બારામતીઃ મહારાષ્ટ્રના રાજકારણના એક યુગનો આજે અંત આવ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આજે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં લાખો સમર્થકોની હાજરીમાં કરવામાં આવ્યા હતા. તેમના બંને પુત્રો, પાર્થ અને જય પવારે પિતાને મુખાગ્નિ આપ્યો ત્યારે વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. આ ભીષણ દુર્ઘટના બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ)નું ભવિષ્ય શું હશે અને તેમનો ઉત્તરાધિકારી કોણ બનશે, તે અંગેની ચર્ચાએ વેગ પકડ્યો છે.
અંતિમ સંસ્કાર બાદ પક્ષના વરિષ્ઠ નેતા નરહરિ ઝીરવાળે પક્ષના નેતૃત્વ અને બંને રાષ્ટ્રવાદી જૂથોના જોડાણ અંગે જે નિવેદન આપ્યું છે, તેણે રાજ્યના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે. બુધવારે બારામતી એરપોર્ટ પાસે થયેલા કરુણ વિમાન અકસ્માતમાં અજિત પવાર સહિત 6 લોકોના નિધન બાદ આજે તેમને ભાવભીની વિદાય આપવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને રાજ્યના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
ગઈકાલે અજિત પવારના નિધનના સમાચાર સામે આવતા જ લોકોને એ સવાલ થઈ રહ્યો છે કે અજિત પવાર બાદ પક્ષનું ભવિષ્ય શું હશે, બંને રાષ્ટ્રવાદી પાછી એક થશે કે કેમ, રાષ્ટ્રવાદીની કમાન હવે કોના હાથમાં સોંપવામાં આવશે? વગેરે વગેરે... હવે આ તમામ સવાલોના જવાબ રાષ્ટ્રવાદીના નેતા અને વિધાનસભા ઉપાધ્યક્ષ નરહરિ ઝીરવાળના એક નિવેદન પરથી મળી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
અજિત પવારના અંતિમ સંસ્કાર પૂર્ણ કરીને બહાર નીકળતી વખતે રાષ્ટ્રવાદીના નેતા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ ઝીરવાળે પ્રસાર માધ્યમો સાથે વાત કરી હતી. આ સમયે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સુનેત્રા અજિત પવાર પક્ષના ઉત્તરાધિકારી હોવા જોઈએ. ઝીરવાળે આગળ એવું પણ જણાવ્યું હતું કે અજિત દાદાના વારસાને હવે સુનેત્રા પવાર જ આગળ ધપાવશે તેવી પક્ષના તમામ કાર્યકર્તાઓની ભાવના છે. માત્ર બારામતી જ નહીં, પણ સમગ્ર મહારાષ્ટ્રની જનતાની પણ આ જ ઈચ્છા છે.
નરહરિ ઝીરવાળે રાષ્ટ્રવાદીનો ઉત્તરાધિકારી કોણ હશે એ બાબતે તો નિવેદન આપ્યું જ પણ એમણે સૌથી મહત્ત્વનું નિવેદન એવું આપ્યું છે કે હવે તુતારી (શરદ પવાર જૂથ) અને ઘડિયાળ (અજિત પવાર જૂથ) અલગ નથી, બંને એક જ છે. અહીંયા તમારી જાણકારી માટે કે આ અગાઉ નગરપાલિકાની ચૂંટણીમાં બંને પક્ષો સાથે આવ્યા જ હતા, પરંતુ હવે આ દુર્ઘટના બાદ બંને રાષ્ટ્રવાદી પક્ષોનું સંપૂર્ણ વિલય અને જોડાણ અનિવાર્ય બની ગયું છે. હવે એકસાથે ચાલવા સિવાય કોઈ વિકલ્પ નથી.
અજિત પવારની અણધારી એક્ઝિટ બાદ હવે પક્ષની સત્તા અને સૂત્ર સંચાલન કોના હાથમાં આપવું જોઈએ એ બાબતે સામાન્ય જનતા અને કાર્યકરોમાં એવી ચર્ચા છે કે અજિત પવારની ગેરહાજરીમાં પક્ષને વિખેરાતો અટકાવવા માટે તેમના પત્ની સુનેત્રા પવારને સત્તામાં અને સંગઠનમાં મહત્વનું પદ આપવું જોઈએ. સુનેત્રા પવાર અજિત દાદાના તમામ સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યા છે, તેથી કાર્યકરોમાં તેમને લઈને એક પ્રકારનું એક્સેપ્ટન્સ જોવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે એટલે 28મી જાન્યુઆરીના બુધવારે સવારે બારામતી એરપોર્ટથી માત્ર બે કિલોમીટર દૂર 500 મીટરની ઊંચાઈ પરથી અજિત પવારનું વિમાન ટેકનિકલ ખામીને કારણે તૂટી પડ્યું હતું. આ અકસ્માત બાદ વિમાનમાં ભયાનક સ્ફોટ થયો હતો. આ દુર્ઘટનાને મહારાષ્ટ્રએ એક સક્ષમ પ્રશાસકને હંમેશા માટે ગુમાવી દીધા છે.