Thu Jan 29 2026

Logo

White Logo

પાકિસ્તાનને આઇસલૅન્ડ ક્રિકેટ બોર્ડે મજાકમાં કહ્યું, ` જલદી નિર્ણય લો, અમારી ટીમ ટેક-ઑફ માટે તૈયાર જ છે'

2 hours ago
Author: Ajay Motiwala
Video

નવી દિલ્હીઃ મેન્સ ટી-20 વર્લ્ડ કપ શરૂ થવાને માંડ એક અઠવાડિયું બાકી છે ત્યારે પાકિસ્તાને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની આ મેગા ઇવેન્ટમાં ભાગ લેવો કે નહીં એનો અંતિમ નિર્ણય હજી નથી લીધો ત્યારે ક્રિકેટજગતમાં ચર્ચા છે કે જો બાંગ્લાદેશની જેમ જો પાકિસ્તાન (Pakistan) પણ વિશ્વ કપનો બહિષ્કાર કરશે તો એના સ્થાને ક્વૉલિફિકેશન રાઉન્ડમાં વર્લ્ડ કપની એન્ટ્રીથી વંચિત રહી ગયેલા ટોચની રૅન્કના દેશને આમંત્રણ આપવામાં આવશે અને એ માટે યુગાન્ડાની પાત્રતા છે, પરંતુ આઇસલૅન્ડે પાકિસ્તાનની હાંસી ઉડાવતી અને એને મજાકમાં ટોણો મારતી પોસ્ટ (Post) સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી છે.

બાંગ્લાદેશના સ્થાને સ્કૉટલૅન્ડને વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળવાનો છે અને હવે પાકિસ્તાન પણ નહીં રમે તો ક્વૉલિફાય ન થઈ શકનાર દેશોમાં સૌથી ઊંચી રૅન્ક ધરાવનારાઓમાંથી યુગાન્ડાને વર્લ્ડ કપમાં સમાવાશે. જોકે પાકિસ્તાન બહિષ્કારનું અંતિમ પગલું નહીં ભરે એવી સંભાવના છે, કારણકે આઇસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને બહિષ્કાર બદલ આકરાં પગલાંની ચેતવણી આપી છે.

દરમ્યાન આઇસલૅન્ડ ક્રિકેટ બોર્ડે મીડિયાની પોસ્ટમાં મજાકમાં જણાવ્યું છે કે ` તમે વર્લ્ડ કપમાં રમશો કે નહીં એનો અંતિમ નિર્ણય ઝડપથી લઈ લો, કારણકે જો જરૂર પડશે તો અમે તમારા સ્થાને રમવા તૈયાર જ છીએ. અમારા ખેલાડીઓ ટેક-ઑફ માટે તૈયાર જ છે. જોકે સમસ્યા એ છે કે સાતમી ફેબ્રુઆરી સુધીમાં અમારા પ્લેયર્સને સમયસર કોલંબોની ફ્લાઇટ મળશે કે કેમ એ મોટો સવાલ છે. અમારા ઓપનિંગ બૅટ્સમેનને તો રાત્રે ઊંઘ જ નથી આવતી (તેઓ આમંત્રણની રાહ જોઈને બેઠા છે)

આઇસલૅન્ડની આ પોસ્ટને 17,000 જેટલી લાઇક્સ મળી છે અને આ પોસ્ટ પર 700 ટિપ્પણી થઈ છે.