રાયપુર : છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને સીબીઆઈ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. જેમાં સીબીઆઈ કોર્ટે કેબીનેટના પૂર્વ મંત્રી રાજેશ મુનતને અશ્લીલ સીડી કાંડમાં ભૂપેશ બઘેલને મુક્ત કરવાનો મેજિસ્ટ્રેટ કોર્ટનો આદેશ પલટાવી દીધો છે. સીબીઆઈના સુત્રોના જણાવ્યા અનુસાર કોર્ટ દ્વારા અન્ય આરોપીઓ કૈલાશ મુરારકા, વિનોદ વર્મા અને વિજય ભાટિયા દ્વારા આરોપો ઘડવાના ટ્રાયલ કોર્ટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અપીલોને પણ ફગાવી દીધી હતી.
અશ્લીલ સીડી કેસમાં ભૂપેશ બઘેલને નિર્દોષ જાહેર કર્યા હતા
સીબીઆઈના સુત્રોએ જણાવ્યું કે, સીબીઆઈની ખાસ કોર્ટે 24 જાન્યુઆરી, 2026 ના રોજ, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રાજેશ મુનતની કથિત માનહાનિ સંબંધિત 2017 ના અશ્લીલ સીડી કેસમાં ભૂપેશ બઘેલને નિર્દોષ જાહેર કરતા મેજિસ્ટ્રેટ કોર્ટના 2024 ના આદેશને રદ કર્યો છે. આ કેસ વર્ષ 2017માં નોંધવામાં આવ્યો હતો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભૂતપૂર્વ મંત્રી રાજેશ મુનતના અશ્લીલ વીડિયો તેમની છબી ખરાબ કરવાના ઈરાદાથી બનાવવામાં આવ્યા હતા અને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની બાદમાં તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવી હતી. સીબીઆઈએ આ કેસમાં કુલ છ આરોપીઓ સામે ચાર્જશીટ અને પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.
ભૂપેશ બઘેલને પણ 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા
આ વિવાદાસ્પદ અશ્લીલ સીડી છત્તીસગઢના ભૂતપૂર્વ મંત્રી રાજેશ મુનતની હતી. આ અશ્લીલ સીડીમાં ભાજપના નેતા સાથે સંકળાયેલી વાંધાજનક સામગ્રી હતી. ઓક્ટોબર 2016 માં ઉત્તર પ્રદેશમાં પોલીસે એક પત્રકારની સીડીની 500 નકલો સાથે ધરપકડ કરી હતી. ખંડણીના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેણે કથિત રીતે વિડીયો સંપાદિત કર્યો હતો અને મુનતની પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે રાજકીય વર્તુળોમાં તેને ફેલાવ્યો હતો. મુનત દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆરના આધારે તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ ભૂપેશ બઘેલને પણ 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ કેસની તપાસ હજુ પણ સીબીઆઈ દ્વારા ચાલી રહી છે.