Thu Jan 29 2026

Logo

White Logo

પાલિકામાં વિરોધપક્ષને રોકવા ભાજપ-સેના સંયુક્ત રીતે નગરસેવકોનું જૂથ બનાવી રજિસ્ટ્રેશન કરાવશે...

1 day ago
Author: sapna desai
Video

Devendra Fadnavis Eknath Shinde


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકામાં વિરોધપક્ષને મહત્ત્વની વૈધાનિક કમિટીઓ કબજો કરવાથી રોકવા માટે ભાજપ અને શિવસેના (શિંદે)એ કોંકણભવનમાં સંયુક્ત  રીતે ગ્રૂપનું રજિસ્ટ્રેશન કરાવવાનો નિર્ણય લઈને ગણતરીપૂર્વકનું રાજકીય પગલું ભર્યું છે.

ભાજપ અને શિંદેની શિવસેનાએ  બેલાપુરમાં આવેલા કોંકણ ભવનમાં સંયુક્ત રીતે તેમના નગરસેવકોનું એક જૂથ બનાવીને રજિસ્ટ્રેશન કરાવવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ વ્યૂહાત્મક પગલું  ભાજપ-શિંદેએ વિપક્ષોને મહત્ત્વની ગણાતી ઈમ્પ્રુવમેન્ટ (સુધાર સમિતી) કમિટીમાં સંખ્યાત્મક રીતે રોકવા અને લોટરી દ્વારા સમિતિના અધ્યક્ષપદનો નિર્ણય લેવાના જોખમને પહોંચી વળવા માટે લીધો હોવાનું માનવામાં આવે છે. બંને પક્ષો ગુરુવારે કોંકણ વિભાગીય કમિશનર સમક્ષ આ વ્યૂહાત્મક જોડાણને ઔપચારિક બનાવવાના છે.  

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનું ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ના પરિણામ આવ્યા બાદ ૨૪ નગરસેવકો સાથે કૉંગ્રેસે ૨૦ જાન્યુઆરીના સીબીડી બેલાપુરમાં કોંકણ વિભાગીય કમિશનર પાસે રજિસ્ટ્રેશન કરાવનારો પહેલો પક્ષ હતો. ૬૫ નગરસેવક સાથે બીજા ક્રમે આવનારી શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને ત્યારબાદ એઆઈએમઆઈએમ ૨૧ જાન્યુઆરીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તો બીજા દિવસે એમએનએસ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું.

પાલિકાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યા બાદ પણ ભાજપ અને શિંદે સેનાએ હજી સુધી તેમનું રજિસ્ટ્રેશન ઔપચારિક રીતે કરાવ્યું નથી, તેને કારણે દેશની સૌથી શ્રીમંત કહેવાતી મુંબઈ મહાનગરપાલિકામાં નિયંત્રણ મેળવવા માટે બંને પક્ષો વચ્ચે વિવાદ હોવાની તીવ્ર અટકળો શરૂ થઈ ગઈ છે. પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે કોંકણ ભવનમાં રજિસ્ટ્રેશન કરાવવાનું શિંદે જૂથે નક્કી કર્યું હતું પણ ભાજપના નેતાઓએ તેમને ચર્ચા માટે પાછા બોલાવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ મૅયર પદ છોડવા માટે તૈયાર નથી. મૅયરપદ તેમની માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બની ગયો છે. જયારે શિંદે સેના પોતાનો રાજકીય દાવો જાળવી રાખવા માટે વૈધાનિક સમિતિનું અધ્યક્ષપદ મેળવવા માટે મક્કમ છે. બીજો મુખ્ય મુદ્દો સુધાર સમિતિનો છે, જે સ્થાયી સમિતિ બાદ બીજી શક્તિશાળી સમિતિ ગણાય છે, જેમાં કુલ ૨૬ સભ્ય હોય છે.

ચૂંટાયેલા નગરસેવકોને આધારે ભાજપ અને શિંદેસેના સંયુક્ત રીતે ૧૩ સભ્ય છે, જયારે શિવસેના (યુબીટી), કૉંગ્રેસ અને મુંબઈમાં ધીમે ધીમે માથુ ઊંચકી રહેલા  એઆઈએમઆઈએમ પાસે પણ સંયુક્ત રીતે ૧૩ સભ્ય છે. બંને પક્ષો એક સરખું સંખ્યાબળ ધરાવતા હોવાથી સમિતિના અધ્યક્ષપદનો નિર્ણય લોટરી દ્વારા લેવામાં આવશે. લોટરીમાં જો અધ્યક્ષપદ વિરોધી પક્ષને ગયું તો ભાજપ-શિંદે માટે રાજકીય રીતે પીછેહઠ તો ગણાશે પણ તેમની માટે આ શરમજનક બાબત પણ બની રહેશે.

ભાજપ અને શિંદે સંયુક્ત રીતે કોંકણ ભવનમાં જૂથ તરીકે રજિસ્ટ્રેશન કરાવીને પરસ્પર રાજકીય લાભ લેવા માગી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ મેયરનું પદ જાળવી રાખીને આ મુદ્દાને ઉકેલવા માંગે છે. તેથી જ તેઓએ શિંદેજૂથને હાઉસ (સામાન્ય સભા)ના નેતાનું પદ ઓફર કર્યું છે. જોકે શિંદે સેના કેટલી ઝુકે છે અને ઓફર સ્વીકારે છે કે નહીં જોવાનું રહેશે. 

શરદ પવારની રાષ્ટ્રવાદી અને સમાજવાદીને કંઈ નહી
આ દરમિયાન પાલિકામાં સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસને તમામ વૈધાનિક સમિતિમાંથી સંપૂર્ણપણે બાકાત થઈ જવાની છે. જોકે અજિત પવારની રાષ્ટ્રવાદીએ એક વિશેષ સમિતિમાં પ્રતિનિધિત્વ મળશે. તો મનસેનેે ત્રણ વૈધાનિક સમિતિ અને એક વિશેષ સમિતિમાં સભ્યપદ મળશે. તો  એઆઈએમઆઈએમના માત્ર આઠ નગરસેવક હોવા છતાં તમામ વૈધાનિક અને વિશેષ સીમિમિાં પ્રતિનિધિત્વ મળશે. મુંબઈ મહાનગરપાલિકામાં જે પક્ષ છથી  વધુ બેઠક મેળવે છે, તેઓ  જૂથ નેતાની નિમણૂક કરવા માટે પાત્ર બને છે અને વૈધાનિક અને વિશેષ સમિતિમાં પણ પ્રતિનિધિત્વ માટે હકદાર બને છે.