Thu Jan 29 2026

Logo

White Logo

શું ઈશાન કિશન ખરેખર ઈજાગ્રસ્ત હતો? ક્રિકેટ પ્રેમીઓએ ઉઠાવ્યા સવાલ: જાણો શા માટે...

2 hours ago
Author: Ajay Motiwala
Video

વિશાખાપટનમઃ બુધવારે અહીં ન્યૂ ઝીલૅન્ડ (new zealand) સામેની ચોથી ટી-20 જીતીને સિરીઝમાં સરસાઈ 4-0ની કરવાનો ભારત (india)ને સારો મોકો હતો અને ઇન્ફૉર્મ બૅટ્સમૅન ઇશાન કિશન (Ishan Kishan) ઈજાને કારણે ન રમ્યો એની ભારતીય ટીમના પર્ફોર્મન્સ પર વિપરીત અસર થઈ હતી, પરંતુ કિશનની ઈજાને લઈને ક્રિકેટચાહકોએ એક સવાલ ઉઠાવ્યો છે.

 

ન્યૂ ઝીલૅન્ડે સાત વિકેટે 215 રન કર્યા બાદ ભારતીય ટીમ માત્ર 165 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી, જેમાં એકમાત્ર શિવમ દુબે (65 રન, 23 બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર)ની હાફ સેન્ચુરી સામેલ હતી. ભારતનો 50 રનથી પરાજય થયો હતો.

આ મૅચ દરમ્યાન એક એવી ઘટના બની જેને લઈને ક્રિકેટ ફૅન્સ એક સવાલ ઉઠાવવા મજબૂર થયા છે. વાત એવી છે કે ભારતીય ટીમ બૅટિંગ દરમ્યાન સંકટમાં હતી અને એકમાત્ર શિવમ દુબે કિવી બોલર્સ સામે લડી રહ્યો હતો ત્યારે હેડ-કોચ ગૌતમ ગંભીરે એક સંદેશ સાથે ઇશાન કિશનને મેદાન પર મોકલ્યો હતો. કિશન પ્લેઇંગ-ઇલેવનમાં હતો જ નહીં અને ઈજાગ્રસ્ત હતો. જોકે કિશન જે સ્ફૂર્તિથી અને ઝડપથી મેદાન પર દોડી આવ્યો અને પાછો મેદાનની બહાર આવી ગયો એ જોઈને સોશ્યલ મીડિયામાં કેટલાકે સવાલ ઉઠાવ્યા હતા કે ` શું કિશનને ખરેખર ઈજા હતી? તે ઈજાગ્રસ્ત હતો તો પણ આટલો ઝડપથી કેમ મેદાન પર દોડી આવ્યો? કિશનની ઈજા બાબતમાં ટીમ મૅનેજમેન્ટ જૂઠ્ઠું બોલ્યું? કિશન આટલો બધો ફિટ હતો તો પછી કેમ પ્લેઇંગ-ઇલેવનની બહાર રાખ્યો? ટીમને બૅટિંગમાં સ્પેશ્યાલિસ્ટની ખાસ જરૂર હતી ત્યારે કેમ આવું કરવામાં આવ્યું?'

એક્સ પર સનરાઇઝર્સ હૈદરાબાદના એક ક્રિકેટપ્રેમીએ ટિપ્પણી કરી હતી કે ` અર્શદીપ સિંહને સમાવવા કિશનને બહાર બેસાડવામાં આવ્યો કે જેથી સંજુ સૅમસન કોઈ પણ પ્રકારની હરીફાઈની ચિંતા વગર બૅટિંગ કરી શકે.' બીજા એક ક્રિકેટચાહકે કમેન્ટ કરી, ` બીસીસીઆઇ કદાચ કિશનને કહેતા ભૂલી ગયું હતું કે તેને ઈજા છે અને તેણે મેદાન પર દોડી જવાને બદલે આરામ કરવો જોઈએ.'

દરમ્યાન, સંજુ સૅમસન સતત ચોથી મૅચમાં સારું રમવામાં નિષ્ફળ ગયો હતો. તેણે 15 બૉલમાં 24 રન કર્યા હતા, પણ લાંબી ઇનિંગ્સ રમીને ટીમને પરાજયથી બચાવી નહોતો શક્યો. પહેલી ત્રણ મૅચમાં તેના સ્કોર્સ આ મુજબ હતાઃ 10, 6 અને 0.