લાહોરઃ પાકિસ્તાન (Pakistan)ની ક્રિકેટ ટીમ આગામી ટી-20 વર્લ્ડ કપનો કે ભારત સામેની 15મી ફેબ્રુઆરીની મૅચનો બહિષ્કાર (Boycott) કરશે કે નહીં એ બાબતમાં તાજા અપડેટ બહાર આવી છે. પાકિસ્તાને ભારત સામેની મૅચ ન રમવા એક વિકલ્પ વિચારી રાખ્યો છે.
એક અહેવાલમાં જણાવાયું છે કે બાંગ્લાદેશના સપોર્ટમાં પાકિસ્તાન કદાચ આખા ટી-20 વર્લ્ડ કપ (World Cup)નો બહિષ્કાર કરશે અને બીજા અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાન જો વિશ્વ કપમાં રમશે તો કદાચ ભારત સામેની 15મી ફેબ્રુઆરીની મૅચનો બૉયકૉટ કરશે. હવે એક નવો અહેવાલ એ મળ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સમગ્ર વર્લ્ડ કપનો કે ભારત સામેના મુકાબલાનો બહિષ્કાર કરવાથી કેવા રાજનૈતિક, કાનૂની અને આર્થિક પરિણામો આવી શકે એનો અભ્યાસ કરી રહ્યું છે.
પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ વડા પ્રધાન શેહબાઝ શરીફને મળીને વર્લ્ડ કપ વિશે ચર્ચા કરી છે. કહેવાય છે કે પાકિસ્તાન શુક્રવાર, 30મી જાન્યુઆરી અથવા સોમવાર, બીજી ફેબ્રુઆરી સુધીમાં અંતિમ ફેંસલો કરશે. નકવી હાલમાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે યુએઇના પ્રવાસે ગયા છે.
એક સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર પાકિસ્તાન વર્લ્ડ કપના ગ્રૂપ-સ્ટેજમાં (નેધરલૅન્ડ્સ અને અમેરિકા સામેની) પહેલી બન્ને મૅચ જીતી લેશે તો ત્યાર પછીની ભારત સામેની 15મી ફેબ્રુઆરીની મૅચનો પાકિસ્તાન બહિષ્કાર કરે એવી સંભાવના વધી જશે.