(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અત્યાધુનિક '૧૧૨' ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવા પોલીસ, ફાયર, મેડિકલ અને મહિલા હેલ્પલાઇન જેવી સુવિધાઓ માટે 'સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ' તરીકે કાર્યરત છે. આ રિસ્પોન્સ સેન્ટર દ્વારા ચાર મહિનામાં પોણા ચાર લાખથી વધુ કોલ એટેન્ડ કરવાની મહત્ત્વની વિગતો જાણવા મળી હતી.
મુલાકાત દરમિયાન ડો. રાવે ઈમરજન્સી કોલ અટેન્ડ કરવાની પ્રક્રિયા અને જીપીએસ સિસ્ટમ દ્વારા નજીકના વાહનને ઘટનાસ્થળે મોકલવાની પદ્ધતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે ડેટા એનાલિટિક્સના ઉપયોગ દ્વારા મદદ પહોંચાડવાનો સમય ઘટાડીને ૧૦ મિનિટથી પણ ઓછો કરવા મહત્વપૂર્ણ સૂચન કર્યું હતું.
છેલ્લા ચાર મહિનાની અંદર રાજ્યભરમાં '૧૧૨' સેવા હેઠળ કુલ ૩,૮૨,૭૨૮ ઇમરજન્સી કેસ એટેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રતિદિન સરેરાશ ૧૨,૦૦૦થી વધુ કોલનો સમાવેશ થાય છે. જાન્યુઆરી ૨૦૨૬માં આ સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઇમ ૧૧ મિનિટ ૫૬ સેકન્ડ નોંધાયો હતો.
ડો. રાવે જણાવ્યું હતું કે ફિલ્ડમાં હાજર પોલીસ અને કંટ્રોલ રૂમ વચ્ચેનો સચોટ તાલમેલ જ આ સેવાની સફળતાનો મુખ્ય પાયો છે. આ કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે ટેકનોલોજી અને હ્યુમન રિસોર્સની દર મહિને સમીક્ષા કરવામાં આવશે.
મુલાકાત દરમિયાન ડો. રાવે ફિલ્ડ ટીમોને 'એમડીટી' એપ્લિકેશનનો અસરકારક ઉપયોગ કરવા અને પ્રોટોકોલ મુજબ કાર્ય કરવા તાકીદ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની '૧૧૨' સેવાને દેશભરમાં એક આદર્શ અને ભરોસાપાત્ર મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો રાજ્ય પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય છે.