બારામતી: આજે સવારે બારમતીમાં લેન્ડિંગ દરમિયાન એક ખાનગી ચાર્ટર્ડ વિમાન ક્રેશ થયું હતું, આ વિમાનમાં સવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું દુઃખદ અવસાન થયું છે, આ સમાચાર મળતા જ મહારાષ્ટ્રમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ વિમાન દુર્ઘટનાની થોડી મિનીટ્સ પહેલા અજિત પવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ નિમિતે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ પોસ્ટમાં તેમણે લખ્યું, "મહાન સ્વતંત્રતા સેનાની, સ્વરાજ્યના પ્રચારક, 'પંજાબ કેસરી' લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર નમ્ર શ્રદ્ધાંજલિ, જેમણે આપણા દેશની સ્વતંત્રતા માટે પોતાનું બધું જ કુરબાન કરી સીધું! તેમની દેશભક્તિ હંમેશા આપણને પ્રેરણા આપતી રહેશે."
મુંબઈમાં કેબિનેટની બેઠકમાં હાજરી આપ્યા બાદ બારામતી જીલ્લા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કરવા તેઓ બારામતી જઈ રહ્યા હતાં. કોઈ જણાતું ન હતું કે આવી ગોઝારી દુર્ઘટન સર્જાશે.
બારામતી અજિત પવારનો ગઢ:
નોંધનીય છે કે બારામતી અજિત પવારનું વતન છે. તેમણે 1991માં બારામતી મતવિસ્તારમાંથી પહેલી વાર લોકસભા ચૂંટાયા હતાં, બાદમાં તેમણે તેમના કાકા શરદ પવાર માટે આ બેઠક છોડી દીધી હતી. તેઓ બારામતી વિધાનસભા મતવિસ્તારમાં સાત વખત જીત મેળવી. સૌથી પહેલા તેઓ 1991માં બારામતી વિધાનસભા મતવિસ્તાર પર પેટાચૂંટણીમાં જીત્યા, ત્યારબાદ 1995, 1999, 2004, 2009 અને 2014માં જીત મેળવી હતી.