નવી દિલ્હી: ભારત સરકારે દેશના ઓટોમોબાઈલ સેક્ટરમાં ક્રાંતિકારી ફેરફાર કરતા યુરોપથી આયાત થતી કારો પરની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. 18 વર્ષની લાંબી વાટાઘાટો બાદ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' (FTA) પર મહોર વાગી છે. આ કરાર હેઠળ અત્યાર સુધી જે કારો પર 110% જેટલો તોતિંગ ટેક્સ વસૂલવામાં આવતો હતો, તેને ઘટાડીને હવે માત્ર 10% કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મર્સિડીઝ, ઓડી અને BMW જેવી લક્ઝરી બ્રાન્ડ્સ ખરીદવાનું સપનું જોતા ભારતીયો માટે કિંમતોમાં કરોડો રૂપિયાનો ફાયદો થશે.
આ નવા કરારની સૌથી મોટી અસર પ્રીમિયમ અને સ્પોર્ટ્સ કાર પર જોવા મળશે. ઉદાહરણ તરીકે, જે મર્સિડીઝ બેન્ઝ G-વેગન અત્યારે ભારતમાં અંદાજે 4 કરોડ રૂપિયામાં મળે છે, તેના પર સરકાર આશરે 2.1 કરોડ રૂપિયાની ડ્યુટી લેતી હતી. હવે 10% ડ્યુટી અમલી બનતા આ કારની કિંમત ઘટીને લગભગ 1.99 કરોડ રૂપિયા થઈ જવાની શક્યતા છે. જોકે, સરકારે આ છૂટ માટે વાર્ષિક 2.5 લાખ વાહનોની મર્યાદા નક્કી કરી છે. આ ફેરફાર તબક્કાવાર રીતે અમલમાં આવશે અને વર્ષ 2027 સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ જશે.
સરકારે આયાતી કારો પર ડ્યુટી ઘટાડી છે, પરંતુ સાથે જ સ્થાનિક કંપનીઓના હિતોનું પણ ધ્યાન રાખ્યું છે. ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી સ્વદેશી કંપનીઓને સુરક્ષા આપવા માટે ઇલેક્ટ્રિક વાહનો (EV) ને હાલમાં આ ડ્યુટી કટમાંથી પાંચ વર્ષ માટે બહાર રાખવામાં આવ્યા છે. વળી, જે કંપનીઓ ભારતમાં જ એસેમ્બલી પ્લાન્ટ ધરાવે છે, તેમના ટેક્સ સ્ટ્રક્ચરમાં બહુ મોટો ફેરફાર થશે નહીં, કારણ કે તેઓ પહેલેથી જ ઓછા ટેક્સના દાયરામાં આવે છે. આ ડીલનો મુખ્ય ફાયદો સીધી આયાત (CBU) થતી મોંઘી કારોને જ મળશે.
ભારત-EU વેપારના નવા આયામો
ભારત હાલમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર બજાર છે, પરંતુ લક્ઝરી સેગમેન્ટમાં યુરોપિયન કંપનીઓનો હિસ્સો માત્ર 4% જ છે. ઉચ્ચ ટેક્સને કારણે આ કંપનીઓ માટે ભારતમાં વ્યાપ વધારવો મુશ્કેલ હતો, જે હવે સરળ બનશે. ભારત અને યુરોપ વચ્ચેનો કુલ વેપાર પણ 190 અબજ ડોલરને પાર કરી ગયો છે. આ નવા કરારથી માત્ર ઓટોમોબાઈલ જ નહીં, પણ સેવાઓ અને અન્ય ચીજવસ્તુઓના વેપારમાં પણ મોટો ઉછાળો આવશે. બંને પક્ષો 2030 સુધીની વ્યુહાત્મક યોજના પર પણ સાથે મળીને કામ કરી રહ્યા છે.