ડલાસમાં પાકિસ્તાન સામેની મૅચમાં આરૉન જોન્સે 26 બૉલમાં બે સિક્સર અને બે ફોરની મદદથી અણનમ 36 રન કર્યા હતા. તેના આ પર્ફોર્મન્સને લીધે અમેરિકાએ પણ 20 ઓવરમાં પાકિસ્તાન જેટલા 159 રન કર્યા હતા અને મૅચ ટાઇ થતાં સુપર ઓવરમાં ગઈ હતી. સુપર ઓવરમાં પણ આરોન જૉન્સ સારું રમ્યો હતો. તેણે એમાં 11 રન કર્યા હતા અને છેવટે પાકિસ્તાન સુપર ઓવરમાં પરાજિત થતાં અમેરિકાને મૅચમાં વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
હવે આઇસીસીએ આરૉન જોન્સ પર 2023-'24માં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડના અધિકાર ક્ષેત્રમાં આવતી એક ટૂર્નામેન્ટ સંબંધમાં આરોપ (Charges) મૂક્યા છે. જે આરોપ મૂકવામાં આવ્યા છે એ કલમ મૅચ ફિક્સિંગ સંબંધિત, ફિક્સિંગ કરાવવામાં ભૂમિકા ભજવવી, ફિક્સિંગ કે એને સંબંધિત પ્રવૃત્તિને લગતી જાણકારી આઇસીસીને કે પોતાના ક્રિકેટ બોર્ડને ન જણાવવા સંબંધિત તેમ જ ફિક્સિંગ વિશેના આરોપને લગતી તપાસમાં સહકાર ન આપવા કે તપાસને આડે અડચણ ઊભી કરવા વિશેની છે.