Thu Jan 29 2026

Logo

White Logo

સુરતમાં ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ડાયમંડ વેપારીને ત્યાં ઈન્કમટેક્સના દરોડા...

1 day ago
Author: Himanshu Chavda
Video

સુરત: ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના 'લક્ષ્મી ગ્રુપ' પર આજે આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. 28 જાન્યુઆરી, 2026ની વહેલી સવારથી આવકવેરા વિભાગની DDI વિંગે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ લક્ષ્મી ગ્રુપના અનેક સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરતના હીરા બજારથી લઈને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સુધી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

150થી વધુ અધિકારીઓની ટીમ ઓપરેશનમાં જોડાઈ

ડાયમંડ, રિયલ એસ્ટેટ અને એજ્યુકેશન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે જાણીતા આ ગ્રુપના ઠેકાણાઓ પર વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહીએ સમગ્ર રાજ્યના વેપારી અને રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી છે. આશરે 150થી વધુ IT અધિકારીઓની અલગ-અલગ ટીમો આ ઓપરેશનમાં જોડાઈ છે. લક્ષ્મી ગ્રુપના મુખ્ય ભાગીદારો વસંત ગજેરા, ચિનુ ગજેરા અને ધીરુ ગજેરાના નિવાસસ્થાનો અને ઓફિસો પર તપાસ ચાલુ છે. 

આ ગ્રુપ સાથે સંકળાયેલા અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવિણ ભૂતના ધંધાકીય સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. IT વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયલ એસ્ટેટના મોટા વ્યવહારોમાં થયેલી ટેક્સ ચોરી અને લેટેસ્ટ 'હવાલા નેટવર્ક' સાથેના જોડાણો તપાસનો મુખ્ય વિષય છે. IT વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો અને ડિજિટલ ડેટાની ચકાસણી ચાલી રહી છે. સુરતના હીરા ઉદ્યોગ અને રિયલ એસ્ટેટ માર્કેટમાં આ દરોડાને પગલે અન્ય ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

ITના દરોડા પાછળ રાજકીય કારણોની અટકળો

'લક્ષ્મી ગ્રુપ'ના આ દરોડા માત્ર આર્થિક જ નહીં પણ રાજકીય રીતે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પરિવારના સભ્ય ધીરુ ગજેરા અગાઉ ભાજપ અને કોંગ્રેસમાં સક્રિય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ભાજપમાં હોવા છતાં સોશિયલ મીડિયા પર પક્ષના નેતાઓ વિરુદ્ધ ટીકાત્મક પોસ્ટ મૂકવાને કારણે ચર્ચામાં હતા. આથી, આ કાર્યવાહી પાછળ રાજકીય કારણો હોવાની પણ અટકળો તેજ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, લક્ષ્મી ગ્રુપ શૂન્યમાંથી સર્જનની મિસાલ છે. વર્ષ 1968માં વસંતભાઈ ગજેરા અમરેલીથી સુરત આવ્યા હતા. વસંતભાઈએ પિતાએ આપેલી રૂ. 10,000ની મૂડીથી ભાડાના મકાનમાં માત્ર 3 ઘંટીઓથી હીરા ઘસવાનું કામ શરૂ કર્યું હતું. આખરે 1972માં 'લક્ષ્મી ડાયમંડ'ની સ્થાપના થઈ અને આજે 50 વર્ષ બાદ આ ગ્રુપ હીરા ઉદ્યોગમાં વિશ્વના ટોચના સ્થાનોમાં બિરાજમાન છે.